"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

સ્કિનરનો કારક અભિસંધાન અધ્યયન સિદ્ધાંત(Operant Conditioning or Instrumental conditioning)

સ્કિનરનો કારક અભિસંધાન અધ્યયન સિદ્ધાંત(Operant Conditioning or Instrumental conditioning)

સ્કિનરનો કારક અભિસંધાન અધ્યયન સિદ્ધાંત(Operant Conditioning or Instrumental conditioning) :

પ્રસ્તાવના (Introducation) :

        આપણે જાણીએ છીએ કે માનવી કે પ્રાણીના વર્તન પર ઘણાં પરિબળો અસર કરે છે. આ વર્તનની અસર જાણવા માટે ઘણાં બધા મનોવૈજ્ઞાનિકોએ જુદાં જુદાં પ્રયોગો કરી અધ્યયનનાં સિધ્ધાંતો તારવ્યા છે. સ્કિનર પણ તેમાના એક મનોવૈજ્ઞાનિક હતા. સ્કિનરે જણાવ્યું કે જયાં પ્રતિચાર, અવલોકી શકાય તેવા ઉદ્દીપક સાથે જોડાયેલ હોય, ત્યાં સરળ સ્વરૂપના અધ્યયનને સમજાવવા માટે શાસ્ત્રીય અભિસંધાન પૂરતું છે. પરંતુ આપણાં મોટાં ભાગનાં વર્તનોને તે પ્રકારનાં નથી. ચાલવું, બોલવું, વાંચવું વગેરે વર્તનોને શાસ્ત્રીય અભિસંધાન દ્વારા સમજાવવું મુશ્કેલ છે. આથી સ્કિનરે જે વર્તનોના ઉદ્દીપકો સ્પષ્ટ નથી તેવાં વર્તનોને સમજાવી શકાય તે માટે તેણે કરેલા પ્રયોગો દ્વારા “કારક અભિસંધાન' સિદ્ધાંત રજૂ કર્યો તથા સ્કિનને વર્તનનું હેતુપૂર્વકનું અવલોકન અને વિશ્લેષણ કરવા માટે પોતાની રીતે પોતાની પદ્ધતિ અને સાધનો વિકસાવ્યા હતા. સ્કિનરની આ પ્રવૃતિ અમેરિકન મનોવૈજ્ઞાનિકોમાં ખૂબ જ લોકપ્રિય બની કે ઘણા મનોવૈજ્ઞાનિકોએ પછી પોતાનાં પ્રયોગોમાં તેનો ઉપયોગ કર્યો.

        સ્કિનને પ્રાણીની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓને તેમના વિશ્લેષણમાં પાયાના એકમ તરીકે સ્વીકાર્યા હતા. સ્કિનરનાં મતે વર્તનને સમજવા માટે ઉદ્દીપક અને પ્રતિચાર જોડાણને સમજવું જરૂરી છે. કારક અભિસંધાન પ્રક્રિયા સાથે સંબંધિત સંકલ્પનાઓ, કારક અભિસંધાન યોજના, સુદઢીકરણ, પત્રકો/યોજના) અને કારક અભિસંધાનનું મૂલ્યાંકન આ પ્રકરણમાં દર્શાવામાં આવ્યું છે.


સ્કિનરનો પરિચય (Introduction of Skinner) :

        સ્કિનરનું આખું નામ બુરહસ ફ્રેડરિક સ્કિનર (Burrhus Frederic Skinner) છે. તેમનો જન્મ 20 માર્ચ, 1904 ના રોજ પેન્સિલ્વેનિયા રાજયના સસ્કવેહના નામના ગામમાં થયો હતો. ત્યાં તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું. ન્યૂયોર્કની હેમિલ્ટન કોલેજમાં તેઓએ સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ અંગ્રેજી વિષયમાં કર્યો. કારકિર્દીના શરૂઆતમાં તેમના લે‘ક બનવા માગતા હતા. પરંતુ તેમની મુલાકાત ફ્રેડ એસ કેલરની સાથે થતા તેમણે મનોવિજ્ઞાન વિષયમાં રસ જાગ્યો હતો.

