પ્રસ્તાવના ://
ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ વૈવિધ્યપૂર્ણ છે. તેમાં કેટલાંક : ન માં આશ્ચર્યો પણ અસ્તિત્વ ધરાવે છે. માનવ એ ઈશ્વરનું સર્વોત્તમ સર્જન છે તેમ માનવામાં આવે છે. માનવ વ્યક્તિ તરીકે અનેક વિશેષતાઓ અને વિલક્ષણતાઓ ધરાવે છે. એક બાળક બીજા બાળક સાથે કેટલીક સમાનતાઓ અને ભિન્નતાઓ ધરાવે છે. આપણે માનીએ છીએ કે બાપ તેવા બેટા”. પરંતુ, હંમેશાં આવું બનતું નથી. દરેક વ્યક્તિમાં તેની પોતાની આગવી વિશિષ્ટતા અને વિલક્ષણતાઓ, આગવી ખાસિયતો, આગવું રૂચિવૈવિધ્ય, આગવા વ્યક્તિગત શોખ વગેરે હોય છે. એટલે સમગ્ર વિશ્વમાં અનેકાનેક માનવો વસતા હોવા છતાં પ્રત્યેક માનવની વૈયક્તિક ભિન્નતાને લીધે તે માનવ બીજાથી જુદો પડે છે. સમાજમાં માણસો માણસો વચ્ચે શારીરિક અને માનસિક શક્તિઓમાં ઘણો તફાવત જોવા મળે છે. એકબાજુએ સાડા છ ફૂટનો માણસ તો બીજી તરફ તદ્દન વામન જેવો માણસ જોવા મળે છે. વિશ્વમાં સાપેક્ષવાદનો સિદ્ધાંત ઘડનાર આઈન્સ્ટાઈન જેવા પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો છે અને સાથે સાથે ભાષા ન બોલી શકે, પોતાની જાતે કપડાં પણ ન પહેરી શકે, ખાઈ પણ ન શકે તેવા ઠોઠ બુદ્ધિના માણસો (Idiot) પણ અસ્તિત્વ ધરાવે છે.
ડૉ. ગુણવંત શાહ કહે છે, “પ્રત્યેક માણસ અનન્ય અને અદ્વિતીય છે. માનવ અસ્તિત્વ કદી બેવડાતું નથી. દુનિયામાં કરોડો માણસો વસે છે પણ એક માણસનું અંગૂઠાનું નિશાન બીજા સૌ કરતાં જુદું પડે છે. આ પહેલા અને પછી પૃથ્વી પર અબજો માણસો આવ્યા અને ગયા તેમજ જન્મ લેશે પણ તમારા અંગૂઠાના નિશાન જેવુંજ નિશાન ધરાવનાર બીજું હોય એ શક્ય જ નથી. અંગૂઠા જેવી સ્થળ બાબતમાંય જો માણસ આવો અદ્વિતીય હોય તો તેનું આખું અસ્તિત્વ અનન્ય હોય એમાં નવાઈ શી ?
આમ, વિવિધ પ્રકારની માનસિક શક્તિઓ, અભિરૂચીઓ, મનોવલણો, માન્યતાઓ, વ્યક્તિત્વ, શારીરિક લક્ષણો અને શારીરિક શક્તિની દૃષ્ટિએ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તફાવતો રહેલા છે. આજે આપણે “વૈયક્તિક ભિન્નતાઓ”ના નામે ઓળખીએ છીએ.
સ્કિનરનાં મંતવ્ય મુજબ “શાળામાં ભણતાં બાળકો શક્તિઓ અને રસમાં ઘણી રીતે જુદાં પડતાં હોય છે. છતાં આપણે તેમની સાથે એકસરખો વર્તાવ રાખીએ છીએ.” આ વિદ્યાર્થીઓની વિશાળ વૈયક્તિક ભિન્નતાઓ આપણે લક્ષમાં લેતા નથી. તેથી વૈયક્તિક ભિન્નતાને વ્યાખ્યાયિત કરતાં સ્કિનર કહે છે,
“વૈયક્તિક ભિન્નતાઓમાં વ્યક્તિત્વના કોઈ પણ એવા પાસાનો સમાવેશ થાય છે કે જેનું માપન શક્ય બને છે.”
