કિશોરાવસ્થા અને તરૂણાવસ્થા(Adolescence and adolescence)
પ્રસ્તાવના (Introduction) :
વિકાસ એ સતત ચાલતી સુગ્રથિત પ્રક્રિયા છે. દરેક વ્યક્તિ પોતાના બાલ વિકાસની તરાહો પરસ્પરાવલંબી અને અન્યોન્યાશ્રિત હોય છે આમ, છતાં અભ્યાસની સરળતા ખાતર વિકાસના વિવિધ તબક્કાઓ પાડવામાં આવ્યા છે.
આમ જોઈએ તો શારીરિક વિકાસ, ચેષ્ટા વિકાસ, સાંવેગિક વિકાસ, સામાજિક વિકાસ, માનસિક વિકાસ દર્શાવવામાં આવ્યાં છે.
પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય છે, તેમ તેમ તેનો વિકાસ થતો જાય છે. માતાના ગર્ભધારણથી તે મૃત્યુપર્યત વ્યક્તિની વિકાસ યાત્રા સતત ચાલતી રહે છે. બાળકના વિકાસમાં ભરતી-ઓટ આવ્યા કરે છે. અમુક ચોક્કસ વર્ષોના સમયગાળા દરમિયાન જેમાં વિકાસની તરાહ એકધારી જળવાઈ રહે, તેને વિકાસના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે.
અર્નેસ્ટ જહોન્સ, હેવિંગ હર્ટ, એરિકસન વગેરે જેવા મનોવિજ્ઞાનીઓએ વિકાસના તબક્કાઓને જુદી જુદી રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે અને મનોવિજ્ઞાનના અભ્યાસના તારણોને અંતે સર્વ સામાન્ય રીતે વિકાસના તબક્કાઓ નીચે મુજબ નક્કી થયા છે.
કિશોરાવસ્થા :
કિશોરાવસ્થાનો સમયગાળો 5 કે 6 વર્ષથી 12 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. ચેષ્ટાત્મક વિકાસ ઝડપથી થાય છે. જયારે શારીરિક વિકાસ થવાની ગતિ ધીમી જોવા મળે છે. બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને તર્કશક્તિનો વિકાસ વધારે પ્રમાણમાં થાય છે. સમૂહ ભાવનાને લગતા સામાજિક ગુણો વિકસે છે. આ અવસ્થા દરમિયાન બાળકની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કાર્યરત બને છે. બાળક શેરીમિત્રો બનાવતો થઈ ટોળીઓ રચે છે. જેમની સાથે રખડવા જવું, ઝાડ પર ચઢી રમતો રમવી જેવી પ્રવૃત્તિઓ તેને વધુ ગમે છે. બાળકની સંગ્રહવૃત્તિ પ્રબળ બને છે. ઘરના સભ્યો કરતાં પોતાના શિક્ષકો, મિત્રોની વાતો પર વધુ વિશ્વાસ કરે છે. કિશોર સામાન્ય રમતો માટેના આવશ્યક કૌશલ્યો વિકસાવે છે. કિશોરનાં વાંચન, લેખન અને ગણન અંગેનાં કૌશલ્યો ખીલતા જોવા મળે છે અને દૈનિક જીવન માટે જરૂરી ખ્યાલો મેળવતો થાય છે.
ઉત્તર (કિશોરાવસ્થા) શૈશવકાળનાં લક્ષણો :
(Characteristics of Late Childhood)
(6 થી 12 વર્ષ સુધીનો તબક્કો)
- આ અવસ્થામાં બાળક દરેક કાર્ય પોતાની જાતે કરવાં ઈચ્છે છે.
- બાળકમાં શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસનાં લીધે તે તેનાં વાતાવરણ સાથે પોતાની જાતે જ અનુકલન સાધવાનો પ્રયત્ન કરે છે
- આ બાળકો પરાધિનતામાંથી સ્વાધિનતામાં પ્રવેશે છે
- આ બાળક માતા-પિતા કરતાં જૂથનાં મિત્રોની આજ્ઞાઓ વધુ સ્વીકારે છે.
- આ અવસ્થામાં બાળક પોતાનું કાર્ય જાતે જ કરીને આત્મસંતોષ મેળવે છે.
- આ બાળકો શાળાએ જતા હોવાથી સંવેગોમાં સ્થિરતા અને નિયંત્રણ આવે છે.
- આ બાળકો આવેગો ઉપર નિયંત્રણ લાવીને, તે તેની લાગણીઓ અને સંવેગો સમાજ સમક્ષ રજૂ કરવ શીખે છે.
- આ બાળકો જૂથમાં રહી કાર્ય કરવાનું પસંદ કરે છે.
- આ બાળકોમાં રાષ્ટ્રીય, ધાર્મિક, સામાજિક, સૌંદર્યલક્ષી, ધાર્મિક, નૈતિક મનોભાવોનો વિકાસ થાય છે
- આ બાળકો સમાન લિંગવાળા બાળકો સાથે રમવાનું પસંદ કરે છે.
- આ બાળકોમાં અંર્તમુખીપણું ઘટે છે અને બહિર્મુખી બને છે.
- આ બાળકોને પ્રવાસ અને જુદી જુદી જગ્યાઓની મુલાકાત લેવી ગમે છે.
- આ બાળકો તરંગોની દુનિયામાંથી બહાર આવી વાસ્તવિક જીવન જીવવા-સમજવાની શરૂઆત કરે છે
- આ બાળકોનો બૌદ્ધિક વિકાસ ઝડપી થાય છે.