        1930 માં સ્કિનર મનોવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી. અને તેજ વર્ષે તેઓએ ‘પ્રતિક્ષિપ્ત ક્રયાઓ પર સંશોધનપત્ર રજૂ કર્યું. ઉંદરને મળતા ખોરાકની તેમની ઇચ્છાઓ અને પ્રતિક્ષિપ્ત ક્રિયા પરની અસરના અભ્યાસ માટે સ્કિનરને હાર્વર્ડ યુનિવર્સિટીએ 1931 માં પીએચ.ડી.ની પદવી એનાયત કરી હતી. આ વર્ષે જ તેઓ મિનેસોટા યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ થોડા વર્ષો સુધી તેઓ નવા જ રોજગારની તલાશ કરતા રહ્યા. 1945 માં તેઓ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ત્યાં તેઓએ ટીચીંગ મશીનનો વિકાસ કર્યો. 1948 થી 1974 સુધી તેઓએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. 18 ઓગસ્ટ 1990 ના રોજ લ્યુકેમિયાના કારણે તેમનું અવસાન થયું.


કારક અભિસંધાન - સ્કિનર/સાધનભૂત અભિસંધાન (Operant Conditioning or Instrumental conditioning) :-

    સ્કિનરની આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ગણના થાય છે. બુરહાસ ફ્રેડરિક સ્કિનરનો જન્મ પેન્સિલવેનિયા રાજયના સસ્ક વેણના શહેરમાં 1904માં થયો હતો. તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી 1931માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી અને મિનેસોટા તેમજ ઇન્ડિયાની યુનિવર્સિટીમાં તેમજ હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી.

    તેમણે માનવવર્તનનો અભ્યાસ ખૂબ જ ઊંડાણથી કર્યો હતો. તેથી તેઓ વર્તનવાદી (Behaviourist) મનોવિજ્ઞાની તરીકે સુપ્રસિદ્ધ થયા. તેમણે 15 જેટલાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમાં science of Human Behaviour નામનું પુસ્તક અતિ પ્રસિદ્ધ છે. તેમના અભ્યાસો અને પ્રયોગો મુખ્યત્વે પ્રાણીઓની તાલીમ, શિક્ષણ તેમજ બાળઉછેર પર કેન્દ્રિત રહ્યા છે.

    સ્કિનરનાં મંતવ્ય મુજબ જ્યાં કોઈ પ્રતિચાર અવલોકી શકાય તેવા હોય ત્યાં સરળ અધ્યયનને સમજવા માટે શાસ્ત્રીય અભિસંધાન પૂરતું નથી. આપણાં મોટા ભાગનાં વર્તનો તે પ્રકારનાં હોતાં નથી. વાંચવું, બોલવું, ચાલવું આ ક્રિયાઓ વર્તનોને શાસ્ત્રીય અભિસંધાન દ્વારા સમજાવી શકાય નહીં. આથી સ્કિનને પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન દ્વારા જુદો પડતો કારક અભિસંધાનનો (Operant conditioning or instrumental conditioning)નો સિદ્ધાંત રજૂ કર્યો. આ સિદ્ધાંતને સાધનભૂત અભિસંધાન અથવા ક્રિયા પ્રસ્તુત પણ કહેવામાં આવે છે.

    સ્કિનરને પાવલોવના ઉત્તેજક નહીં તો પ્રતિચાર નહીંના સૂત્રમાં વિશ્વાસ નથી. ઉત્તેજક યા ઉદ્દીપકની હાજરીને સ્કિનર અનિવાર્ય ગણતો નથી. પાવલોવ અવેજીરૂપ ઉદ્દીપકની હાજરી અનિવાર્ય ગણે છે, જયારે સ્કિનર સુદંઢક (બદલા)ની હાજરી અનિવાર્ય ગણે છે. સ્કિનરના મત મુજબ પ્રતિચારની વારંવારિતા ઉદ્દીપકને કારણે નહીં પણ ક્રિયા દ્વારા પ્રાપ્ત થતા સુદઢક (બદલારૂપ ઉદ્દીપક)ને કારણે થાય છે. કારક અભિસંધાનની સંકલ્પના આ રીતે શબ્દબદ્ધ કરી શકાય.

