શૈક્ષણિક મનોવિજ્ઞાનની ઐતિહાસિક પાર્શ્વભૂમિકા
મનોવિજ્ઞાનના પિતા તરીકે પ્રખ્યાત વર્તનવાદી બી.એફ. સ્કિનરના મત મુજબ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો પ્રારંભ એરિસ્ટોટલ ના સમયથી થયો છે પરંતુ તેને મનોવૈજ્ઞાનિક અને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં પેસ્ટેલોજી અને ફોબેલનો ફાળો મહત્ત્વનો છે.
શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે સ્કિનર કહે છે,
“શૈક્ષણિક મનોવિજ્ઞાન એ અધ્યયન અધ્યાપનને સ્પર્શતી મનોવિજ્ઞાનની એક શાખા છે.”
“Educational Psychology is that branch of psycholoy which deals with teaching and learning.”
18મી સદીમાં રૂસોએ આત્માભિવ્યક્તિ, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો વિચાર વહેતો કર્યો. પેસ્ટેલોઝીએ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન અને તર્કશક્તિના વિકાસ પર ભાર મૂક્યો. હોવેલે અધ્યેતાઓની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો અનુસાર પ્રવૃત્તિ દ્વારા અધ્યાપન પર ભાર મૂક્યો.
19મી સદીમાં ડાર્વિને ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત દ્વારા મનોવિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું. આથી જૈવિક મનોવિજ્ઞાનના ક્ષેત્રે અનોખી ક્રાંતિ આવી. આ સદીના અંતિમ ચરણમાં કેટલ નામના મનોવિજ્ઞાનીએ મૂલ્યાંકન અને માપનના ક્ષેત્રે મનોવિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું પ્રદાન કર્યું. થોર્નડાઈક અને પિયર્સને પણ પોતાનો કિંમતી ફાળો આપ્યો છે. તદ્ઉપરાંત પાવલોવ, કોફકા અને કોહલર, સ્કિનર અને વોટ્સને પણ મનોવૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં પણ પ્રયોગો કર્યા અને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અને તેમાંયે ખાસ કરીને અધ્યયનમાં વિવિધ સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા. વર્ધેમર, કોફકા અને કોહલરે ગેસ્ટાલ્ટ સિદ્ધાંત વિકસાવવામાં પોતાનો કિંમતી ફાળો આપ્યો છે.
20મી સદીની શરૂઆતમાં હર્બટ સ્પેન્સરે, વિલિયમ જેમ્સ અને જહોન ડ્યુઈએ પણ વિકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. 20મી સદીમાં કર્ટ લેવિને ક્ષેત્રસિદ્ધાંત આપ્યો, જેમાં તેણે અધ્યેતાના વ્યક્તિત્વના વિકાસ પર ભાર મૂક્યો છે. સિગ્મંડ ફ્રોઈડે મનના પૃથક્કરણ પર ભાર મૂક્યો, તેણે જાગૃત મન, અચેતન મન અને અર્ધચેતન મન, તેમજ ઈડ, અહમ્ અને અધિઅહમ્ ના મનમાં રહેલાં પ્રદેશોની સમજ આપીને મનોવિજ્ઞાનના ક્ષેત્રે નૂતન ક્ષિતિજોનું વિસ્તરણ કર્યું છે. 20મી સદીના મહત્ત્વના શૈક્ષણિક મનોવિજ્ઞાનીઓમાં આલ્ફ્રેડ એડલર અને યુગનું પ્રદાન પણ સ્મરણીય બની રહેશે.
આમ, શૈક્ષણિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની એક સ્વતંત્ર શાખા તરીકે 20મી સદીની મહત્ત્વના વિષય તરીકે સ્થાન પામી ચૂક્યું છે.