- ચલચિત્રો, ટી.વી., રેડિયો અને નાટકોની તેમના માનસ પર જબરદસ્ત પક્કડ હોય છે.
- આ બાળકો સમાજ, ધર્મ, રાજકારણ, ઈતિહાસ વગેરેમાંથી કોઈ વ્યક્તિને પોતના જીવનનો આદર્શ બનાવે છે
- આ અવસ્થાનાં બાળકોમાં સંગ્રહવૃત્તિ વધુ જોવા મળે છે.
- આ અવસ્થામાં છોકરાઓ નીડરતા, રહસ્યમય, સાહસ અને હિંમત જગાડનારી વાતોમાં વધારે રસ લે છે જ્યારે છોકરીઓ ઐણભાવ, મૂદુતા અને નાજુકતા જગાવનારી વાતોમાં રસ લેતી હોય છે.
- આ બાળકો વધુ સામાજિક બને છે અન્યને કે મિત્રોને મદદ કરવાની ભાવના ધરાવે છે.
ઉત્તર શૈશવકાળના શૈક્ષણિક ફલિતાર્થ :
(Educational Implications of Late Childhood) (કિશોરાવસ્થા)
- શાળાઓમાં બાળકોની સંઘવૃત્તિ સંતોષાય તે માટે સમૂહ પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ પ્રાર્થના, પ્રવાસ, શાળાસભ વગેરે યોજવા જોઈએ.
- બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય તે માટે પ્રવાસ, પર્યટન, વાચન કલબ જેવી પ્રવૃત્તિઓ યોજવી.
- શાળામાં શિક્ષણ દરમિયાન સમૂહશિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. દા.ત. જૂથચર્ચા પદ્ધતિ, પ્રોજેક— પદ્ધતિ.
- શાળામાં પ્રસંગવર્ણન, મહાપુરુષોની જન્મજયંતિ ઉજવણી મહાપુરુષોના જીવનની ઝાંખી બાળકોને કરાવવી જેથી તેમનામાં ઉમદા ચારિત્ર્યનો વિકાસ થાય.
- બાળકોમાં નિયમિતતા, સ્વચ્છતા, આજ્ઞાપાલન, શિસ્ત પાલન, નૈતિકતા, પ્રાણીપ્રેમ, દેશપ્રેમ જેવા ભાવોનું ઘડતર થાય, તેવાં ઉદાહરણો પૂરાં પાડવા જોઈએ.
- શાળામાં દરેક બાળકને કોઈ ને કોઈ કામમાં નેતાગીરી સોંપવી જોઈએ.
- બાળકો જાતે અભ્યાસ કરે તેવું વાતાવરણ શાળામાં અને ઘરમાં ઊભું કરવું જોઈએ.
- બાળકના સમગ્ર જૂથને માતા-પિતાએ આવકારવા જોઈએ અને તેમની પ્રવૃત્તિઓમાં રસ લઈને તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ જેથી આ બાળકો અવળા માર્ગે ચડી ના જાય.
- તેમને દેશદાઝવાળી અને વીરતાભરી વાર્તાઓ સંભળાવવી જેમકે રાણીની લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરે.
- બાળકને પોતાની જાત સાથે જ અભ્યાસમાં હરિફાઈ કરાવવી જોઈએ.
તરૂણાવસ્થા (13 થી 19 વર્ષ) : (Adolescence Period) :
તરૂણાવસ્થા એ જીવનની વસંતનો પ્રાદુર્ભાવ છે. તે જીવનનો નવજાગૃતિકાળ છે. તે જીવનનો સંઘર્ષમય સંક્રાંતિકાળ છે. આ અવસ્થા એ વિશિષ્ટ અવસ્થા છે કે જે જીવનમાં નવાં પરિવર્તનો, નવા વળાંકો લાવે છે. તેથી તેને જીવનનો સંક્રાંતિકાળ કહેવામાં આવે છે. માનવના જીવનની ભાવિ ઈમારતના ઘડતરમાં આ અવસ્થા અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ અવસ્થા દરમિયાન તરૂણો વિદ્યાર્થી અવસ્થામાં હોવાથી મહદ્દઅંશે તેમના ઘડતરની જવાબદારી શાળા કે શિક્ષકો પર આવી જાય છે. તો હવે તરૂણાવસ્થાનાં મહત્ત્વનાં લક્ષણો, સમસ્યાઓ તથા તરુણાવસ્થાનાં શૈક્ષણિક ફલિતાર્થોની ચર્ચા કરીશું.
તરૂણાવસ્થાનાં લક્ષણો :
(Characteristics of Adolescence Period) :
સમયગાળો (Time period) :
તરુણાવસ્થાનો સમયગાળો આપણા દેશના હિસાબે લગભગ 12 થી 18 વર્ષ સુધીનો ગણી શકાય. તરુણોને મુખ્ય બે પેટા અવસ્થામાં પણ વિભાગી શકાય.
11-12 થી 13-14 વર્ષ પૈગડાવસ્થા,
કુમારાવસ્થા (Puberty, Erly Adolescence)
13-14 થી 17-18 વર્ષે ઉત્તર તરુણાવસ્થા (Late Adolescence)
શારીરિક વિકાસ અને પરિવર્તન :
- 13 વર્ષનાં ભારતીય તરૂણની ઊંચાઈ 61” અને તરુણીની ઊંચાઈ 62.5” જેટલી હોય છે. 16 વર્ષની ઉંમરે ભારતીય તરુણની ઊંચાઈ 67.5” જેટલી અને તરુણીની ઊંચાઈ 64.6” જેટલી થાય છે.
