વર્ષો પહેલાં મનોવિજ્ઞાન તત્ત્વદર્શનનો એક ભાગ હતું. પાશ્ચાત્ય જગતમાં વુન્ડરે મનોવિજ્ઞાનને તત્ત્વદર્શનથી અલગ પાડ્યું. એ સાથે તેમણે મનોવિજ્ઞાનની પહેલી પ્રયોગશાળા શરૂ કરી અને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનનો પાયો નાંખ્યો. તેમણે મનોજગત પર કરેલા પ્રયોગો આધુનિક શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં નોંધપાત્ર છે. તેમણે આપેલી શિક્ષણની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ “આત્મનિરીક્ષણ' વર્તમાન સમયમાં અનેક રીતે યથાર્થ છે, નોંધપાત્ર છે. પદ્ધતિની યથાર્થતા ચકાસતાં પહેલાં તેનો અર્થ અને સંકલ્પના જોઈશું.
આત્મનિરીક્ષણ’ વ્યક્તિને થતી અનુભૂતિ અને અનુભવો સાથે સંબંધિત છે અને તેનાથી પ્રેરિત છે. આત્મનિરીક્ષણ માટે “સ્વ પરીક્ષણ', “આત્મશોધ” શબ્દો પણ પ્રયોજાય છે. પ્રાચીન ભારતીય પરંપરાઓ “સ્વાધ્યાય’ શબ્દ પ્રયોજાતો હતો જેનો અર્થ થતો - “સ્વ-અધ્યાય' એટલે કે “સ્વ” નો અભ્યાસ. પ્રાચીન ભારતીય અભ્યાસ પદ્ધતિઓમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસને અગ્ર સ્થાન હતું. તેમાં આંતરમન અને આંતરચેતના સાથે કાર્ય થતું હતું.
પાશ્ચાત્ય જગતમાં આત્મ-નિરીક્ષણ માટે 17મી સદીના અંતભાગમાં 1677માં લેટિન શબ્દ introspectare શબ્દ પરથી introspection શબ્દ બન્યો. જેનો અર્થ છે “look into repeatedly” અર્થાત પોતાની લાગણીઓ, વિચારો અને ઉદ્દેશોનું ઊંડાણપૂર્વકનું માનસિક પરીક્ષણ હાથ ધરવું. આમ, “પોતાની લાગણીઓ અને વિચારોનું ચિંતનાત્મક પરીક્ષણ એટલે આત્મનિરીક્ષણ.”
આત્મપરીક્ષણ એ અંતઃ સ્કૂરણાથી ભિન્ન બાબત છે. અંતઃસ્કૂરણામાં ઝબકાર સાથે ત્વરિત જ્ઞાન થાય છે. કોઈપણ પ્રકારની ક્ષમતા, શોધખોળ માટેનાં પ્રયત્નો કે કોઈ ખ્યાલ વિના અચાનક મળતો ઉકેલ એટલે અંતઃસ્કૂરણા. આત્મનિરીક્ષણ એ જુદી બાબત છે. તે મનના નિરીક્ષણની સભાનતાપૂર્વકની પ્રક્રિયા છે. તે જાત તપાસની પ્રક્રિયા છે.
વુંટના પ્રદાન સાથે પશ્ચિમમાં મનોવિજ્ઞાનની પ્રશાખા તરીકે introspective Psychology નો વિકાસ થયો. જેમાં ત્વરિત આત્મલક્ષી અનુભવોનો અભ્યાસ કરવામાં આવે છે. ઈ.સ. 1922માં આત્મનિરીક્ષણવાદ અસ્તિત્વ આવ્યો. તેના સિદ્ધાંત પ્રમાણે પ્રદિપાદિત થયું કે, “આત્મનિરીક્ષણથી મળેલ માહિતી વર્તનના સંદર્ભમાં હોવી જોઈએ
જો કે, આત્મનિરીક્ષણ પદ્ધતિ કેટલેક અંશે અનુભવાતિત (Transcendental) મનોવિજ્ઞાનના ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. જેમાં, ગહન અનુભૂતિનો પણ સમાવેશ થાય છે.
1. “સ્વ” પ્રતિ સજાગ થવાની પ્રક્રિયા એટલે આત્મનિરીક્ષણ - ભગવાન બુદ્ધ.