    “જે ક્રિયા (પ્રતિચાર) દ્વારા બદલો મળે તેવી ક્રિયા (પ્રતિચાર)નું જ્યારે સુદૃઢક (બદલારૂપ) ઉદ્દીપકની સાથે જોડાણ થાય ત્યારે તેવી જોડાણ ક્રિયાને અભિસંધાન કહેવાય.” 

    જેમ બિલાડીને પાંજરામાં પૂરો તો બિલાડી આમતેમ આંટા મારશે. પાંજરાની જાળીને નહોર મારશે, પાંજરાના સળિયાને બચકાં ભરશે, પાંજરામાં ખીંટી જેવી (દાંડા જેવી) વસ્તુ હશે તેને નહોર મારી નીચે દબાવવાનો પ્રયાસ કરશે. આ બધી ક્રિયા ઉદ્દીપકો નીચે દબાવવાનો પ્રયાસ કરશે. આ બધી ક્રિયા ઉદ્દીપકો સાથે અનિવાર્યપણે સંકળાયેલી ક્રિયાઓ નથી.બિલાડી પોતે મનમાં ફાવે એ પ્રમાણે આ ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓ અંતઃસ્ફરિત છે. આંતરિક પ્રેરણા અથવા આંતરિક કોઈ ઉદ્દીપકથી થતી આ ક્રિયાઓ છે. એ વાતાવરણના અનિવાર્ય દબાણથી થતી ક્રિયાઓ નથી, ઉલટું એ વાતાવરણ ઉપર કંઈક અસર કરે છે. અંતઃસ્ફરિત રીતે થનારી આ ક્રિયાઓ વાતાવરણ ઉપર કંઈક અસરકારક ક્રિયા કરે છે, Operate કરે છે, માટે સ્કિનર (Skinner) તેને કારક વર્તન કહે છે. કારક ક્રિયાનું પણ કોઈ ઉદ્દીપક સાથે અભિસંધાન થઈ શકે છે. આ પ્રક્રિયાને કારક અભિસંધાન કહે છે.

    પોતાના સિદ્ધાંતને પ્રતિપુષ્ટ કરવા માટે સ્કિનરે કેટલાક પ્રયોગો કર્યા છે. આ પ્રયોગો જોઈએ તે પહેલાં કારક અભિસંધાનની પ્રક્રિયા અને પ્રયોગને સમજવા માટે કેટલીક સંકલ્પનાઓ સમજવી અનિવાર્ય છે. 

કારક અભિસંધાન સંબંધિત સંકલ્પનાઓ :

(1) આણેલાં વર્તનો (કૃત્રિમ વર્તનો) :

    આ એવા પ્રકારનાં વર્તનો છે કે જેને માટે કોઈ જાણી શકાય તેવા અથવા ઓળખી શકાય તેવા ઉદ્દીપકો જવાબદાર હોય છે. જેમ કે લાળનું ઝરવું, હૃદયના ધબકારા વધવા, ભય લાગવો, વાગવાથી હાથ ખસેડી લેવો વગેરે. આવાં વર્તનો જો શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતોમાં અનભિસંધિત યા સાહજિક પ્રતિચારો તરીકે ઓળખવામાં આવે છે.

(2) આપન્ન વર્તનો

    જેમને કોઈ જાણમાં હોય તેવા કે નક્કી કરી શકાય તેવા ખાસ ઉદ્દીપકો સાથે સાંકળી ન શકાય તેવા પ્રકારના વર્તનો છે. જેમ કે ચાલવું, કૂદવું, પરિસ્થિતિમાંથી ભાગી છૂટવું વગેરે. આ વર્તનો ઐચ્છિક યા જાગૃત વર્તનો છે. આવા વર્તનોને માટેનો ઉદ્દીપક અસ્પષ્ટ છે. તેનો હેતુ સ્પષ્ટ અને નિયંત્રિત હોય છે. 