શિક્ષણમાં મનોવિજ્ઞાનની ભૂમિકા
શિક્ષણનો વિચાર મનોવૈજ્ઞાનિક ભૂમિકા વિના થઈ ન શકે. આમ, શિક્ષણ અને મનોવિજ્ઞાન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કેળવણી એ બાળકના જન્મથી મૃત્યુપર્યત ચાલનારી પ્રક્રિયા છે. કેળવણીનું મહત્ત્વનું કાર્ય બાળકોનાં વર્તનમાં ઈષ્ટ પરિવર્તન લાવી તેમનો સર્વાગીણ વિકાસ કરવાનું છે. આમ, કેળવણી એ વિષયવસ્તુ કરતાં બાળકના વર્તન પરિવર્તન પર ભાર મૂકે છે. બાળકનો સર્વાગીણ વિકાસ એટલે તેનો શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક, આધ્યાત્મિક, સૌંદર્યલક્ષી અને નૈતિક વિકાસ. કેળવણી દ્વારા બાળકનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો તેણે મનોવિજ્ઞાન પર આધાર રાખવો પડે. મનોવિજ્ઞાન અધ્યયન કરનાર અધ્યેતાઓના સંદર્ભમાં કેળવણીને સહાયભૂત થાય છે. મનોવિજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ સમજાવતાં ક્રો અને ક્રો જણાવે છે કે,
“મનોવિજ્ઞાન અધ્યયન સાથે સંબંધિત એવા માનવવિકાસના ’કેવી રીતે’ ને વર્ણવે છે, જ્યારે કેળવણી અધ્યયનના “શું” અંગે માહિતી આપવાનો પ્રયાસ કરે છે."
“Psychology Explain the ‘how' of human development as related to learning, while education attempts to provide the 'what' of learning.”
મનોવિજ્ઞાન અધ્યયનના સંદર્ભમાં મનુષ્યનો વિકાસ કેવી રીતે થાય છે તે સમજાવે છે, જયારે કેળવણી એ અધ્યયનનું વિષયવસ્તુ પૂરું પાડે છે. મનોવિજ્ઞાન શિક્ષણને દિશા અને દર્શન પૂરા પાડે છે. શિક્ષણ અને મનોવિજ્ઞાનને જોડતી કડી માનવવ્યવહાર કે માનવવર્તન છે. મનોવિજ્ઞાન માનવવર્તનનું અધ્યયન કરે છે. જયારે શિક્ષણ માનવવર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા છે. આમ તે બંનેના કેન્દ્ર સ્થાને માનવવ્યવહાર કે માનવવર્તન રહેલાં છે. હવે આપણે આ બંને વચ્ચેનો સંબંધ જોઈએ.
(1) શિક્ષણમાં બાળકેન્દ્રીકરણ :
શિક્ષણના કાર્યક્રમમાં બાળક મહાવર્તુળનું કેન્દ્ર બન્યું છે. મનોવિજ્ઞાને શિક્ષણને “બાળકને ઓળખો' એ સૂત્ર આપ્યું છે. શિક્ષણના ઉદ્દેશો, અભ્યાસક્રમ, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ એ બધુંય હવે બાળકને કેન્દ્રમાં રાખીને પ્રયોજવામાં આવે છે. બાળકના રસ, રૂચિ, અભિરૂચિ અને અભિયોગ્યતાઓને ધ્યાનમાં લઈને જ શિક્ષણના સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ.
(2) શિક્ષણના ધ્યેયોની નિર્મતિ અને પ્રાપ્તિ માટે :
પ્રત્યેક બાળક માટે તેનું વિશિષ્ટ શૈક્ષણિક ધ્યેય હોવું જોઈએ. બાળકના બુદ્ધિકક્ષા, રસ, વલણ, અભિરૂચિ વગેરેના આધાર પર તેને માટેનું શૈક્ષણિક ધ્યેય નક્કી થવું જોઈએ. સ્કિનરનાં મત મુજબ શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને માહિતીસભર કરી તથા તેના શીખવવાના કસબને ઊંચા શિખરે પહોંચાડી શિક્ષણના ધ્યેયોની પ્રાપ્તિમાં સહાયરૂપ બને છે.” મનોવિજ્ઞાન દ્વારા બાળકોના વિચારો, માનસિક લાગણીઓ, ખાસિયતો વગેરે અંગે જાણકારી પ્રાપ્ત કરીને એ જાણકારીને આધારે તેમને યોગ્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ આપી તેમનાં અપેક્ષિત વર્તન - પરિવર્તન લાવવામાં સફળતા મેળવે છે.
(3) સહઅભ્યાસકીય પ્રવૃત્તિઓનું આયોજન :
પહેલાના સમયમાં કેળવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો માત્ર માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવાનો હતો. તેથી પુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુ જ શીખવવાને મહત્ત્વ આપવામાં આવતું. હવે શિક્ષણમાં મનોવિજ્ઞાનના પ્રવેશથી વિદ્યાર્થીનો સર્વાગીણ વિકાસને મહત્ત્વનો ગણવામાં આવ્યો. આ માટે વર્ગખંડમાં માત્ર પુસ્તકીયું જ્ઞાન જ પૂરતું નથી પરંતુ વિદ્યાર્થીનો સર્વાગીણ વિકાસ કરવો હશે તો અભ્યાસક્રમની સાથોસાથ સહઅભ્યાસ પ્રવૃત્તિને પણ એટલું જ મહત્ત્વ આપવું પડશે.
