વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. અર્થાત મનુષ્યનો વિકાસ તેનો ગર્ભ બંધાય ત્યાંથી લઈને તે મૃત્યુ થાય ત્યાં સુધી ક્રમિક અને સતત થતો રહે છે. આમ છતાં વ્યક્તિનો વિકાસ નિશ્ચિત સમયગાળામાં એકસરખું ગતિમાં થતો નથી. તેની વિકાસ સાધવાની ગતિમાં ઉતારચઢાવ થતો રહે છે. પરંતુ કેટલાક સમયગાળામાં વ્યક્તિન વિકાસમાં કેટલાક અંશે સરખાપણું જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને હેવિગહર્ટ અને એરીક્સન જેવા મનોવૈજ્ઞાનિક અભ્યાસની સરળતા માટે માનવવિકાસની અવસ્થાઓનું વિભાગીકરણ કરે છે.
વ્યક્તિની ઉંમરમાં વૃદ્ધિ થવાથી આવતી પરિપક્વતાને લીધે તેને જુદી જુદી વયકક્ષાએ જોવા મળતી વિવિધ_ લાક્ષણિકતાઓ અને તેના વિકાસાત્મક કાર્યોને આધારે વિકાસની અવસ્થાઓ આ પ્રમાણે વિભાજિત થયેલ છે.
(1) ગર્ભાવસ્થા (Pre-Natal Stage) - ગર્ભાધાનથી જન્મ સુધીગર્ભાવસ્થાનો પ્રારંભ માતા ગર્ભ ધારણ કરે ત્યારથી થાય છે. આ અવસ્થાનો સમયગાળો ગર્ભાધાનથી લઈ બાળકના જન્મ સુધીનો હોય છે. આમ આ અવસ્થાનો ગાળો જન્મ પહેલાંનો લગભગ નવ માસનો હોય છે. મનુષ્યના જીવનના અસ્તિત્વની શરૂઆત તેના ગર્ભાધાન સમયથી થયેલી ગણાય છે. બાળક નવ માસ સુધી પોતાની માતાના ગર્ભાશયમાં ગર્ભરૂપે રહ્યા બાદ જન્મ લઈ તે પોતાના જીવનની નિરંતર યાત્રાનો પ્રારંભ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન વ્યક્તિની શારીરિક વૃદ્ધિ ખૂબ ઝડપથી થયા કરે છે. કેમ કે આ અવસ્થા દરમિયાન તે જેટલા પ્રમાણમાં શારીરિક વૃદ્ધિ કરે છે, તેટલા પ્રમાણમાં જીવનની કોઈ અવસ્થામાં તેની શારીરિક વૃદ્ધિ નથી થતી. આમ છતાં આ અવસ્થામાં થતી શારીરિક વૃદ્ધિનો આધાર માતાના જીવન-વ્યવહાર પર પણ રહે છે. માતાનું સ્વાસ્થ, ટેવો, સંવેગો, પુણતા તેમજ વાતાવરણની આ અવસ્થા દરમિયાન ગર્ભ પર પ્રત્યક્ષ કે પરોક્ષ અને હકારાત્મક કે નકારાત્મક રીતે અસરો થાય છે. આથી ગર્ભાવસ્થાને વ્યક્તિની સૌથી નાજુક અવસ્થા ગણી શકાય.
શૈશવાવસ્થામાં બાળકના જન્મથી 5 કે 6 વર્ષના સમયગાળા સુધીની ગણવામાં આવે છે. આ અવસ્થાને શિશુ અવસ્થા પણ કહેવામાં આવે છે. આ અવસ્થામાં બાળકને તમામ બાબતોમાં અન્ય વ્યક્તિની જરૂર રહે છે. આમ, આ અવસ્થામાં બાળક પ્રારંભમાં પરતંત્ર અને અંતમાં કેટલાક અંશે સ્વતંત્ર થવા લાગે છે. બાળકની શારીરિક વૃદ્ધિ આ અવસ્થામાં ઝડપથી થાય છે. બાળકના માનસિક અને સામાજિક વિકાસ થવાની શરૂઆત આ તબક્કાથી થાય છે. આ અવસ્થામાં બાળકની અનુકરણવૃત્તિ, જિજ્ઞાસાવૃત્તિ અને સર્જનવૃત્તિ પ્રગટ થાય છે. શૈશવાવસ્થા દરમિયાન બાળક ચાલતાં, ખાતાં અને બોલતાં શીખે છે. તેમજ ઘરના સભ્યો સાથે ભાવાત્મક સંબંધો સ્થાપિત કરે છે અને જાતીય તફાવતો જાણી તે અંગે સભાનતા કેળવતો થાય છે. આ અવસ્થામાં બાળકને રમવું, વાર્તા સાંભળવી અને મિત્રો બનાવવા વધુ ગમે છે.