- ભારતીય તરુણ-તરુણીઓને કિશોરાવસ્થાના ઉત્તરાર્ધમાં જ તારુણ્યનો અણસાર આવી જાય છે. આ અવસ્થામાં 12 વર્ષથી 20 વર્ષ સુધી શારીરિક વિકાસ થતો રહે છે.
- તરુણાવસ્થા દરમિયાન શરીરમાં અવનવા ફેરફારો થાય છે. આ ફેરફારોને લીધે તરુણ-તરુણીઓ એક પ્રકારની મૂંઝવણના ઉકેલ શોધવા તેઓ પ્રયત્નશીલ બને છે.
- તરુણો આ અવસ્થા દરમ્યાન શરીરનું અંતિમ સ્વરૂપ, કદ, આકાર ધારણ કરે છે. શરીર સુંદર ઘાટીલું બને છે અને શરીરના સ્નાયુઓ, હાથ-પગના આંતરિક અવયવોનો વિકાસ મહત્તમ કક્ષાએ પહોંચે છે.
- તરૂણ - તરુણીઓને બગલ અને જનનાંગોની આસપાસ વાળ ઊગે છે. તરુણોને મૂછ-દાઢી ઊગે છે. તરૂણોનો અવાજ ઘેરો બને છે. તરૂણીઓનો અવાજ મૃદુ અને ધીમો બને છે.
- તરૂણો શરીરમાં મર્દાનગીનાં લક્ષણો પ્રાપ્ત કરે છે. જાતીય આવેગો વધવાને લીધે તેમને ઉત્તેજક સ્વપ્નો દેખાય છે અને તે સ્વપ્નદોષમાં પરિણમે છે.
- તરુણીઓમાં છાતીનો ઘેરાવો વધે છે અને નિતંબનો વિકાસ થાય છે અને માસિક સ્રાવ શરૂ થાય છે. અહી સંપૂર્ણ સ્ત્રી બનવા તરફ આગળ પ્રયાણ કરે છે.
તરુણાવસ્થામાં સાંવેગિક વિકાસ :
- તરુણાવસ્થામાં તરુણ વધુ લાગણીશીલ, આકુળ-વ્યાકુળ તથા વ્યગ્ર બને છે.
- તરૂણોને હકારાત્મક-નકારાત્મક વિચારો આવે છે. કંઈક સારું / નવું કરવા વિચારે છે ઉત્સાહપૂર્વક આગળ વધે છે, પણ કાંઈક વિચારે તે નિરાશ બની સ્થગિત થઈ જાય છે.
- જુદાં જુદાં આવેગો જેમ કે ડર, ચિંતા, ક્રોધ, પ્રેમ ઊંચી કક્ષાએ પહોંચે છે.
- તરૂણોમાં પોતાના દેખાવ અને સૌંદર્ય, અભ્યાસ, લગ્ન અને વ્યવસાય તેમજ ભાવિ કારકિર્દીની ચિંતા સતાવે છે.
- તરૂણોમાં સ્વમાન, સ્વ-ગૌરવ અને સ્વ-જાગૃતિ તેની ચરમસીમાએ પહોંચે છે.
- ‘ યા હોમ કરીને પડો ફતેહ છે આગે ’ ની ભાવના પ્રબળ બને છે. આગળ-પાછળનો બહુ લાંબો વિચાર કરવાની ફુરસદ હોતી નથી. ટૂંકમાં ઉમદા હેતુ માટે કંઈક કરી છૂટવાની ભાવનાની લહેર જીવનમાં વિહરે છે.
- તરૂણોમાં સામાજિક બંધનોને લીધે પોતાના વિચારો મુક્ત રજૂ કરી શકતો નથી. ક્યારેક શારીરિક શક્તિની અમુક મર્યાદાઓ પણ નડે છે.
- તરૂણો પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકતો ન હોવાથી તે વાત-વાતમાં ઉશ્કેરાઈ જાય છે. ક્યારેક લાચાર બને છે. તો ક્યારેક વિવશ બને છે.
- આ અવસ્થામાં જાતીયવૃત્તિ ઘણી પ્રબળ બને છે, વિજાતીય વ્યક્તિના સાથ-સહવાસની ઝંખના પ્રગટે છે.
તરુણાવસ્થામાં સામાજિક વિકાસ :
- તરૂણાવસ્થામાં વ્યક્તિમાં સામાજિક સૂઝનો અનુભવ દ્વારા વિકાસ થાય છે. ધીમે ધીમે તે બીજાઓની અપેક્ષાઓ સમજવા માંડે છે, સામાજિક અને આર્થિક દરજ્જો એટલે શું? નાત-જાત, ધર્મ, વર્ગ વગેરેના ભેદ એટલે શું? પૂર્વગ્રહો, પક્ષપાતો, વલણો, વ્યક્તિની સામાજિક ભૂમિકા વગેરેની સમજ તેનામાં વિકસે છે.
- તરૂણાવસ્થાના સમય દરમિયાન સામાજિક જીવનની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, તરૂણની પોતાના જૂથ પ્રત્યેની વફાદારી છે. તેના પહેરવેશ, વાણી-વર્તન, મૂલ્યો વગેરે બાબતોમાં પોતના જૂથને ચૂસ્ત રીતે અનુસરે છે.