(3) કારક અભિસંધાન

    સ્કિનને વર્તનોનો અભ્યાસ કરતાં અનુભવ્યું કે પ્રાણીઓ કેટલાંક વર્તનો અતિ સ્વાભાવિક અને સાહજિક રીતે કરે છે, જ્યારે આવાં વર્તનોને કુદરતી રીતે જ પ્રતિપોષણ મળે છે ત્યારે તે વર્તન વધુ રૂઢ બને છે. કારક અભિસંધાન એટલે પ્રાણી કોઈ પણ કારણસર વર્તન કરે ત્યારે તે વર્તનને જો પ્રતિપોષણ મળે છે ત્યારે તે વધુ વર્તન વધુ રૂઢ બને છે. અહીં આપન્ન વર્તન અને પ્રતિપોષણ આપનાર ઉદ્દીપક વચ્ચે અભિસંધાન થાય છે. આ અભિસંધાનમાં સાહજિક યા આપન્ન પ્રતિચારક (Operant)નું પ્રતિપોષણ આપનાર ઉદ્દીપક વચ્ચે અભિસંધાન થતું હોવાથી તેને કારક અભિસંધાન કહેવામાં આવે છે. અહીં પ્રાણી વર્તન દ્વારા કંઈક બદલો કે પ્રતિપોષણ પ્રાપ્ત કરે છે. તેનો સાધન તરીકે ઉપયોગ પણ કરે છે. તેથી તે Instrumental Conditioning પણ કહે છે. 

અધ્યયન અને સુદંઢકો (Learning and Reinfercers) :

    સુદઢકો એ એવા ઉદ્દીપકો છે જેના દ્વારા બદલો મેળવી શકાય છે. જો વ્યક્તિને કોઈ કાર્ય બદલ બદલો આપવામાં આવે તો તે બદલારૂપ સુદઢક કહી શકાય. સુદઢકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. 

(I) કોઈ પણ પ્રતિચારોને પ્રબળ બનાવે છે તેને સુદઢક કહે છે. 

(2) સુદઢક એ પ્રબલન છે.

(3) જેના દ્વારા વ્યક્તિની પ્રતિચાર આપવાની ગતિનું પ્રમાણ વધી જાય તેવા પ્રબલનને સુદઢક કહે છે. Any environment event that is programmed as a consequence of a response that can increase the rate of responding is called a reinforcer.”

(4) કોઈ પણ પ્રતિચારને પ્રબળ બનાવવા કે દઢ કરવા માટે જે પુરસ્કાર કે શિક્ષા અપાય તેને સુદઢક કહે છે. 

સુદંઢકોના પ્રકાર :

(1) વિધાયક સુદંઢક યા પુરસ્કાર (Positive reinforcer or award) :

    જે વર્તન કરવાથી પુરસ્કાર યા સારો બદલો મળે તેનું વર્તન કરવા પ્રાણી પ્રેરાય છે. આ પ્રકારની પ્રક્રિયા વારંવાર કરવા પ્રાણીને ઇચ્છા થાય છે. હકારાત્મક સુદઢક પ્રાણીને વારંવાર પ્રતિચાર આપવા પ્રેરે છે. ભૂખ્યા માણસ માટે ખોરાક એ વિધાયક સુદઢક છે.

(2) નકારાત્મક સુદંઢકો (Negative reinforcers) :

    નકારાત્મક સુદઢક પ્રાણીને કે વ્યક્તિને ખરાબ પ્રતિચાર આપતાં અવરોધે છે. જો વિદ્યાર્થી ધૂમ્રપાન કરતો હોય અને તેને તેનાં મિત્રો અલગ પાડી દે છે તો તે ધૂમ્રપાન કરવાનું બંધ કરે છે. માતા-પિતા નારાજ ન થાય તે માટે વિદ્યાર્થી ગૃહકાર્ય કરવા બેસી જાય છે. નકારાત્મક સુદઢકો અમુક પ્રતિચારો આપતાં રોકે છે. 

(3) શિક્ષા (Punishment) :

    નિષેધક સુદઢક અને શિક્ષા બંનેમાં સૂક્ષ્મ તફાવત છે. નિષેધાત્મક સુદઢક વ્યક્તિને વર્તન કરતાં રોકે છે. એટલે તે પ્રતિચાર પહેલાંની પ્રક્રિયા છે. જેમ કે, વિદ્યાર્થી તોફાન કરે છે તો શિક્ષક તેને શિક્ષા કરે છે. આ શિક્ષા થયા પછી તે તોફાન કરવાનું માંડી વાળે છે. શિક્ષાના ભયથી તોફાન ન કરે તે નિષેધાત્મક સુદઢક છે. પરંતુ તે તોફાન કરે, શિક્ષા થાય અને ત્યાર બાદ તોફાન ન કરે તો પ્રતિચાર થયા પછીનો સુદઢક કહેવાય.


સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગો :

    સ્કિનને કારક વર્તનનાં અવલોકનો માટે પ્રાણીઓ પસંદ કર્યા છે. તેના અભ્યાસના પાત્રો તરીકે પ્રાણીઓનો વધુ ઉપયોગ થયો છે. તેણે કારક વર્તન અને સુદઢકો વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે કબૂતર અને ઉંદરને પસંદ કર્યા છે. જે નીચે મુજબ છે.

(1) કબૂતર પરના પ્રયોગ :

    સ્કિનરે કબૂતર પર કરેલા પ્રયોગમાં કબૂતરને ભૂખ્યું રાખવામાં આવ્યું હતું અને તેને નિયત અવકાશવાળી લંબચોરસ પેટીમાં રાખવામાં આવ્યું, તેમાં ચાંચ મરવાની જગ્યા, ખોરાક મેળવવાની જગ્યા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. લંબચોરસ પેટીમાં એક બાજુ આહારકોષ રાખવામાં આવ્યો હતો જો આહારકોષની ઉપરની બાજુએ રાખવામાં આવેલી ગોળાકાર ચાવી દબાય તો આહાર કોષમાંથી તરત જ ખોરાક મળે છે. ખોરાક મેળવવા કબૂતરે આમ તેમ ચાંચ મારવાના પ્રત્નો કરે છે. આમ કરતાં-કરતાં એકવાર આકસ્મિક રીતે તેણે ગોળાકાર ચાવી પર ચાંચ મારતાં ચાવી દબાઈ ગઈ તેના પરિણામે આહારકોષમાં રાખેલ ખોરાક તે પામી શક્યું. આ પ્રકારના સફળ પ્રતિચાર પછી કબૂતરને વારંવાર ચાંચ મારીને ચાવી દબાવવાની ક્રિયા કરી તેને ખોરાક ફરીથી પ્રાપ્ત થયો. આથી કબૂતરની ચાંચ મારવાની વારંવારિતાના પરિણામે બદલારૂપ ખોરાક મળે છે. આથી ચાંચ મારવાની ક્રિયા વારંવારિતા (Frequency) વધતી જાય છે. આમ, કહી શકાય કે કબૂતરની ચાંચ મારવાની વારંવારિતાના પરિણામે બદલારૂપ ખોરાક મળે છે આથી ચાં માગહક્રિયા (બદલો મળવાની ક્રિયા) અને ખોરાકની પ્રાપ્તિ (સુદઢક - બદલારૂપ ઉત્તેજક) વચ્ચે અભિસંધાન થાય છે. આમ, પરિસ્થિતિનું પુનરાવર્તન થતાં આપન્ન પ્રતિચાર (ચાંચ મારવી) અને સુદઢક (ખોરાક) વચ્ચે અભિસંધાન થાય છે, આ કારક અભિસંધાન છે.


(2) ઉંદર પરનો પ્રયોગ :

    સ્કિનરે ઉંદર પર કરેલા પ્રયોગમાં ઉંદરનું વજન તેના મૂળ વજનથી 50% જેટલું થાય ત્યાં સુધી તેને ભૂખ્યું રાખવામાં આવ્યું. ત્યાર બાદ તેને એક પેટીમાં મૂકવામાં આવ્યું, જેમાં એક હાથો અને ખોરાક માટેના કપની વ્યવસ્થા કરવામાં આવી હતી. પેટીમાં તેને થોડા સમય કંઈ પણ કર્યા વગર રહેવા દેવામાં આવ્યો. પેટીની રચનામાં એક બાજુ પર દબાવી શકાય તેવો એક સળિયો ગોઠવવામાં આવ્યો. જો સળિયો દબાય તો તેની સામેના કાણામાંથી ખોરાકની ગોળી (Pallet) બહાર આવી જાય છે. ભૂખ્યો ઉંદર પેટીમાં આમ-તેમ ફરવા લાગે છે. અચાનક એક વાર ઉંદરને સળિયા પર પગ મૂકતાં સળિયો દબાયો અને કાણામાંથી ખોરાકની ગોળી બહાર પડી. આમ, એકવારના સફળ પ્રતિચાર પછી ધીમે ધીમે સળિયો દબાવવાની ઉંદરની ક્રિયા વધતી ગઈ.