મનોવિજ્ઞાનીએ વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ બાબતો જેમનું માપન શક્ય છે તે બાબતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ભિન્નતાઓને પરિભાષિત કરવાનો પ્રયાસ કર્યો છે. ટાઈલરનાં મંતવ્ય અનુસાર “શરીરના આકાર અને સ્વરૂપ, શારીરિક કાર્યો, ગતિ સંબંધી કુશળતાઓ, બુદ્ધિ, સિદ્ધિ, જ્ઞાન, અભિરૂચિ, લાગણીઓ, વિચાર કે શોખમાં વ્યક્તિમાં ભિન્નતાઓ જોવા મળે કે જેમનું માપન શક્ય તેને વ્યક્તિગત તફાવતો કે વૈયક્તિક ભિન્નતાઓ કહે છે. ટૂંકમાં, વૈયક્તિક ભિન્નતાઓ એટલે,
(1) વ્યક્તિગત તફાવતો એટલે વ્યક્તિત્વના લક્ષણોમાં ભિન્નતા.
(2) વ્યક્તિગત તફાવતો એટલે વૈયક્તિક ભેદો અને વ્યક્તિગત ભેદો.
(3) વૈયક્તિક તફાવતો એટલે મૂળભૂત વૃત્તિઓ માં રહેલી ભિન્નતા
(4) વ્યક્તિગત તફાવત એટલે વિચારોમાં રહેલી ભિન્નતા
(5) વ્યક્તિગત તફાવત એટલે અધ્યયન કરવામાં રહેલી ભિન્નતા
(6) વ્યક્તિગત તફાવતો એટલે અભિરૂચિમાં કે રસમાં રહેલી ભિન્ન
(7) વૈયક્તિક ભિન્નતા એટલે જ્ઞાનપ્રાપ્તિમાં – ગ્રહણશીલતામાં રહેલી ભિન્નતા.
(8) વૈયક્તિક તફાવતો એટલે બુદ્ધિમાં રહેલી ભિન્નતા
(9) વ્યક્તિગત ભિન્નતાઓ એટલે શારીરિક, માનસિક અને લાગણીવિષયક ભિન્નતા
(10) વૈયક્તિક ભિન્નતા એટલે સ્મૃતિમાં રહેલી ભિન્નતા
(11) વ્યક્તિગત ભિન્નતા એટલે સંપૂર્ણ વ્યક્તિમતામાં રહેલી ભિન્નતા
(12) વૈયક્તિક તફાવતો એટલે સામર્થ્ય અને વલણોમાં રહેલી ભિન્નતા
(13) વૈયક્તિક ભિન્નતા એટલે શારીરિક આકાર, સ્વરૂપ અને કદમાં રહેલી ભિન્નતા
(14) વૈયક્તિક તફાવતો એટલે કાર્યની કુશળતા અને કાર્ય કરવાની ગતિમાં રહેલી ભિન્નતા
(15) વૈયક્તિક ભિન્નતા એટલે સ્વભાવમાં કે પ્રકૃતિમાં રહેલી ભિન્નતા (Temperamental differences)
(16) વ્યક્તિગત ભિન્નતાઓ એટલે શારીરિક, માનસિક અને લાગણી વિષયક ભિન્નતા
(17) વ્યક્તિગત ભિન્નતા એટલે વિશિષ્ટ શક્તિઓ કે અભિયોગ્યતાઓમાં ભિન્નતા.
આમ, બાળકોમાં વિવિધ પ્રકારની વ્યક્તિગત ભિન્નતાઓ કે વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. ટાઈલરના મંતવ્ય અનુસાર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રવર્તતી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે.
“Variability, from individual to individual seems to be a universal Phenomenon.” -Tyler
વૈયક્તિક ભિન્નતા માટે બે શબ્દપ્રયોગો થાય છે. જે નીચે મુજબ છે.
કોઈ એક શક્તિની બાબતમાં વ્યક્તિઓ-વ્યક્તિઓ વચ્ચે રહેલ તફાવતને વ્યક્તિગત ભેદ કહેવામાં આવે છે.
દા. ત.
(1) મીના અને ટીનામાં મીના ખૂબ જ સુંદર ગાય શકે છે, પરંતુ ટીના એનાથી સુંદર ગાય શકે છે.
(2) બુદ્ધિમાં રહેલ ભિન્નતા પણ વ્યક્તિગત ભેદ છે.
એક જ વ્યક્તિની બાબતમાં જુદી જુદી શક્તિઓ વચ્ચે પણ તફાવતો રહેલા હોય છે. ઉદા. કોઈ
વ્યક્તિમાં યાંત્રિક શક્તિ વધુ હોય પણ સંગીતની શક્તિ ઓછી હોય.
દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વિવિધ પ્રકારની ભિન્નતાઓ પ્રવર્તે છે. તેથી તેમનામાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે. વ્યક્તિગત ભિન્નતાના પરિપ્રેક્ષમાં વ્યક્તિનાં જે પાસાં કે ક્ષેત્રોમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે તે નીચે મુજબ છે.
જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે આકાર,કદ, ઊંચાઈ, વજન, લોહીનું ગ્રુપ, શ્વાસોચ્છવાસ, નાડીના ધબકારાનું પ્રમાણ, પ્રકૃતિ, જાતીયતા, પરિપક્વતા, ખોડખાંપણ, સ્વાથ્ય વગેરેમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે. શારીરિક તફાવતોમાં કેટલાક નાના-મોટા, સુંદર, કદરૂપા, જાડા-પાતળા પણ જોવા મળે છે. મનોવૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર વ્યક્તિની શારીરિક આકૃતિ તેની માનસિક વૃત્તિઓ પર પણ અસર કરે છે. તેમજ વધુ ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ કરતાં વધુ પ્રભાવશાળી હોય છે.
બુદ્ધિ કે માનસિક વિકાસની દૃષ્ટિએ પણ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિભિન્નતાનાં દર્શન થાય છે. કોઈ વ્યક્તિ અતિ મેઘાવી પ્રતિભાશાળી), કોઈક મૂર્ખ કે માનસિક પછાત કે મંદબુદ્ધિના જોવા મળે કે છે. બધાંની બુદ્ધિશક્તિ સમાન હોતી નથી. મોટાભાગની વ્યક્તિઓ 90 થી 120 વચ્ચેનો IQ. ધરાવતો હોય છે. તીવ્ર બુદ્ધિશાળી કે મંદ બુદ્ધિવાળા લોકોની સંખ્યા સમાજમાં અતિ અલ્પ હોય છે. વિકૃત માનસવાળાં બાળકોને માટે વિશિષ્ટ શાળા કે બાળસંરક્ષણ ગૃહમાં મૂકવામાં આવે છે.
સિદ્ધિ એટલે સફળતા. દરેક વ્યક્તિમાં જુદી જુદી અભિયોગ્યતા અને અભિરૂચિ હોય છે. વ્યક્તિમાં કોઈ એક શક્તિમાં ઊંચી અભિયોગ્યતા હોય અને તે શક્તિમાં પૂરતી અભિરૂચિ હોય તો તે વ્યક્તિ તે વ્યવસાયમાં ઊંચી સિદ્ધિ મેળવે છે.
બાળકોમાં સ્વભાવગત તફાવતો હોય છે. કેટલાંક બાળકો અતિ ઉગ્ર સ્વભાવના હોય છે. કેટલાક અતિ નમ્ર અને વિવેકી, કોઈ ઉદાર, કોઈ કઠોર, કોઈ ઉદાસ, કોઈ સહનશીલ, કોઈ પ્રસન્ન, કોઈ સુશીલ જોવા મળે છે. કેટલાંક ચીડિયાં હોય છે અને કેટલાંક સ્થિતપ્રજ્ઞ પણ જોવા મળે છે.
પ્રત્યેક બાળકના રસ જુદા જુદા હોય છે. કોઈને ગણિતમાં વધુ રસ હોય તો કોઈને ભાષામાં, કોઈને વિજ્ઞાનમાં વધુ રસ હોય તો કોઈને ઉદ્યોગમાં, કોઈને સંગીતમાં તો કોઈને સાહિત્યમાં, કોઈને રમતગમત પ્રત્યે વિશેષ રૂચિ જોવા મળે છે. વ્યક્તિની અભિયોગ્યતા અને શક્તિ ગમે તેટલાં હોય પણ તે માટેનો રસ ન હોય તો કંટાળાજનક લાગે. પ્રોફેસર થવા માટે સંશોધન કરવાનો અને વાંચવાનો રસ હોવો જરૂરી છે. એટલે માત્ર શક્તિ જ હોય એટલું પૂરતું નથી, રસ પણ હોવો ઘટે. સારી ગણિતશક્તિ હોય પણ ગણિતમાં રસ ન હોય તો શું કામનું? વ્યક્તિની ઉંમરની વૃદ્ધિ સાથે પરિવર્તન આવે છે. બાળકો તેમજ વયસ્કોની રૂચિમાં તફાવત જોવા મળે છે. કુમારો-કન્યાઓ અને પુરૂષ-સ્ત્રીઓની રૂચિમાં પણ તફાવતો જોવા મળે છે.