- તરૂણાવસ્થામાં છોકરીઓ બહિર્મુખી, ચપળ, સારી ખેલાડી, સારું સંચાલન કરનારને આદર આપે છે તે તેમની મૈત્રી કરે છે. જયારે તણો બળવાખોર, સાહસિક, નિર્ભય, વ્યાયામ કુશળ અને દેખાવડા યુવાનની મૈત્રી કરે છે.
- હવે તે સજાતીયને બદલે વિજાતીય મૈત્રી ઝંખે છે. મિત્રની પસંદગી તે જાતે જ કરે છે અને મા-બાપ કે શિક્ષકોની સલાહની દરકાર રાખતા નથી. જેમ વધુ મિત્રો તેમ તરુણ વધુ ગૌરવ અનુભવે છે, (તરુણ ઈચ્છે કે તેનાં વ્યક્તિત્વને તેનાં માતા-પિતા અને વડીલો સ્વીકારે.) આ ઉપરાંત માતા-પિતા દ્વારા લાદવામાં આવતાં બંધનો તેને વધુ પડતાં લાગે છે.
- નિયમો પાળવાના રસ્તામાં માતા-પિતા આડે આવે તો તરુણ વિદ્રોહ કરવા પણ તૈયાર થઈ જાય છે તથા સમાજનાં અન્ય લોકો સાથે થતા અન્યાયને દૂર કરવા માટે તે તેના જૂથ સાથે રહીને ગમે તેની સામે વિદ્રોહ કરવા તૈયાર થઈ જાય છે.
- તરુણાવસ્થાના સમય દરમિયાન તેમનામાં નેતૃત્વનાં ગુણો વિકસે છે.
તરુણાવસ્થામાં બૌદ્ધિક વિકાસ :
- તરુણાવસ્થા એ પ્રવૃત્તિ અને વિકાસની અવસ્થા છે.
- આ અવસ્થા દરમિયાન વ્યક્તિની તર્કશક્તિ અને ધ્યાન કેન્દ્રીકરણની શક્તિ મહત્તમ કક્ષાએ વિકસે છે.
- અર્વાચીન વિચારસરણી છોડી આધુનિક વિચારસરણી વિકસે છે.
- ઈચ્છાઓ પૂરી ન થઈ હોય, તેઓ દિવાસ્વપ્નોમાં રાચતા હોય છે.
- આ અવસ્થામાં તરુણો સાહસિક બને છે તથા હરવા-ફરવાનો શોખ વિકસે છે. કાંઈક સર્જનાત્મક કાર્ય કરવાં ગમે છે.
- તારુણ્યકાળમાંથી પસાર થતી વ્યક્તિ વધુ વિચારશીલ, અવલોકન કરવાની શક્તિવાળા હોય છે.
તરુણાવસ્થામાં નૈતિક મૂલ્ય અને ધાર્મિક મૂલ્યનો વિકાસ :
- દરેક પ્રકારના સમાજનું મૂલ્ય માળખું તથા જીવન દર્શન જુદું હોય છે.
- તરુણાવસ્થામાં વ્યક્તિને જૂથમાં રહેવું ગમે છે તો જૂથની એકતા તેને નૈતિકતા અને આચારસંહિતાનું પાલન કરવાનાં પાઠ પણ શીખવે છે.
- આ અવસ્થામાં તરુણોને ધર્મ અને ધર્મ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કરવી ગમે છે અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાય છે.
- તરુણાવસ્થામાં વ્યક્તિ પોતાના સમાજ અને સંસ્કૃતિનાં નિયમોનું પાલન કરવા પ્રયત્ન કરે છે.
- તરુણોમાં નૈતિકતાનાં વિવિધ પાસાં જેવાં કે શિસ્ત, સત્યપ્રિયતા, હિંમત, પ્રામાણિકતા અને સહાનુભૂતિનો વિકાસ થતો જોવા મળે છે.
- તરુણોમાં નૈતિક મૂલ્ય અને ધાર્મિક મૂલ્યો વિકસે તે માટે પુસ્તકો, ટી.વી. સીરિયલો, ફિલ્મો જોતા હોય છે.
તરુણાવસ્થામાં વાચન વિકાસ :
- તરુણાવસ્થાનાં સમયગાળા દરમિયાન તરુણોને પ્રેમ અને હકીકતલક્ષી નવલકથા વાંચવી ગમે છે.
- તરુણોને પરીકથાઓ વાંચવી ગમતી નથી.
- આ ઉપરાંત સમાચાર પત્રોમાં રમતગમત અને ચલચિત્રોને લગતા સમાચારો વાચવા ગમે છે.
- તરુણો આ સમયગાળા દરમિયાન પોતાનાં ભાવ અંગે સજાગ થતાં વ્યાવસાયિક માર્ગદર્શન અને સલાહ મળે તેવાં પુસ્તકો વાંચવાનું પ્રથમ પસંદ કરે છે.
- તરુણો પ્રેમકથા દર્શાવતી ફિલ્મો-નાટકો જોવાનું વધારે પસંદ કરે છે.
- તરુણ-તરુણીઓની જાતીયવૃત્તિના ઊર્ધીકરણ માટે તેમને સાહિત્ય, કલા, નાટક, લેખન પણ કરતાં હોય છે.
- તરુણાવસ્થામાં વ્યક્તિનાં અભિરૂચિનાં ક્ષેત્રોનો વિકાસ થાય છે. પોતાની અભિરુચિ પ્રમાણે જુદાં જુદાં પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.