        આમ, પ્રયોગમાં સળિયો દબાવવાની ક્રિયા અને ખોરાક પ્રાપ્તિ વચ્ચે અભિસંધાન થયું. સળિયો દબાવવાની ક્રિયા અને ખોરાક પ્રાપ્તિ વચ્ચે ક્રિયા અને પરિણામનો સંબંધ સ્થાપિત થયો. આથી આ ક્રિયા પ્રસૂત અભિસંધાન કહે છે.

    જો બદલો આપવાનું બંધ કરી દેવામાં આવે તો અભિસંધાન નાબૂદ થાય છે. આને નિરભિસંધાન (deconditioning) પણ કહે છે. પ્રયોગ પરથી ફલિત થાય છે. જો કબૂતરને ગોળ ચાવી દબાવવાથી ખોરાક ન મળે અને ઉંદરને સળિયો દબાવવાથી ખોરાક ન મળે તો ગોળ ચાવી દબાવવાની અને સળિયો દબાવવાની ક્રિયા ક્રમશઃ ઘટતી જાય છે અને ત્યાર બાદ સંપૂર્ણ બંધ થઈ જાય છે. જો કે થોડે થોડે વખતે ખોરાક પૂરો પાડવાથી અભિસંધાન ચાલુ રહે છે. સ્કિનર આને આંશિક સુદંઢક કહે છે. 


કારક અભિસંધાન સિદ્ધાંતનું મૂલ્યાંકન :

  • સ્કિનર પાવલોવથી પણ એક ડગલું આગળ જઈને આપન્ન પ્રતિચારોનું અભિસંધાન કરીને પ્રાણીનાં અનેક પ્રકારનાં સામાન્ય વર્તનોનું કારક અભિસંધાન દ્વારા ઘડતર થઈ શકે છે. 
  • આ સિદ્ધાંતનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે અને બાળઉછેર જેવા ક્ષેત્રોમાં સહેલાઈથી થઈ શકે છે. 
  • સુદઢીકરણ પત્રકો સ્કિનરનું આગવું પ્રદાન છે.
  • અભિસંધાનમાં ગૌણ ઉદ્દીપક પણ અસરકારક છે તેવું દર્શાવી પ્રાણીઓ અને મનુષ્યો પાસે ગૌણ ઉદ્દીપકો વડે વર્તન કરાવવા માટે કરકસરયુક્ત રસ્તો બતાવ્યો છે.
  • શિક્ષણ ક્ષેત્રે શૈક્ષણિક ટેક્નોલોજી આધારિત અભિક્રમિત અધ્યયન અને ટીમ ટીચીંગ એ આ સિદ્ધાંતનું મહત્ત્વનું પ્રદાન છે.
  • બાળકોના સંવર્ધન અને વિકાસ માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક પારણું તૈયાર કરાવ્યું કે માતાપિતા માટે ઉપકારક છે.


કારક અભિસંધાન સિદ્ધાંતની મર્યાદાઓ :

    સ્કિનરે કારક અભિસંધાનના સિદ્ધાંત અનુસાર અભિક્રમિત અધ્યયન, ટીચીંગ મશીન વગેરે ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું હોવા છતાં વર્તનની વારંવારિતા વધે છે. આ બાબત સાચી હોવા છતાં વર્તન માટે સુદઢીકરણ ઉપરાંત સહજવૃત્તિમાં પણ ફાળો હોય છે. આથી તમામ વર્તનોનું ઘડતર સુદઢીકરણ વડે શક્ય બને છે તેવું માનવું વધારે પડતું છે.

    સ્કિનરનાં મંતવ્ય મુજબ વર્તનો યાંત્રિક રીતે થતાં હોય છે. આથી અધ્યયનનાં તર્ક, બુદ્ધિ કે સૂઝની જરૂરિયાત નથી. યોગ્ય ઉદ્દીપક, યોગ્ય સુદઢકો અને યોગ્ય અભિસંધાનથી માણસને જેવો બનાવવો હોય તેવો બનાવી શકાય છે.