(4) શિસ્ત જાળવવા માટે :
બાળકોના વર્તન અંગે શિક્ષક ઘણીવાર ઉતાવળે ખોટા અભિપ્રાયો આપે છે અને સામાન્ય પ્રસંગોને અશિસ્તના નામે ચઢાવે છે. મનોવિજ્ઞાન આ બધા પ્રસંગોનો જુદી રીતે અભ્યાસ કરે છે અને તેના પરથી તેને મૂલવવાનો પ્રયાસ કરે છે. જો શિક્ષણકાર્ય બાળકને સંતોષ આપે એવું ન હોય તો અશિસ્ત જન્મે એ સ્વાભાવિક છે. આવા અશિસ્ત આચરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી તેમની સમસ્યાઓનાં કારણોનું પૃથક્કરણ કરી તેમનાં વર્તનને સુધારવા માટે મનોવિજ્ઞાન શિક્ષકને મદદરૂપ થાય છે. શિસ્ત માટે દંડ કે પ્રલોભન અથવા શિક્ષકના કડક પ્રભાવને બદલે મુક્ત શિસ્તનો નવો અભિગમ કેળવણીના ક્ષેત્રમાં પૂરો પાડ્યો છે. .
(5) વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનાં વ્યવહાર સમજવા માટે :
શિક્ષક મનોવિજ્ઞાનની મદદ વડે તેના પોતાના વ્યવહારની અંગત પરિસ્થિતિ, માનસિક સંવેગો અને બહારના વાતાવરણની અસરોને દષ્ટિસમક્ષ રાખી વિશ્લેષણ કરે છે. સહકાર્યકરો અને મિત્રોના વ્યવહારનું વિશ્લેષણ કરીને પોતાના વ્યવહારમાં જરૂરી ફેરફાર કરી વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે સફળતા મેળવે છે. માટે શિક્ષક અને વિદ્યાર્થીઓના પરસ્પર સંબંધો ઔપચારિક ન રહેતાં પ્રેમ, હૂંફ, લાગણીસભર અને માનવીય હોય તે જરૂરી છે.
(6) અભ્યાસક્રમની રચના માટે
સારા અભ્યાસક્રમના ત્રણ લક્ષણો છે.
(1) કાર્યક્ષમતા (Functionality)
(2)લચકતા (Flexibility)
(3) સ્વતંત્રતા (Freedom). જે ત્રણ “F' વડે ઓળખી શકાય છે.
કાર્યક્ષમતા (Functionality)
લચકતા (Flexibility) સ્વતંત્રતા (Freedom)
જે અભ્યાસક્રમ ધ્યેયોને અનુરૂપ હોય, જે અભ્યાસક્રમમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય અને જે અભ્યાસ શિક્ષણને કાર્ય અંગે સ્વતંત્રતા બક્ષે તે સારો અભ્યાસક્રમ કહેવાય. બાળકના શારીરિક અને માનસિક વિકાસ, વ્યક્તિગત તફાવતો, શીખવાની ક્ષમતા વગેરે મનોવૈજ્ઞાનિક ભૂમિકા પર આધારિત અભ્યાસક્રમ બાળકના વિકાસ માટે મહત્તમ તકો પૂરી પાડે છે.
(7) અધ્યાપનની યોગ્ય પ્રવિધિમાં પરિવર્તન :
શિક્ષકની વિષય પર પકડ હોય, વિચારોને અસ્ખલિત અને પ્રભાવશાળી રીતે અભિવ્યક્ત કરવામાં આવે તો અન્ય કક્ષાની જરૂર નથી એવું કેટલાક કહે છે પરંતુ મનોવિજ્ઞાન સંમત થતું નથી. શિક્ષકે પોતાના વિશાળ જ્ઞાન અને અભ્યાસના આધારે બાળકોને ભણાવવાનાં નથી પરંતુ તેણે બાળકની માનસિક કક્ષાએ પહોંચી તેની જરૂરિયાતોને સમજીને ભણાવવાનું છે. શિક્ષણકાર્ય ફક્ત માહિતીના કારખાના બનતા અનુભવમૂલક અને જીવનમય બને તે જોવાની જવાબદારી શિક્ષકની છે. પહેલાં વિદ્યાર્થી વર્ગમાં ચેતનાવિહીન, નિર્જીવ, અકર્મણ્ય અને નિષ્ક્રિય શ્રોતા બની રહેતો હતો, હવે વર્ગમાં જીવંત, ચૈતન્યમય અને શિક્ષણનો સક્રિય ભોક્તા બન્યો છે. પ્રવર્તમાન સમયમાં વિદ્યાર્થીઓની સક્રિય અને જીવંત ભાગીદારીને લીધે વિવિધ જૂથ અધ્યાપન પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. એટલું જ નહિ પરંતુ પ્રવૃત્તિ દ્વારા અધ્યાપન પ્રક્રિયા દ્વારા અધ્યાપન અસ્તિત્વમાં આવ્યું. તેથી જ સ્કિનરે કહ્યું છે કે, “મનોવિજ્ઞાન એ જ શિક્ષણ માટેનું આધારભૂત વિજ્ઞાન છે.”