તરુણાવસ્થામાં જાતિય વિકાસ :
- પોતાની જાતને ખૂબ જ પ્રેમ કરે છે.
- તરુણાવસ્થામાં વ્યક્તિની જાતીયવૃત્તિ ઘણી પ્રબળ બને છે, વિજાતીય વ્યક્તિનાં સાથ-સહવાસની ઝંખના પ્રગટે છે.
- વ્યક્તિ પોતાની જાતીયવૃત્તિ ઉત્તેજે તેવાં પુસ્તકો, ચિત્રો કે ફિલ્મો જોવી ગમે છે તથા પોતાનાં મિત્રોની આ વાતો કરવી ગમે છે. વાત-ચીતનાં વ્યવહારમાં પણ જાતીયતા જોડે છે.
- વારંવાર પોતાનો ચહેરો અરીસામાં જુએ છે.
- નવાં ચપંલ- નવાં કપડાં પહેરી અરીસા સામે ઊભા રહે છે અને નવી સ્ટાઈલો મારતાં હોય છે.
- તરુણાવસ્થામાં છોકરા તથા છોકરીઓને પોતાનાં શરીર ગમે છે, તેઓ શરીર તરફ રસ લઈ શરીરને સજા માટે, વાળની ટાપટીપમાં ઘણો સમય આપે
- તરુણો પોતાના શરીરના અંગો પર જાતે જ હાથ ફેરવે છે અને જાતીય આનંદ મેળવે છે તથા જ્યારે પરાકા આવે ત્યારે તે હસ્તમૈથુન દ્વારા જાતીય સુખે પહોંચવા પ્રયત્ન કરે છે.
- આ ઉપરાંત છોકરાઓ અને છોકરીઓ સમલૈંગિક સંબંધો બાંધી દેતા હોય છે.
- તરુણાવસ્થામાં તરુણો વિજાતીય ગમતી વ્યક્તિની હાજરીમાં રોમાંચિત થઈ જતી હોય છે.
- વિજાતીય પાત્ર સાથે બહાર ફરવા જવાનું પસંદ કરે છે, નજીક બેસે છે, એકબીજા ફિલ્મ જોવા જાય એક બીજાને સ્પર્શે છે અને ક્યારેક અતિશય આવેગશીલ બનતાં તરુણ-તરુણી શારીરિક સંબંધ બાંધી બેસે છે
તરૂણાવસ્થાની સમસ્યાઓ :
તરૂણાવસ્થાના સમયગાળા દરમિયાન તરૂણ અને તરૂણીઓના શારીરિક અને જાતીય વિકાસ ખ જ ઝડપી થાય છે. તરુણો આવાં આકસ્મિક, ત્વરિત અને અગમ્ય ફેરફારને લીધે કેટલીક સમસ્યા અનુભવે છે.
તરુણાવસ્થા દરમિયાન માનસિક વિકાસ તેની પૂર્ણતાએ પહોંચ્યો હોય છે અને સામાજિક વિક પણ નોંધપાત્ર રીતે વિકસે છે. આ બધાનાં પરિણામ સ્વરૂપે ભારતીય તરુણ જે સમસ્યા અનુભવે છે તે આપ મુખ્ય ત્રણ વિભાગમાં જોઈશું.
1. શારીરિક સમસ્યાઓ
2. સામાજિક સમસ્યાઓ
3. જાતીય સમસ્યાઓ
શારીરિક સમસ્યાઓ :
- તરૂણાવસ્થા દરમિયાન તરૂણ તેમના શારીરિક પરિવર્તનને લીધે મુંઝવણ અનુભવે છે. ત્વરિત આંતરિક ફેરફારોને લીધે તરૂણ પાચનની મુશ્કેલીઓનો ભોગ બને છે અને શરીરમાં ઢીલાશ, નબળાઈ અને સુસ્તિ અનુભવે છે.
- કેટલીક વખત માથું દુઃખે છે, કમર કે પીઠમાં દુઃખાવો થાય છે. અપૂરતું પોષણ અને નિંદ્રાની ખોટી ટેવો તરુણના શરીર પર ખોટી અસર પડે છે.
- તરુણાવસ્થામાં તરુણીઓને માસિક દરમિયાન રક્તસ્ત્રાવ થતો હોય છે ત્યારે તેને ડર, મૂંઝવણ, શરમ જન છે. આ રક્તસ્ત્રાવ કેમ આવે છે, કઈ રીતે આવ્યો, ક્યાં સુધી આવશે, કેટલો આવશે આવાં પશ્નો તરુણી ખૂબ જ સતાવે છે. આ સમય દરમિયાન તરુણીઓને નબળાઈ આવે છે. યોગ્ય માર્ગદર્શન ન મળતાં વધુ મૂંઝવણ અનુભવે છે.
- આ અવસ્થા દરમિયાન તરૂણો તેમના દેખાવ અને શરીરને તેમની ઉંમરનાં સભ્યો સાથે સરખાવતા રહે છે. તરૂણીઓ ખાસ કરીને તેમના વજન, ઊંચાઈ,વાળ, સ્તનનાં કદ અને આકાર, નિતંબનો દેખાવ, તેમનો રંગ, ચાલવાની ઢબ આ દરેક બાબતોને બીજી છોકરીઓની સાથે સરખાવતા હોય છે. આ બાબતે જો તેઓ ઉતરતા હોય તો તેની અસર તેમનાં સામાજિક અનુકૂલન પર પણ જોવા મળે છે.