દરેક બાળકનું વલણ (Altitudes) સમાન હોતું નથી. વલણ સંસ્કાર, કેળવણી, વાતાવરણ અને આનુવંશ પર આધાર રાખે છે. કેટલાંક બાળકો વિનયી તો કેટલાંક અવિનયી, કેટલાંક ખૂબ રાંક કે નમ્ર તો કેટલાંક ઉદ્ધત હોય છે. કોઈ અંગ્રેજી માધ્યમ તરફ નકારાત્મક વલણ ધરાવતું હોય છે તો કોઈ ગુજરાતી માધ્યમ તરફ હકારાત્મક વલણ ધરાવતું હોય છે.
દરેક વ્યક્તિની સાંવેગિક મનોદશા એકસરખી હોતી નથી. કોઈ ક્રોધી, કોઈ ઉદાર, કોઈ ધીરજવાન, કોઈ અતિ લાગણીશીલ, કોઈ હસમુખા અને પ્રસન્નતાયુક્ત, કોઈ ઉદાસ એવી વ્યક્તિઓ જોવા મળે છે. કોઈ વ્યક્તિ વાતાવરણમાં લાગણીના પૂરમાં તણાઈ જતી જોવા મળે છે.
કેટલીક વ્યક્તિઓની કાર્ય કરવાની ઝડપ અને કુશળતા વધુ હોય છે અને કેટલીક વ્યક્તિની ઓછી હોય છે. આ રીતે જોતાં ગતિપ્રેરક પ્રવૃત્તિઓમાં પણ તફાવતો જોવા મળે છે.
દરેક વ્યક્તિ એકસરખી બુદ્ધિ કક્ષા ધરાવતી નથી. તેમના I.Q. (બુદ્ધિઆંક) જુદા જુદા હોય છે. કેટલાક તીવ્ર બુદ્ધિકક્ષા ધરાવતા હોય છે, કેટલાક મંદ બુદ્ધિકક્ષા તેમજ સામાન્ય બુદ્ધિકક્ષા ધરાવતા હોય છે. વ્યક્તિની બુદ્ધિ તેની અભ્યાસમાં સિદ્ધિ, અમૂર્ત ચિંતન કરવાની શક્તિ, અધ્યયન કરવાની ક્ષમતા, વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા પર સારી એવી અસર કરતી હોય છે.
એકસરખા વિચારો ધરાવતી વ્યક્તિઓ મળવી દુર્લભ છે. દરેક વ્યક્તિને પોતાની આગવી વિચારસરણી હોય છે. કેટલીક વ્યક્તિઓ ઉદારમતવાદી કેટલીક સંકુચિત વિચારસરણીવાળી, કેટલાક આધ્યાત્મિક અને નૈતિક વિચારધારા ધરાવતા હોય છે.
વ્યક્તિમાં રહેલી ગણિત શક્તિઓને વિશિષ્ટ શક્તિ કે અભિયોગ્યતા કહે છે. જે દરેક વ્યક્તિમાં સમાન ન હોય, વર્ગમાં અમુક બાળકમાં ચિત્રકળા, કોઈમાં સુકંઠથી ગાવાની, સંગીત, રમતગમતની અને વિવિધ વિષયોમાં પ્રાવીણ્ય દાખવવાની દરેકમાં જુદી જુદી શક્તિઓ હોય. વર્ગમાં અમુક બાળકો કલાત્મક પ્રવૃત્તિઓ વધુ સારી અને સરળતાથી કરી શકતાં હોય, જયારે અમુક યાંત્રિક કાર્યો સારી રીતે કરી શકે. કેટલીક વ્યક્તિઓ એક જ વાંચનથી યાદ રાખે છે, જયારે બીજાને યાદ રાખવા વારંવાર વાંચવું પડે છે. આમ, ધારણશક્તિમાં, શીખવાની ઝડપની શક્તિમાં, પ્રત્યક્ષીકરણની ચોક્કસતા, સંવેદનશીલતા, આવેગ, ધ્યાન, કલ્પના, વિચારણા, કારકની અભિયોગ્યતા, સાંખ્યિક અભિયોગ્યતા, અવકાશી અભિયોગ્યતા, ભાષાકીય અભિયોગ્યતા વચ્ચે ભિન્નતા જોવા મળે છે.