2. આત્મનિરીક્ષણ એ આત્મપરીક્ષણ દ્વારા થતા આત્મજ્ઞાનનું માધ્યમ છે. - એન્ડર્સન અને વિલિયમ્સ (1988)
3. માનસિક પ્રક્રિયાઓને સમજવાનો પ્રયાસ એટલે આત્મનિરીક્ષણ.
4. “Introspection is looking into one's own mind, to find what one thinks and feels.”
Encylopedia Britannica
5. આત્મનિરીક્ષણ એ હંમેશા પ્રથમ અને પ્રાથમિક બાબત છે. જેના પર આપણે આધાર રાખવો પડે છે. આ શબ્દને વ્યાખ્યાયિત કરવો કઠીન છે. તેનો સામાન્ય અર્થ છે. પોતાના મનને જોવું અને જે શોધ કરો તેની નોંધ કરવી.
William James
6. આત્મનિરીક્ષણમાં આપણો સંબંધ આપણા અનુભવોના સ્વરૂપ અને માનસિક પ્રક્રિયાના નિયમો સાથે છે. આત્મનિરીક્ષણમાં જ્ઞાન અને માનસિક પ્રક્રિયાની સ્થિતિ સંબંધી પ્રશ્નોના ઉકેલ શોધવા પ્રયત્નશીલ હોય છે. આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિ પોતાના આંતરિક વર્તનનું નિરીક્ષણ કરે છે અને કોઈ ચોક્કસ પરિસ્થિતિના સંદર્ભે વિચારો કે લાગણીઓનો અભ્યાસ કરે છે.
Stout
7. The word “introspection' need hardly be defined it means, of course, the looking into our own minds and reporting what we there discover.”
8. ‘Introspection is a term of art and one for which little use is found in the self descriptions of untheoratical people'
Ryle, The concept of mind.
માનવી સદીઓથી મન અને આત્મા સંબંધી શોધ કરતો રહ્યો છે. બીજાને સમજવાની કડાકૂટ કરવા કરતાં પોતાને સમજવાના પ્રયાસમાં પૂર્વ અગ્રેસર રહ્યું છે. ભારત પ્રાચીન સમયથી આત્મનિરીક્ષણમાં અગ્રેસર છે. ઉપનિષદો આત્મનિરીક્ષણ પદ્ધતિનાં ઉત્તમ પ્રેરક છે. બુદ્ધની ‘વ’ પ્રત્યે સજાગ થવાની વાત આત્મનિરીક્ષણની ધોતક છે. જૈન શાસ્ત્રોમાં પ્રયોજાયેલ “પ્રતિક્રમણ' એટલે જ આત્મનિરીક્ષણ. પતંજલિના અષ્ટાંગ યોગના આઠ અંગોમાંનું એક પ્રત્યાહર’ પણ આંતરદર્શન પ્રતિ અંગુલિ નિર્દેશ કરે છે. સાહિત્યમાં સ્વગત : ભાષણ (monologue) નાટ્યમાં એકપાત્રીય અભિનય પણ આત્મનિરીક્ષણ અને આત્મા સાથેના સંવાદનાં ઉદાહરણ છે.
યુરોપમાં 8મીથી 11મી સદી દરમિયાન ઈસ્લામના સૂફીવાદમાં પણ રહસ્યમય આધ્યાત્મિક મુસાફરી માટે આત્મનિરીક્ષણ પ્રમુખ પદ્ધતિ હતી. સોક્રેટિસ પણ જયારે “know thyself” કહે છે ત્યારે આત્મનિરીક્ષણની જ વાત કરે છે. આમ, કહી શકાય કે આત્મનિરીક્ષણ પદ્ધતિ એ મનોવિજ્ઞાનની સૌથી પ્રાચીન પદ્ધતિ છે. ઈ. સ. 1879માં જર્મન મનોવિજ્ઞાની પુન્ડટએ આત્મનિરીક્ષણ પદ્ધતિને શૈક્ષણિક મનોવિજ્ઞાનની આધુનિક પદ્ધતિ કે વિકસાવી. તે પહેલાં 18મી સદીમાં જર્મન તત્ત્વજ્ઞ અને માનસશાસ્ત્રી એલેક્ઝાન્ડર ગોટ લિબ અને નિકોલસ ટેટર્સે આત્મનિરીક્ષણ પર પ્રકાશ હતો, પરંતુ આત્મનિરીક્ષણને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનમાં લાવી તેને પદ્ધતિસરનું રૂપ આપનાર વટ હતા. તેમના શિષ્ય એડવર્ડ ટિચનરે ચેતના (ચૈતન્ય, consciousness) અને તેના વિવિધ ભાગો પર અનેક ગુણાત્મક સંશોધનો કર્યા હતાં.