- આ અવસ્થા દરમિયાન તરૂણ વિજાતીય વ્યક્તિ પર છાપ ઉપસાવવાનો પ્રયત્ન કરે છે. (આ અવસ્થાને સ્વ-નિખાર અવસ્થા પણ કહે છે, અને જો તેની આવી લાગણીઓ ન સંતોષાય ત્યારે અકળામણ અનુભવે છે અથવા એકલા રહેવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક તે આક્રમક પણ બને છે.
સામાજિક સમસ્યાઓ :
- તરૂણાવસ્થામાં બાળક પ્રવેશે ત્યારે તેના જીવનનો મહત્ત્વનો તબક્કો શરૂ થાય છે. તરુણ તરીકે પોતે સમાજમાં બીજાઓ સાથે વાણી અને વ્યવહાર કેવી રીતે કરવો તે અંગે હજુ તેને પૂરું સમજાતું નથી, તેથી મૂંઝવણભરી પરિસ્થિતિનો ભોગ બને છે.
- મા-બાપ એક બાજુ તેને હજુ ઘણો નાનો ગણે છે, તો વળી કોઈવાર તેની પાસેથી પરિપક્વ વર્તનની અપેક્ષા રાખે છે. મા-બાપના આ બેવડા ધોરણોમાંથી કેવી રીતે બહાર આવવું, તેની સમસ્યા પણ તરુણોને મુંઝવણમાં મૂકે છે.
- તરુણાવસ્થામાં તરુણ-તરુણી જાતીય રીતે સુવિકસીત અને પરિપક્વ થયા હોય છે, તેમને વિજાતીય વ્યક્તિનો સહચાર ગમે છે પણ રૂઢિગત ભારતીય સમાજ તેની આ જરૂરિયાત પર સખત પ્રતિબંધ મૂકે છે. તેથી વિજાતીય વ્યક્તિ સાથેના સહચારની સમસ્યા તેને મુંઝવે છે.
- આપણા સમાજમાં વડીલોનું વિશેષ આધિપત્ય હોઈ, તેઓ તરુણોને ઝડપથી સ્વાવલંબી, આત્મનિર્ભર, સ્વાયત્ત અને જાતે નિર્ણય કરતા અટકાવે છે.
- તરુણની ઇચ્છા હોય છે કે તેનું સમવયસ્ક જૂથ તેને સ્વીકારે. તે જૂથમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે અને પોતાના આકર્ષક દેખાવ અને પ્રભાવથી તે જૂથમાં મહત્ત્વનો સભ્ય બને છે, પણ તરણની સ્વભાવગત અને પરિસ્થિતિજન્ય લાક્ષણિકતાઓને કારણે આવું હરહંમેશાં શક્ય નથી બનતું. આથી જૂથમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરવા અંગેની સમસ્યા તેની મુંઝવણ અને કેટલીકવાર નિરાશા - હતાશાનું કારણ બને છે.
જાતીય સમસ્યાઓ :
ભારતીય તરુણને ઘણું કરીને મા-બાપ, વડીલો કે શિક્ષકો તરફથી વિધિસર જાતીય બાબતો અંગે માર્ગદર્શન મળતું નથી. એટલે તેમને નીચેના જેવી જાતીય સમસ્યાઓ નડે છે.
- જાતીય ફેરફારો ઝડપથી થાય ત્યારે બાહ્ય જાતીય લક્ષણોને કારણે તરુણ-તરુણીનો દેખાવ એકદમ બદલાઈ જતાં હોઈ ઉદ્ભવતી શરમ-સંકોચ અને ક્ષોભની લાગણી તેમને માટે સમસ્યારૂપ બની જાય છે.
- જાતીય બાબતો એક બાજુ મનોજાતીય વિકાસની ઘટના છે તો જે - તે સમાજના આ ઘટના તરફના વલણોના કારણે તે સામાજિક ઘટના પણ બની રહે છે. રૂઢિચુસ્ત સમાજો જાતીય બાબતો અંગે કાવતરાભર્યું મૌન સેવતા હોઈ જાતીય બાબતો તુરણો માટે એક પ્રકારની સમસ્યાનું રૂપ ધારણ કરે છે.
- રજોદર્શન, સ્વપ્નદોષ, હસ્તમૈથુન, વિજાતીય વ્યક્તિઓ સાથે સમાયોજન, લૈંગિક સંબંધો, સજાતીય કામુકતા વગેરે વિશે સમાજમાં પ્રચલિત માન્યતાઓ, ખોટા ખ્યાલો અને ગેરસમજોનો ભોગ તણો બને છે. આથી તરુણો માટે જાતીય બાબતોને લગતી અનેક સમસ્યાઓ સર્જાય છે. જે ક્યારેક જાતીય વિકૃતિમાં પણ પરિણમે છે.
આ ઉપરાંત ભારતીય તરુણોને સ્પર્શતી કેટલીક વિશેષ નોંધપાત્ર સમસ્યાઓ નીચેના જેવી ગણાવી શકાય,
ભારતીય તરુણોની વિશેષ સમસ્યાઓ :
- તરુણો અને માતા-પિતા વચ્ચે કારકિર્દી તથા જીવનસાથીની પસંદગી અંગે પ્રવર્તતા મતભેદો.
- પૂરતી તકોના અભાવે તરુણોમાં પ્રવર્તતી ધ્યેયહીનતા અને હતાશાની ઘેરી લાગણીઓ.
- હતાશાની લાગણીમાંથી જન્મતી જાતીય વિકૃતિઓ, અપરાધશીલતા અને નશાખોરી.