કેટલીક વ્યક્તિઓ અંતર્મુખી હોય છે અને કેટલીક બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. કેટલાક શરમાળ અને ડરપોક હોય છે, જયારે કેટલાક ચંચળ હોય છે. કેટલીક વ્યક્તિઓ અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. કેટલીકવાર વ્યક્તિ પોતાની શક્તિઓથી નહિ, પરંતુ વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરી શકે છે.
શીખવાની ક્રિયામાં પણ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે તફાવત જોવા મળે છે. કેટલાંક બાળકો ખૂબ ઝડપથી તો કેટલાંક બાળકો ધીમે-ધીમે શીખે છે. તો કેટલાક બાળકો કેમેય શીખી શકતાં નથી. કેટલાક બાળકોની ગ્રહણશીલતા વધુ હોય છે, જયારે કેટલાંકની ઓછી હોય છે.
પુરૂષો અને સ્ત્રીઓ માત્ર શારીરિક બંધારણની દૃષ્ટિએ જ નહિ પણ તેઓ પોતાના સ્વભાવ, ગુણો, વર્તન, સંવેદનાઓની બાબતમાં પણ ભિન્ન હોય છે.
વ્યક્તિગત તફાવતોમાં અનેક કારણો હોઈ શકે. જેમાંથી નીચેનાં કારણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે.
મા-બાપના રંગસૂત્રોમાં રહેલાં જનીનતત્ત્વોનું સંયોજન વંશપરંપરા માટે જવાબદાર છે. મા-બાપનો જ નહિ, પેઢીઓનો વારસો જનીનતત્ત્વોમાં સુષુપ્ત છે. આથી મા-બાપનાં ગુણો બાળકોમાં ઉતરે છે. વંશપરંપરાને કારણે વ્યક્તિ નિમ્ન કે તીવ્ર બુદ્ધિની હોય છે. માર્કના મતે, “વ્યક્તિગત પ્રયાસો અને સિદ્ધિઓ પેઢી ઉતાર લોહીમાં જળવાઈ રહે છે એટલે જીવોમાં જે ભિન્નતા સર્જાય છે તે માટે વારસાગત ભિન્નતા જ કારણભૂત છે.” રૂસો અને પિયર્સનના મતે, “શારીરિક, માનસિક અને ચારિત્રિક ભિન્નતાઓનું કારણ માતા-પિતા તરફથી સંતાનોને મળેલો વારસો છે. મન નામના મનોવિજ્ઞાનીના મંતવ્ય અનુસાર આપણા બધાના જીવનનો પ્રારંભ એકસરખી રીતે થાય છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તફાવતો પડે છે. જેનું કારણ આપણા બધાના વ્યક્તિગત વારસા જુદા હોય છે.
વ્યક્તિ જે પ્રકારના વાતાવરણમાં રહે છે અને જે વાતાવરણમાં ઉછેર થાય છે તેની અસરો તેના વર્તનવ્યવહાર, રહેણીકરણી, આચાર-વિચાર પર પડે છે. કારણ કે ગુજરાતી બાળક મહારાષ્ટ્રીયન બાળક કરતાં જુદું લાગે છે. વાતાવરણ અનુસાર શારીરિક-માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. આ ઉપરાંત ભૌતિક અને સાંસ્કૃતિક વાતાવરણની અસરો વ્યક્તિ પર પડતી હોય છે. ઠંડા દેશના રહેવાસીઓ ઊંચા, બળવાન અને પરિશ્રમી હોય છે. જયારે ગરમ પ્રદેશમાં રહેનારાઓ ઠીંગણા, નબળા અને આળસુ હોય છે.
પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચે કેટલીક બાબતોમાં તફાવતો જોવા મળે છે. સ્ત્રીમાં કોમળતા, નજાકત, ભાષાકૌશલ્ય, સ્મૃતિ, સામાન્ય બુદ્ધિ જેવા ગુણો દેખાય છે. પુરુષોમાં ગણનશક્તિ, સાહસ અને વિશિષ્ટ બુદ્ધિમાં કુશળતા દર્શાવે છે. છોકરાઓમાં શારીરિક ક્ષમતા વધુ હોય છે, જયારે છોકરીઓમાં સ્મૃતિશક્તિ તેજ હોય છે.