પ્રાચીન સમયથી ખ્યાલ હતો કે, આત્મનિરીક્ષણનો આધાર માનસિક ક્રિયાઓ પર છે, તેથી તેનો અભ્યાસ કરી શકાય નહીં. પરિણામે, મનોશારીરિક તંત્ર (neurophysiological mechanism) ને સમજવામાં મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી રૂકાવટ આવી. ફરીથી માનસિક પ્રક્રિયાઓને ઉચ્ચ સ્તરે સમજવાનો પ્રયાસો થયાં. આત્મનિરીક્ષણ અને સ્વ વિશેના અન્યના ખ્યાલોના આધારે વ્યક્તિ પોતાની માન્યતાઓ વિકસાવે છે, વ્યક્તિત્વ અને વર્તન વગેરેમાં બદલાવ લાવે છે. પરંતુ Nisbett અને Wilson (1981) આત્મનિરીક્ષણને અચોક્કસ અને પક્ષપાતી અર્થાત્ પૂર્વગ્રહ આધારિત માને છે.
Bradley (1946-1924) સ્મૃતિ, કલ્પના અને આત્મનિરીક્ષણના તેના વિચારોને કારણે તાત્ત્વિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર ગણાય છે. ઈમેન્યુઅલ કેન્ટ પણ અનુભવાતિત મનોવિજ્ઞાનના ક્ષેત્રની ગણનાપાત્ર વ્યક્તિ છે. તેમના મતે પ્રયોગાત્મક નિર્ણય પ્રક્રિયા માટે સંવેદના અને સમજણની ઉચ્ચ કક્ષા અતિ આવશ્યક છે. જ્ઞાન કે અનુભવનો સ્ત્રોત વ્યક્તિ અથવા વસ્તુ કે પરિસ્થિતિ નથી. પણ, વસ્તુના વ્યક્તિએ કરેલા પ્રત્યક્ષીકરણમાં હોય છે. અહીં, પ્રત્યક્ષીકરણ યથાર્થ રીતે થવું આવશ્યક છે. તેમ ન થાય તો શંકરાચાર્યના માયાવાદની જેમ યથાર્થ પ્રત્યક્ષીકરણના અભાવે દોરડામાં સર્પની પ્રતિતિ શક્ય છે. કૃષ્ણમૂર્તિના મતે, દૃષ્ટા જ્યારે દષ્ટિના માધ્યમથી સ્વયં દૃષ્ટાને યથાર્થ રીતે પ્રમાણે ત્યારે આત્મનિરીક્ષણ થાય છે.
આત્મનિરીક્ષણ અથવા આંતરદર્શન એટલે માત્ર વિચારોમાં ભટકવું નહીં, પણ પોતે શું વિચારે છે, કેવી રીતે વિચારે છે, સ્થિતિ અથવા વસ્તુને કેવી રીતે પ્રમાણે છે વગેરેનો સજાગતાથી તાગ મેળવવામાં આવે છે. ડેવિડ ધૂમના મતે આ પદ્ધતિનાં લક્ષણો જણાવવાં કે સ્પષ્ટ કરવાં કઠીન છે. તેમના મતે નિરીક્ષણનાં માધ્યમો બાહ્ય છે, તેમ આંતરિક પણ છે. ટેબલની ધાર પર આંગળી વડે દબાણ આપવાથી આપણે ટેબલની ધારનો અનુભવ કરીએ છીએ. આ અનુભવ બાહ્ય છે પરંતુ, સાથે આંગળી પર દબાણની લાગણી પણ અનુભવીએ છીએ. આ અનુભૂતિ આંતરિક છે. આંગળી પરનું દબાણ અને દબાણથી આંગળી પર થતી અનુભૂતિ એ ભિન્ન બાબતો છે.
થોમસ હોબ્સ, જહોન લોક, ડેવિડ ધૂમ અને 19મી સદીના પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના સમર્થકો વિહેમ વટ ઉપરાંત, કલ્પી, એડવર્ડ ટિચનર વગેરે આત્મનિરીક્ષણ પદ્ધતિના સમર્થકો છે.તેમના મતાનુસાર આત્મનિરીક્ષણ સ્વપ્રમાણિત છે અને તેથી સત્ય છે. ઈ.સ. 1920ની આસપાસ એમ પ્રસ્થાપિત થયું કે, આત્મનિરીક્ષણ એ અચાનક આકાર લેતી ઘટના નથી પણ, પ્રક્રિયા છે. પ્રક્રિયા થતાં સમય લાગે છે. વળી, નિરીક્ષણમાં થતી ક્ષતિની અસર પરિણામ પર પણ પડે છે.