“The most basic science to education is psychology"
• Skinner.
(8) બાળકોના વ્યક્તિગત તફાવતો સમજવા માટે :
બાળકને તેના રસ, રૂચિ, વલણ અને શક્તિ અનુસાર શિક્ષણ મળી રહે તે માટે જોવાતી ફરજ સમાજની છે અને એવા શિક્ષણ માટે મનોવિજ્ઞાન આગ્રહ રાખે છે. બાળકનાં બુદ્ધિ, રસ, રૂચિ વગેરે લક્ષણો મનોવૈજ્ઞાનિક | કસોટી દ્વારા જાણી તેમને યોગ્ય અભ્યાસક્રમની પસંદગી માટે મદદ કરી શકાય. આમ, મનોવિજ્ઞાનનું કાર્ય બાળકોના વ્યક્તિગત તફાવતોને ઓળખવાનું છે જયારે શિક્ષણશાસ્ત્રનું કાર્ય બાળકોના તફાવતોને ધ્યાનમાં રાખી તેમના મહત્તમ વિકાસ થાય તે માટે શિક્ષણનું માળખું ગોઠવવાનું છે.
(9) બાળકના મનોવિકાસની અવસ્થાઓ અનુસાર શિક્ષણ :
બાળકના શારીરિક અને માનસિક વિકાસ સતત અવિરામ ચાલ્યા કરે છે અને તેનો ચોક્કસ સલ્ટ ક્રમ હોય છે અને મનોવિકાસની પણ અવસ્થાઓ હોય છે. શિશુઅવસ્થામાં બાળકનું જીવન વૃતિજન્ય, અનુકરણશીલ, ક્રિયાશીલ અને કલ્પનાશીલ છે. કિશોરાવસ્થામાં બાળક શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવે છે. કુમારાવસ્થા એ જીવનની વસંતઋતુ છે. બાળક પ્રબળ જાતીયતાની વૃત્તિ, માનસિક મૂંઝવણો, અને દીવાસ્વપ્રો અનુભવે છે. આ અવસ્થામાં જો બાળક તરફ ઉપેક્ષા સેવવામાં આવે તો તે સમસ્યારૂપ બની રહે છે.
(10) મૂલ્યાંકન માટે :
મનોવિજ્ઞાનની મદદથી શિક્ષક અધ્યાપન અને અધ્યયન કાર્યનું મૂલ્યાંકન કરે છે. શિક્ષક બાળકોની લબ્ધિ, તેના પોતાના શિક્ષણકાર્યની સફળતા, શૈક્ષણિક પ્રવિધિઓ, પુસ્તકો અને અભ્યાસક્રમની પસંદગીની મૂલવણી કરી ભવિષ્યનાં શૈક્ષણિક કાર્યક્રમ માટે માર્ગદર્શન મનોવિજ્ઞાન દ્વારા મેળવે છે.
(11) શિક્ષકને “સ્વ”ને ઓળખવા માટે :
જે શિક્ષક પોતાની શક્તિઓ, ખાસિયતો, મર્યાદાઓ અને ગુણો તરફ સભાન છે તે સતત અંતરદર્શન દ્વારા વાતાવરણ સાથે અનુકૂલન સાધવા પ્રયત્ન કરે છે. તે પોતાના મતભેદો, સંચાલકોના વિવાદ, ઘરના ઝઘડા, વિદ્યાર્થીઓ પર ઠાલવતો નથી ને ? એમ સતત વિચારતો રહે તો વર્ગકાર્ય પર તેની માઠી અસર થતી અટકે છે.
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તેમજ આચાર્યની પરીક્ષામાં ઉપયોગી સહાયક
TET /TAT /HTAT /NET /SLET
બાળવિકાસ બાળમનોવિજ્ઞાન
શિક્ષણના સિદ્ધાંતો, કેળવણીના દાર્શનિક આધારો (ભારતીય અને પાશ્ચાત્ય)
શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર
The role of psychology in education