કિશોરાવસ્થાનો સમયગાળો 5 કે 6 વર્ષથી 12 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. ચેષ્ટાત્મક વિકાસ ઝડપથી થાય છે. જયારે શારીરિક વિકાસ થવાની ગતિ ધીમી જોવા મળે છે. બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને તર્કશક્તિનો વિકાસ વધારે પ્રમાણમાં થાય છે. સમૂહ ભાવનાને લગતા સામાજિક ગુણો વિકસે છે. આ અવસ્થા દરમિયાન બાળકની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કાર્યરત બને છે. બાળક શેરીમિત્રો બનાવતો થઈ ટોળીઓ રચે છે. જેમની સાથે રખડવા જવું, ઝાડ પર ચઢી રમતો રમવી જેવી પ્રવૃત્તિઓ તેને વધુ ગમે છે. બાળકની સંગ્રહવૃત્તિ પ્રબળ બને છે. ઘરના સભ્યો કરતાં પોતાના શિક્ષકો, મિત્રોની વાતો પર વધુ વિશ્વાસ કરે છે. કિશોર સામાન્ય રમતો માટેના આવશ્યક કૌશલ્યો વિકસાવે છે. કિશોરનાં વાંચન, લેખન અને ગણન અંગેનાં કૌશલ્યો ખીલતા જોવા મળે છે અને દૈનિક જીવન માટે જરૂરી ખ્યાલો મેળવતો થાય છે.
તરુણાવસ્થાનો સમયગાળો 12 વર્ષથી 18 વર્ષ કે 19 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. આ અવસ્થાને કુમારાવસ્થા” કે “પૌગંડાવસ્થા” પણ કહેવામાં આવે છે. આ તબક્કો વ્યક્તિના જીવનનો સંક્રાંતિકાળ ગણવામાં આવે છે. તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિ એ બાળક મટીને યુવક બને છે. આ અવસ્થા દરમિયાન તરુણને પોતાની કારકિર્દી નક્કી કરવાની હોવાથી તેમજ પોતાનામાં આવતાં વિવિધ પરિવર્તનોને સમજવાનો પ્રયાસ કરતો હોવાથી તે મૂંઝવણ અનુભવે છે અને પોતાની આ મૂંઝવણના ઉકેલ શોધવા તેઓ પ્રયત્નશીલ બને છે. તરૂણની બુદ્ધિનો વિકાસ મહત્તમ કક્ષાએ પહોંચે છે. તેનો શારીરિક તેમજ જાતિય વિકાસ પૂર્ણતા તરફ ગતિ કરે છે. તરુણને વિજાતીય વ્યક્તિનો સહવાસ ગમે છે. તે સતત કલ્પનાઓ અને સ્વપ્નોમાં રાચે છે અને સામાજિક દૃષ્ટિએ જવાબદારીપૂર્ણ વર્તન કરતો થાય છે.
યુવાવસ્થાનો સમયગાળો 20 વર્ષથી 40 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. આ અવસ્થામાં વ્યક્તિનો શારીરિક, જાતીય, ચેષ્ટાત્મક તેમજ બૌદ્ધિક વિકાસ પૂર્ણ થઈ ગયેલ હોય છે. વ્યક્તિ પોતાનામાં વ્યાવસાયિક ક્ષેત્રે સ્થિરતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે અને આથી તેનામાં સાહસવૃત્તિ પ્રબળ હોય છે. આ અવસ્થા દરમિયાન વ્યક્તિ લગ્ન કરી પોતાના કૌટુંબિક જીવનમાં ઠરીઠામ બને છે. આ અવસ્થાથી વ્યક્તિની ક્ષમતાઓ મુજબ તેનું સામાજિક સ્થાન નિશ્ચિત થાય છે. આ ઉપરાંત વ્યક્તિએ વ્યવસાયમાં જોડાવવું, ઘર ચલાવવું, નાગરિક તરીકેની ફરજોનું પાલન કરવું, પોતાને અનુકૂળ સામાજિક જૂથ રચવું જેવાં લક્ષણો યુવાવસ્થા દરમિયાન જોવા મળે છે અને આથી વ્યક્તિની કાર્યશક્તિમાં આ તબક્કા દરમિયાન પ્રબળતા જોવા મળે છે.