ઉંમરની સાથે સાથે બાળકનો શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસ થાય છે. આથી જુદી જુદી ઉંમરનાં બાળકોમાં તફાવત જોવા મળે છે. બુદ્ધિસ્તરની દષ્ટિએ પ્રતિભાશાળી, સામાન્ય બુદ્ધિ કે મંદબુદ્ધિવાળા બાળકો જોવા મળે છે.
શિક્ષણની દષ્ટિએ શિક્ષિત-અશિક્ષિત, તેજ અથવા ભણેલા કે અભણ જેવા તફાવતો જોવા મળે છે. શિક્ષિત વ્યક્તિ શિષ્ટ અનુકરણીય આચરણવાળી, ગંભીર અને વિચારશીલ હોય છે. જયારે કેટલીકવાર અશિક્ષિત વ્યક્તિઓ આનાથી ભિન્ન હોય છે.
આર્થિક સ્થિતિ પણ વૈયક્તિક ભિન્નતાઓ સર્જે છે. દારૂણ ગરીબીમાં ઉછરેલાં બાળકો ક્યારેક દુર્ગુણો અને વિકૃતિઓનો ભોગ બને છે. જયારે સંપન્ન મા-બાપનાં બાળકો આવી વિકૃતિઓનાં ભોગ બનતાં નથી. જે બાળકો અભ્યાસ કરે છે કે શિક્ષણ મેળવે છે તે બાળકોમાં જે વૈયક્તિક ભિન્નતાઓ જોવા મળે છે તેનાં મુખ્ય કારણોમાં પ્રેરણા, બુદ્ધિ, પરિપક્વતા તથા પર્યાવરણની ઉત્તેજના પણ જવાબદાર હોય છે. ગેરિસન અને અન્યના મતે-
“The differences among children may best be accounted for by variations in motivation; intelligence maturation and environmental stimulation.”
• Garrison and Others
ભારતીય સમાજ ભિન્ન ભિન્ન જ્ઞાતિઓમાં વિભાજીત થયેલ છે. કેટલીક જ્ઞાતિઓ ઉચ્ચ ગણાય છે. કેટલીક જ્ઞાતિઓ ભિન્ન ગણાય છે. ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિનાં બાળકો વચ્ચે બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરૂચિઓ, વ્યક્તિત્વમાં ભિન્નતા જોવા મળે છે. નિમ્ન જ્ઞાતિના બાળકોને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેઓ પણ ઘણી તેજસ્વીતા દર્શાવી શકે છે.
ભારતમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવે છે. શહેરી સંસ્કૃતિ, ગ્રામ્ય સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ વગેરે. ભિન્ન ભિન્ન સંસ્કૃતિમાં ખાનપાન, રહેઠાણ, રીત-રિવાજ, માન્યતાઓ, વલણો, ઉદ્યોગો, શિક્ષણ ભિન્ન હોય છે. એક સંસ્કૃતિમાં ઉછરેલું બાળક અન્ય સંસ્કૃતિમાં ઉછેર લેતાં બાળક કરતાં અનેક બાબતોમાં ભિન્ન હોય છે.
વૈયક્તિક ભિન્નતાઓ જાણવા માટે કેટલીક પ્રયુક્તિઓનો આશ્રય લેવામાં આવે છે.
બુદ્ધિનું માપન કરવા માટે બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધિ કસોટીઓ વ્યક્તિગત અને સામૂહિક પ્રકારની હોય છે. આવશ્યકતાનુસાર બુદ્ધિકસોટીઓનો ઉપયોગ કરવાથી વૈયક્તિક ભિન્નતાઓ જાણી શકાય છે.
શાળા-મહાશાળાઓમાં જુદા જુદા વિષયોનું શિક્ષણકાર્ય થાય છે. આ બધા વિષયોની પરીક્ષા લેવામાં આવે છે અને તે પરથી ગુણાંકન કરવામાં આવે છે. આ ગુણાંકન પરથી બાળકોને જુદાં તારવવામાં આવે છે. તેમને તેના દ્વારા અગ્રતાક્રમ આપવામાં આવે છે. આથી જ્ઞાનલબ્ધિ કસોટીઓ કે પરીક્ષાઓ લેવાથી બાળકોની વ્યક્તિગત ભિન્નતા જાણી શકાય છે.
વ્યક્તિ અંતર્મુખી છે કે બહિર્મુખી તે પણ વ્યક્તિત્વ માપન કસોટીઓથી જાણી શકાય છે. પ્રશ્નાવલી, મૂલ્યાંકન તેમજ પ્રક્ષેપણ વગેરે પ્રયુક્તિઓથી વ્યક્તિત્વનું માપન શક્ય બને છે.