સમય જતાં ઈ.સ. 1940માં આત્મનિરીક્ષણ શબ્દ અમેરિકાના વર્તનવાદી મનોવિજ્ઞાનમાંથી અદશ્ય થયો. વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો વોટ્સન, હલ, ટોલમેન, સ્કિનર વગેરે આત્મનિરીક્ષણ પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો. તેમના મતે વ્યક્તિનું બાહ્ય વર્તન મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર હતું આંતરિક ક્રિયાઓ નહીં. જો કે, સ્કિનને વ્યક્તિની આંતરિક અનુભૂતિઓને અવગણી ન હતી. ખરેખર તો, આધુનિક પ્રયોગાત્મક મનોવિજ્ઞાને આત્મનિરીક્ષણનું ખંડન કર્યું પણ તેથી તો તે આત્મ તત્ત્વના શરણે ગયું. સમગ્રતાવાદી (Gestalt) મનોવિજ્ઞાની Kurt Lewin વગેરેએ મનોવિજ્ઞાનના સામાજિક પાસાને સ્થાન આપ્યું. 20મી સદીમાં ઉદ્ભવેલા સામાજિક મનોવિજ્ઞાને ખ્યાલોના આધુનિક અભ્યાસને મહત્ત્વ આપ્યું. તેના મતે, સમગ્ર એ તેનો અંશ કરતાં હમેશાં મોટું છે. યુરોપમાં આત્મનિરીક્ષણ પર આજેય ભાર મૂકાય છે.
Hitzler અને Keller (1989) આત્મનિરીક્ષણ પદ્ધતિને આત્મલક્ષી હોવાં છતાં પ્રમાણિત ગણે છે. આ પદ્ધતિમાં વ્યક્તિએ અન્યનાં પ્રમાણોને પ્રમાણિત કરવા માટે જાતે પ્રયોગપાત્ર બનવું પડે છે. પરંતુ verstehen તેના પ્રયોગાત્મક પરિણામ અને પ્રમાણ માટે અન્યના મગજના અભ્યાસની તરફેણ કરે છે. એમ કરતાં તે વસ્તુલક્ષી બની શકે છે. Helle (1991) ના મતે આત્મનિરીક્ષણ પદ્ધતિમાં સામાન્ય વ્યક્તિ પણ પ્રયાસ દ્વારા વિચારો વગેરેનું પૃથક્કરણ કરીને પ્રમાણી શકે છે. તેમાં વિશ્લેષણાત્મક અભિગમ વિકાસ અગત્યનો છે.
આપણે જોયું કે, મનોવિજ્ઞાનમાં આત્મનિરીક્ષણ સ્વયંની મનઃ સ્થિતિના નિરીક્ષણ સાથે સંકળાયેલ છે. જયારે, અધ્યાત્મમાં તે “સ્વ' અથવા આત્માના નિરીક્ષણ સાથે સંકળાયેલ છે. તે માનવવર્તનના બાહ્ય નિરીક્ષણના બદલે વર્તન માટે કારણરૂપ આંતરચેતનાના નિરીક્ષણને અર્થાત અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) ને ચકાસે છે.
માનવીના વૈયક્તિક માનસિક અનુભવો અજોડ છે. તે બાહ્ય જ્ઞાન સાથે સંબંધિત નથી. આત્મ નિરીક્ષણમાં દૈહિક ઉપરાંત આવેગાત્મક, સાંવેગિક, બૌદ્ધિક, ચૈતસિક એવાં અનેક પાસાં આવરી લેવામાં આવે છે. આ વિષય હજારો વર્ષોથી તાત્વિક ચર્ચાનો રહ્યો છે. પ્લેટોને પ્રશ્ન હતો, “આપણામાં જે ઉદ્ભવે છે તે વાસ્તવમાં શું છે શું એના વિશે શા માટે આપણે શાંતિથી અને ધીરજથી આપણા વિચારોનું અધ્યયન કરતા નથી ?”