- વિજાતીય વ્યક્તિઓના સંપર્કની અલ્પ તકોને કારણે વિજાતીય સમાયોજન સાધવાની સમસ્યા.
- શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શનની અપૂરતી સવલતો.
- શિક્ષણ અને નોકરીઓ મેળવવામાં વ્યાપક બનેલ ડોનેશન પ્રથા કે ભ્રષ્ટાચાર.
- તરુણોને જેમના જેવા થવાની આકાંક્ષા જન્મે તેવાં યોગ્ય રોલમોડેલ (પ્રતિભાઓ)ની પ્રમાણમાં ઉણપ.
- વિવિધ કારણોસર તરુણોમાં ઉદ્દભવતો અંજપો અને તેની વિધ્વંસક અસરો.
તરૂણાવસ્થાના શૈક્ષણિક ફલિતાર્થો :
(Educational Implications of Adolescence)
શરીર વિજ્ઞાનનું જ્ઞાન (Knowledge of Phsiology) :
તરુણાવસ્થામાં શરીરના વિકાસમાં જબરદસ્ત ફેરફારો જોવા મળે છે. તરુણને શરીર વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવશે તો આ શારીરિક ફેરફારને સામાન્ય રીતે જોશે, વિશિષ્ટ રીતે જોશે નહીં. શરીર અંગેનું જ્ઞાન આપવાથી તેઓનાં મનમાં રહેલી મૂંઝવણો દૂર થશે. ખાસ કરીને શાળાઓમાં વિષય શિક્ષણ સાથે જ શરીર વિજ્ઞાનનું જ્ઞાન આપવું જોઈએ.
વૈયક્તિક ભિન્નતાની સમજ કેળવવી :
વિશ્વની દરેક વ્યક્તિ સમાન નથી. દરેક વ્યક્તિમાં ખૂબીઓ હોય છે, તેવી જ રીતે દરેક વ્યક્તિમાં ખામીઓ પણ હોય છે. તેણે પોતાનામાં રહેલી ખૂબીઓ પ્રત્યે ગર્વ કરવો ન જોઈએ અને ખામીઓથી આકુળવ્યાકુળ થવું ન જોઈએ. પોતાની જાતને અન્ય લોકો સાથે સરખાવશો નહીં અને દેખાદેખી રાખવી નહીં, એવી સાચી સમજ આપવી જોઈએ.
સુષુપ્ત શક્તિને બિરદાવો :
પ્રત્યેક તરુણ પોતાનાં જૂથનાં અન્ય સભ્ય કરતાં આવડતવાળો છે, તેવું પ્રસ્થાપિત કરવા પ્રયાસ કરતો હોય છે. શાળામાં શિક્ષકે પોતાનાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને બિરાદવવી જોઈએ. જેથી વિદ્યાર્થી પોતાનાં જૂથમાં પોતાની જાતને આત્મસાત કરી શકે.
જવાબદારીવાળા કાર્યો સોપવા :
આ સમયગાળામાં તરુણ પોતાની જાતને જવાબદાર વ્યક્તિ માનતો હોય છે, તેના આ વિચારને હકારાત્મક રીતે સ્વીકારીને ઘરમાં અને શાળામાં જવાબદારીવાળાં કાર્યો સોંપવા જોઈએ. જ્યાં જ્યાં સલાહ કે માર્ગદર્શનની આવશ્યકતા ઊભી થાય તો તેને સંપૂર્ણપણે સહકાર આપવો. તરુણોને જે બાબતો સમજાતી. ન હોય તો તે બાબતને ધ્યાનથી સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. માતા-પિતા અને શિક્ષકોએ તેની શક્તિને બિરદાવવી જોઈએ. વધુ પડતા ઉપદેશ આપવાની જરૂર નથી તથા યોગ્ય નિર્ણય લેવામાં તેને મદદ કરવી જોઈએ.
રમત-ગમત અને સ્પર્ધાઓનું આયોજન :
(Organisation of Sports and Competition) :
તરૂણોમાં સતત શારીરિક શક્તિઓનો સંચાર થતો રહે છે. આ શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરે, તે માટે રમત-ગમતનું જ્ઞાન આપવું જોઈએ તથા રમત-ગમત અંગે સ્પર્ધા યોજી તેમાં ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આમ કરવાથી બીજો ફાયદો એ થાય છે કે તેમનું શરીર પણ સુડોળ અને લચીલું બને છે. આ માટે શાળાના સમયપત્રકમાં ફેરફાર કરી, વ્યાયામના તાસનો સમાવેશ કરવો તથા વ્યાયામના તાલીમ પામેલાં શિક્ષકોની નિમણૂંક કરવી જોઈએ અને વ્યાયામનાં તાસ નિયમિત લેવાવાં જોઈએ.
અભિયોગ્યતાનો ખ્યાલ રાખવો :
દરેક તરુણ અન્યથી ભિન્ન છે તેવી જ રીતે દરેક તરુણમાં રસ, વલણ, ટેવોમાં ભિન્નતા જોવા મળે છે. તરુણોની અભિયોગ્યતા અને શોખને સંતોષ આપવા માટે પ્રવાસ, પર્યટન, ઉજાણી, ગ્રામશિબિર, ગ્રામસફાઈ, વિજ્ઞાનમેળા, પર્વતારોહણ, પક્ષીદર્શન, નાટક, એકપાત્રીય અભિનય, એન.સી.સી., એન.એસ.એસ. જેવાં કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.