વ્યક્તિ વિષે ઊંડાણપૂર્વક જાણકારી મેળવવા માટેની આ એક સારી પ્રયુક્તિ છે. આ પદ્ધતિમાં જુદી જુદી વ્યક્તિઓની મુલાકાત લઈને એટલે કે વ્યક્તિનાં પરિવારજનો, મિત્રમંડળ, તેનાં સહાધ્યાયીઓની મુલાકાત લઈને જે તે વ્યક્તિ વિશે માહિતી એકત્ર કરી લેવામાં આવે છે.
વલણ-માપદંડથી વ્યક્તિનાં લક્ષણો માપી શકીએ છીએ. જુદી જુદી વ્યક્તિઓ જુદાં જુદાં વલણો ધરાવે છે. આથી વ્યક્તિઓમાં વલણોની બાબતમાં પણ વિભિન્નતાઓ જોવા મળે છે.
આ પદ્ધતિ દ્વારા બાળકના સંવેગોનું, તેની ઉત્તેજનાનું માપ કાઢવામાં આવે છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોએ એવું યંત્ર વિકસાવ્યું છે કે જે યંત્ર દ્વારા જુદું બોલતી વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે. આ યંત્ર દ્વારા હૃદયના ધબકારા માપવામાં આવે છે.
આ કસોટી વ્યક્તિની સુષુપ્ત વિશિષ્ટ શક્તિઓનું માપન કરવામાં આવે છે. કેટલીક વ્યક્તિમાં યાંત્રિક શક્તિ, કેટલીકમાં અન્ય વિશિષ્ટ શક્તિઓ હોય છે. આવી કસોટીઓ દ્વારા વ્યાવસાયિક કૌશલ્યો અને ક્ષમતાઓનો ક્યાસ કાઢી શકાય છે.
આમ, ઉપરોક્ત રીતો દ્વારા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની ભિન્નતાઓ જાણી શકાય છે.
પ્રત્યેક વ્યક્તિ વિવિધ બાબતે અલગ પડે છે. આ સંજોગોમાં શિક્ષકની સામે બેઠેલા બધા જ વિદ્યાર્થીઓને તદ્દન એકસરખી રીતે અધ્યયન અનુભવો આપી શકાય નહિ. પરંતુ બાળકોની વૈયક્તિક ભિન્નતાઓ ધ્યાનમાં રાખીને જ શિક્ષણ અપાવું જોઈએ. બાળકની વૈયક્તિક ભિન્નતાના મુદ્દા પરત્વે ઉદાસીન રહેવું શિક્ષકને પાલવી શકે નહિ. પ્રત્યેક બીજને ઘેઘૂર વૃક્ષ થવાનો અધિકાર છે. પ્રત્યેક કળીને પુષ્પ થવાનો હક છે. આ માટે નીચેની બાબતો ખ્યાલમાં રાખવી જોઈએ.
વર્ગમાં બાળકો વચ્ચે વિયભેદ, રૂચિભેદ, શારીરિક ભેદ, માનસિક કે બૌદ્ધિક ભેદ જોવા મળે છે. તો જયારે પણ જૂથ પાડવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે તેમની વિભિન્નતાઓ અનુસાર સમરૂપ સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે તો શિક્ષણ વધારે અસરકારક બને છે. અમેરિકા જેવા દેશમાં માનસિક કે બૌદ્ધિક કક્ષાનુસાર વિદ્યાર્થીઓને ત્રણ સમાન જૂથોમાં વહેંચવામાં આવે છે અને તેમના અલગ વર્ગો બનાવવામાં આવે છે.
વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા વધારે હોય તો વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો વ્યક્તિગત સંપર્ક સાધી શકતા નથી. જો સંખ્યા મર્યાદિત હોય તો વર્ગમાં વ્યક્તિગત વિદ્યાર્થી પર ધ્યાન આપી શકાય છે. તેમની સાથે વ્યક્તિગત સંપર્ક કે અધ્યયન શક્ય બની રહે છે.
શિક્ષકે વર્ગમાં વૈયક્તિક ભિન્નતાઓને અનુરૂપ શિક્ષણની નૂતન પદ્ધતિઓ જેવી કે ડાલ્ટન, પ્રોજેક્ટ, સ્વાધ્યાય, નિરીક્ષિત અધ્યયન, અભિક્રમિત અધ્યયન વગેરે પ્રયોજવાં જોઈએ. આવી પદ્ધતિઓથી વિદ્યાર્થીઓ પોતાની શક્તિ અને ગતિ અનુસાર પ્રગતિ કરી શકે છે.