કાર્યવાદ અને વર્તનવાદે ભલે સ્વનિરીક્ષણ પદ્ધતિનો અસ્વીકાર કર્યો. પરંતુ, ગૂઢ (gnostic) મનોવિજ્ઞાન તેના પર સ્થિર છે. સીમંડ ફ્રોઈડ પછી સી.જી.યુગ ચેતનાના ધરાતલ સુધી જવાનો પ્રયત્ન કરનાર પ્રથમ મનોવૈજ્ઞાનિક હતા. રશિયન રહસ્યદર્શી ગુર્જયેફના શિષ્ય ઓસ્પેન્ઝીએ ‘અલૌકિકની ખોજ અને મનુષ્યના આધ્યાત્મિક વિકાસની સંભાવનાનું મનોવિજ્ઞાન’ પુસ્તકમાં મનોજગત અને ચેતનાનાં સ્તરોની વિશદ્ ચર્ચા કરી છે.
આજનું સાકલ્યવાદી શિક્ષણ (Holistic Education) પણ જીવનના પ્રત્યેક પાસાંને સ્પર્શવાની તરફેણમાં છે. શરીર, મન અને આત્મા પરસ્પરથી જોડાયેલ છે ત્યારે આત્મનિરીક્ષણ પદ્ધતિના ઉપયોગની ચર્ચા પણ આવશ્યક છે.
વર્તનવાદીઓએ આત્મનિરીક્ષણ પદ્ધતિના કરેલા અસ્વીકારથી માનસિક સ્થિતિ અને પ્રક્રિયાઓના વૈજ્ઞાનિક અભ્યાસનો અંત આવ્યો. મનોજગત સાથે સંકળાયેલા અભ્યાસ માટે આ સારી નિશાની ન હતી. અમેરિકન ભૌતિકવાદનો પ્રભાવ વર્તનવાદ પર પડ્યો. પરિણામે વર્તનના કેન્દ્રમાં રહેલા મનના સૂક્ષ્મ તરંગો નેપથ્યમાં ગયા. પરંતુ માત્ર વિરોધ કે અસ્વીકાર કરવાથી વસ્તુ કે સ્થિતિનો અંત આવતો નથી.
આજે, આત્મનિરીક્ષણ પદ્ધતિ ખ્યાલો અને મનોશારીરિક અનુભવોના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત, દર્દીઓના ઉપચાર માટે દર્દીનાં નિવેદનો લક્ષમાં લેવાય છે. મનોચિકિત્સકો અને મનોવિશ્લેષકો દર્દીઓ કે અન્ય વ્યક્તિઓના આત્મનિરીક્ષણથી તેમની સભાન અવસ્થાનું વિશ્લેષણ કરે છે. આમ, ફલિત થાય છે કે આત્મનિરીક્ષણ પદ્ધતિ માત્ર દર્શનશાસ્ત્ર કે અધ્યાત્મક ક્ષેત્ર પૂરતી સિમિત નથી પરંતુ, આધુનિક મનોવિજ્ઞાનમાં પણ તેનાં વિશિષ્ટ લક્ષણોના કારણે કાર્યરત છે. હવે આપણે આ પદ્ધતિના લાભા-લાભ જોઈએ.
આત્મનિરીક્ષણ એ આત્મલક્ષી પદ્ધતિ છે, વસ્તુનિષ્ઠ નથી તેથી તેની મર્યાદાઓ પણ છે. પ્રાકૃતિક વિજ્ઞાનો બાહ્ય બાબતોને તપાસે છે જ્યારે આ પદ્ધતિમાં આંતરિક અનુભવો, અનુભૂતિ અને સ્થિતિનું વિવરણ હોય છે તેથી આત્મલક્ષિતા સંભવ છે. પ્રમાણનાર વ્યક્તિ પોતે જ છે તેથી તે પ્રમાણિત નથી. ઉપરાંત,
અનેક ઉતાર-ચઢાવ, અનેક ક્ષેત્રમાં આવન-જાવન અને કેટલીક મર્યાદાઓ છતાં આત્મનિરીક્ષણ પદ્ધતિ, જો તેનો સફળ ઉપયોગ કરવામાં આવે તો, સુફળ આપે છે. મનોવિજ્ઞાન એવું ક્ષેત્ર છે જેમાં આ પદ્ધતિ નિશ્ચિત આકાર લે તો આધુનિક યુગમાં ઉભા થયેલા, ઉભા થતા અને ઉભા થનાર અનેક પ્રશ્નોનું સમાધાન લાવવા માટે સમર્થ છે.