વ્યાવસાયિક શિક્ષણ આપવું :
તરુણાવસ્થા એ પ્રવૃત્તિની અવસ્થા છે. તરુણને સ્વતંત્ર જીવન જીવવાની ખૂબ જ તમન્ના હોય છે. તે પરાવલંબી જીવન જીવવા માંગતો નથી એટલે કે તે પોતાનાં પગભર જીવન જીવવા માંગે છે. પરંતુ આજનું શિક્ષણ તરુણને સ્વાવલંબી બનવામાં મદદરૂપ થતું નથી. આ તરુણાવસ્થાનાં શરૂઆતમાં સમયગાળામાં વ્યવસાય પસંદગીની ચિંતા ખૂબ જ રહેતી હોય છે. તરુણ પોતાનાં વ્યવસાય પસંદગીનાં નિર્ણય લઈ શકતા નથી. આ વ્યવસાય પસંદગીની ચિંતાને દૂર કરવા માટે તરુણોને વ્યાવસાયલક્ષી અને કારર્કિદી માર્ગદર્શન આપવું જોઈએ.
જાતીય બાબતે સાચી સમજ આપવી :
તરુણાવસ્થા દરમિયાન તરુણનાં શારીરિક વિકાસ સાથે સાથે પ્રજનન અંગોનો વિકાસ પણ થાય છે. છોકરીઓમાં રજોદર્શન અને છોકરાઓમાં સ્વપ્નદોષ જેવી ઘટના બનતી હોય છે, તે સમયે તરુણોમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આ પ્રશ્નોનો ઉકેલ તેમને સહજતાપૂર્વક મળે તેવી સાચી સમજ આપવી. તરુણોને સમજાવવાનું છે કે આ ઘટના અગત્યની છે, પરંતુ સામાન્ય ઘટના નથી.
તરુણોમાં જાતીય આવેગોનો વિકાસ પણ થાય છે. તેમને ખુલ્લા મને (મુક્ત મને) અને ન્યાયીક સમજ આપવી તથા લગ્ન પહેલાં જાતીય સમાગમ તો ક્યારેય નહીં, જાતીય પ્રવૃત્તિઓનાં લીધે અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
છોકરા-છોકરીઓને જૂથમાં સાથે રાખીને જૂથે પ્રવૃત્તિ કરાવવી જોઈએ અને તેમનાં મનમાં જે વિજાતીય પાત્રો વિશેના ખોટાં ખ્યાલો દૂર કરવાં. તુરણોને રમત-ગમત તથા યોગસાધના જેવી પ્રવૃત્તિઓમાં સક્રીય રાખવાં જોઈએ અને જાતીયતા પ્રત્યેનાં વિચારોથી દૂર રાખી શકાય.
ધાર્મિક-નૈતિક શિક્ષણ આપવું : (Religious and Moral Education) :
ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જે તે ધર્મને લગતી ધાર્મિક ક્રિયાઓ કાઢી નાખીએ તો દરેક ધર્મ એક જ વાત સમજાવે છે તે નૈતિકતા. જો ધર્મના નામે ધાર્મિક શિક્ષણ ના આપી શકાતું હોય તો દરેક ધર્મની સારી બાબતોનો સમાવેશ કરીને નૈતિકતા, ચારિત્ર્ય ઘડતર અને મૂલ્ય શિક્ષણ આપી શકાય. આમા કરવાથી વ્યગ્રતા, અપ્રમાણિકતા, અશિસ્ત જેવાં તમામ દુર્ગુણોથી તરુણોને દૂર રાખી શકાય. તુરણોને ધર્મમાંથી કર્મકાંડ કાઢીને દરેક ધર્મનાં સંતો, પયંગબરો અને સ્થાપકો વિશેનું જ્ઞાન આપવું જોઈએ. જે તુરણોને સાચા અને આદર્શ નાયકની શોધમાં મદદરૂપ થઈ શકે.
આપણે જોઈએ તો નૈતિકતા અને ચારિત્ર્ય એ સામાજિક વાતાવરણ અને શાળાનાં વાતાવરણમાંથી તરૂણો આપોઆપ અનુકરણથી શીખે છે આ પ્રકારનું શિક્ષણ આપવું હોય તો શાળાના શિક્ષકોએ અને અન્ય કર્મચારીવર્ગે નૈતિકતા અને ચારિત્ર્યનાં દાખલા પૂરા પાડવા જોઈએ.
સાંવેગિક જરૂરિયાતો :
તરુણો ખૂબ ઉગ્ર અને ચંચળ હોય છે. તેમના સંવેગો તીવ્ર, અસ્થિર, પ્રબળ અને અપરિપક્વ, હોય છે. તેમના સંવેગો પર કાબૂ રાખતાં શિક્ષકે શીખવવું જોઈએ, તે અંગેની તાલીમ આપવી જોઈએ. તરુણોને સહાનુભૂતિ, પ્રેમ તથા સહકાર માટે તેમના માતા-પિતા, શિક્ષકો અને વાલીઓ પાસે તેઓ અપેક્ષા રાખતા હોય છે અને જો તરુણોની લાગણી અને જરૂરિયાતો સંતોષાય નહીં તો તેઓ ઉગ્ર બની જાય છે. તેથી જ શિક્ષક, માતા-પિતા અને તરુણનાં વડીલોએ હંમેશાં પોતનાં સંતાનો સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું જોઈએ અને સંવેગોની કદર કરવી જોઈએ, લાગણીને સમજવી જોઈએ.