કારક અભિસંધાનના શૈક્ષણિક ફલિતાર્થો :

સ્કિનરના કારક (ક્રિયા પ્રસૂત) કે સાધનભૂત અભિસંધાનનાં શૈક્ષણિક ફલિતાર્થ નીચે મુજબ સ્પષ્ટ કરી શકાય. 

  • (1) શાળામાં શિક્ષક દ્વિતીય કક્ષાનાં સુદંઢકોનો ઉપયોગ કરીને અધ્યયન - અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવી શકે છે. શિક્ષક વિદ્યાર્થીઓને ઇનામ, પ્રમાણપત્ર અથવા પ્રશંસાપાત્ર શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. ઘણું સરસ, શાબાશ, very good શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વધુ અધ્યયન માટેની પ્રેરણા પૂરી પાડી શકે.
  • (2) વિદ્યાર્થીઓ પ્રશ્નોના સાચા ઉત્તરો આપે ત્યારે તેમની પ્રશંસા કરીને શાબાશ, ઘણું સરસ, એવા શબ્દોથી બદલો આપીએ તો જવાબ આપવાની ક્રિયાનું સુદઢીકરણ થાય છે.
  • (3) ગૌણ કક્ષાના સુદઢકો-ચહેરાના હાવભાવ, સફળતાની લાગણી વગેરેનો વર્ગશિક્ષણમાં ઉપયોગ કરવો.
  • (4) કારક અભિસંધાન દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત ફેરફારો લાવી શકાય છે. 
  • (5) વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શિક્ષણ શાબ્દિક કે અશાબ્દિક સુદંઢક યોગ્ય રીતે પૂરું પાડી શકે તો તે અધ્યયન અસરકારક બને છે.
  • (6) વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થી પોતાની શક્તિને અનુરૂપ પ્રગતિ કરી શકે તે માટે Teaching Machine અને અભિક્રમિત અધ્યયનનો ઉપયોગ કરવામાં આવે છે.
  • (7) શિક્ષા કે દંડ જેવા નકારાત્મક સુદંઢકોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. યોગ્ય પ્રતિચારે પ્રતિપુષ્ટિ આપવી અને અનુચિત પ્રતિચારને પ્રતિપુષ્ટિ આપવાનું ટાળવું એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી વિદ્યાર્થી મહત્તમ સફળતા પ્રાપ્ત કરે.
  • (8) સફળ પ્રતિચાર વિદ્યાર્થીને વારંવાર ક્રિયા કરવા તરફ પ્રેરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષક મૂલ્યાંકન કસોટીઓના સાચા જવાબની તરત જ જાણ કરે તો તરત થતી જાણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે.
  • (9) અભિસંધાન વડે વિદ્યાર્થીની અંધશ્રદ્ધા કે ભયની લાગણી દૂર કરી શકાય છે. 
  • (10) વિદ્યાર્થીઓને સુયોગ્ય અનુભવો પૂરા પાડીને સારી અધ્યયન ટેવો વિકસાવી શકાય છે. 
  • (11) કારક અભિસંધાન દ્વારા સમાજ, વ્યક્તિ કે દેશ પ્રત્યે પ્રેમ કેળવી શકાય છે.






12 સ્કિનરનો કારક અભિસંધાન અધ્યયન સિદ્ધાંત


12.0 પ્રસ્તાવના 12.1 સ્કેિનરનો પરિચય 12.2 કારક અભિસંધાન - સ્કિનર/સાધનભૂત અભિસંધાન 12.3 કારક અભિસંધાન સંબંધિત સંકલ્પનાઓ 12.4 સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગો 12.5 કારક અભિસંધાન સિદ્ધાંતનું મૂલ્યાંકન 12.6 કારક અભિસંધાન સિદ્ધાંતની મર્યાદાઓ 12.7 કારક અભિસંધાનના શૈક્ષણિક ફલિતાર્થો


About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

1 ટિપ્પણી

  1. Good
आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.