પ્રૌઢાવસ્થાનો સમયગાળો 40 વર્ષથી 60 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. આ અવસ્થામાં વ્યક્તિના શારીરિક, સામાજિક, સાંવેગિક જેવા તમામ પ્રકારના વિકાસ પરિપક્વ બને છે. વ્યક્તિ પોતાના વ્યાવસાયિક તેમજ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવાના અને તેને ટકાવવાના પ્રયત્નોમાં સતત કાર્યરત રહે છે. આ અવસ્થા દરમિયાન વ્યક્તિ પોતાના મોટાં થતાં સંતાનો અને વૃધ્ધ મા-બાપ સાથે સંવાદીતાપૂર્ણ વ્યવહાર કરવાની મથામણ કર્યા કરે છે. વ્યક્તિનો ઉત્સાહ અને જાતીય વૃત્તિ મંદ પડતી જાય છે. આ અવસ્થામાં વ્યક્તિ સામાજિક નાગરિક તરીકેની જવાબદારીઓ વધારે સંભાળતો થાય છે. તે પોતાના કુટુંબ અને સમાજ સાથે વધુ અનુકૂલન સાધવાના પ્રયત્નો કરે છે.
વૃદ્ધાવસ્થાનો સમયગાળો 60 વર્ષ પછીથી મૃત્યુ સુધીનો ગણવામાં આવે છે. આ અવસ્થામાં વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે. વ્યક્તિની યાદશક્તિ, જ્ઞાનેન્દ્રિયોની શક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ અંતર્મુખી બનતું જાય છે. આમ આ સમયગાળો તે વ્યક્તિના જીવનના પતનનો ગાળો છે. નવી પેઢીના લોકો સાથેનું અંતર (Generation Gap) વધે છે. સહાનુભૂતિની અપેક્ષાઓ વધે છે. આ ઉપરાંત વૃદ્ધાવસ્થા દરમિયાન મર્યાદિત આવક અને ઘટતી તંદુરસ્તીને અનુકૂળ થવું, જીવનસાથી કે સ્વજનોના મૃત્યુથી પડતી ખોટને સહન કરવી જેવાં લક્ષણો પણ જોવા મળે છે.
માનવવિકાસની આ અવસ્થાઓના લક્ષણો અને કાર્યોને નિશ્ચિત સ્વરૂપના ગણી જડતા રાખવી જોઈએ નહીં. કેમ કે દરેક વ્યક્તિમાં આ અવસ્થાઓ પ્રમાણે જ ફેરફારો થાય તેવું ન પણ બને. કેટલીક વાર કોઈ વ્યક્તિ એકાદ કે બે વર્ષ અગાઉ તો કોઈ વ્યક્તિ એકાદ કે બે વર્ષ પછી પણ આગળની અવસ્થામાં પ્રવેશે છે અને વળી એક અવસ્થા સંપૂર્ણ રીતે બીજી અવસ્થાથી જુદી પણ પડી જતી નથી. ઘણીવાર વ્યક્તિમાં એક અવસ્થા પૂર્ણ થયા પહેલાં પણ પછીની અવસ્થાની લાક્ષણિકતાઓ જોવા મળે તેવું બની શકે છે. આમ છતાં તમામ અવસ્થાનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો તે સમય દરમિયાન પ્રબળ રહે છે, તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
આમ, માનવવિકાસની આ અવસ્થાઓ દરમિયાન વ્યક્તિના વિવિધ ક્ષેત્રે થતા વિકાસને જાણી શિક્ષણનું આયોજન કરી શકાય છે. તેથી આ અવસ્થાઓના વિકાસને યોગ્ય રીતે સમજવા જરૂરી છે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો તબક્કો તરૂણાવસ્થાનો હોવાથી, તરૂણોના શારીરિક, માનસિક, સાંવેગિક, ચેષ્ટાત્મક અને સામાજિક અંગે અભ્યાસ કરીએ.