શિક્ષકે બધાં જ બાળકોને એકસરખું ગૃહકાર્ય આપવાને બદલે તેમના સ્થિતિ-સંજોગોને ખ્યાલમાં રાખી તેમજ તેમની ક્ષમતાને ધ્યાનમાં રાખી યોગ્ય માત્રામાં ગૃહકાર્ય આપવું જોઈએ. મંદબુદ્ધિવાળાં બાળકો અને તીવ્ર બુદ્ધિવાળાં બાળકોને એકસરખું ગૃહકાર્ય આપી શકાય નહિ.
પ્રત્યેક બાળકને રૂચિ વિશેષ હોય છે. તેમની સુરૂચિને સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરવી જોઈએ. બાળકોનાં વલણ કઈ દિશાનાં છે, તેમને શામાં રસ છે તે જાણ્યા પછી તેમની રૂચિ અનુસાર શિક્ષણકાર્યનું આયોજન થઈ શકે છે, તેમજ જે તે વિષયોનું શિક્ષણ આપીને તેમનાં વલણોનો વિકાસ પણ સાધી શકાય છે.
વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ગતિશીલ અને પરિવર્તનશીલ હોવો જોઈએ. જીવનના અને સમાજના બદલાતા પ્રવાહો, વિદ્યાર્થીઓની વિવિધ અવસ્થાઓમાં તેમના વિકાસક્રમને ધ્યાનમાં રાખીને રૂચિ અનુસાર અભ્યાસક્રમ ગતિશીલ, પરિવર્તનશીલ અને અદ્યતન બનાવવાં જોઈએ.
વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક પરિસ્થિતિને નજર સમક્ષ રાખી તેમની વર્તમાન અને ભાવિ આર્થિક-સામાજિક જરૂરિયાતો અને આકાંક્ષાઓને લક્ષમાં લઈ શિક્ષણનું આયોજન કરવું જોઈએ.
છોકરા અને છોકરીઓમાં ઉંમરના વધવા સાથે રસરૂચિમાં ફેરફારો થતા જોવા મળે છે. માધ્યમિક શાળાની છોકરીઓની અવસ્થા અને રસ-રૂચિ તેમજ ઉપયોગિતાને ધ્યાનમાં લઈ અભ્યાસક્રમમાં વૈવિધ્યકરણની જોગવાઈ કરવી જોઈએ.
વર્ગમાં બાળકોની શારીરિક ક્ષતિ જેવી કે ઓછું સાંભળતાં, ઓછું દેખતા કે ઠીંગણા વિદ્યાર્થીઓને આગળ બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. બીજી અન્ય કોઈ શારીરિક મુશ્કેલી ધરાવતાં બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખી તેમને શક્ય સહાય કરવા પ્રયત્ન કરવો જોઈએ.
આમ, સમગ્ર શિક્ષણનું આયોજન વૃદ્ધિ અને વિકાસને અસરકર્તા પરિબળોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ, તો જ વિદ્યાર્થીઓને વૈયક્તિક ભિન્નતાઓને યોગ્ય ન્યાય આપી શકાય.
વર્ગમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ પૈકી બધા જ વિદ્યાર્થીઓ ભિન્ન હોય છે. વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત તફાવત રહેલા હોય છે, તેથી અધ્યાપકે વર્ગમાં બેઠેલ તમામ વિદ્યાર્થીઓને સમાન ગણી એક જ પદ્ધતિએ અધ્યાપન ન કરાવતાં અલગ અલગ રીતે અધ્યાપન કાર્ય કરાવવું આવશ્યક છે તેમજ અલગ અલગ રીતે ઓળખવાની પણ જરૂર છે. એક કેળવણીકારે કહ્યું છે કે, “A Child is a book that the teacher has to read from page to page.” અહીં તદ્દન સાર્થક છે. જો શિક્ષક ઉપરોક્ત વિધાનને ધ્યાનમાં રાખીને અધ્યાપનકાર્યનું આયોજન કરશે તો વિદ્યાર્થીઓની વૈયક્તિક ભિન્નતાઓને યોગ્ય ન્યાય આપી શકાશે અને શિક્ષણને અસરકારક અને સફળ બનાવી શકાશે.