"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

વ્યક્તિત્વ//Personality

વ્યક્તિત્વ

વ્યક્તિત્વ Personality

પ્રસ્તાવના :

        આપણે ત્યાં વ્યવહારૂ જીવનમાં ઘણી વખત વ્યક્તિત્વ શબ્દનો પ્રયોગ કરતાં હોઈએ છીએ. વ્યક્તિત્વ શબ્દ પ્રથમ દૃષ્ટિએ શારીરિક દેખાવ સાથે સંકળાયેલો હોય તેમ લાગે છે. ઘણી વખત આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે માનસીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી, આકર્ષક અને સામેની વ્યક્તિ પર સારી છાપ પાડે તેવું એટલે કે અન્યના માનસ પર છવાયેલું માલૂમ પડે છે. તેથી પ્રથમ દૃષ્ટિએ વ્યક્તિત્વ શબ્દ સાંભળતાં જ વ્યક્તિની શારીરિક પ્રતિભા આપણી સમક્ષ ઉપસી આવે છે. વ્યક્તિત્વ શબ્દ શારીરિક દેખાવ સાથે સંકળાયેલો હોય એમ લાગે છે. સાથોસાથ તે વ્યક્તિના ગુણો સાથે પણ સંબંધિત હોય એમ ભાસે છે. 

    “પ્રભાવશાળી વ્યક્તિત્વ' શબ્દ એવા બાહ્ય લક્ષણોનું સૂચન થાય છે કે તે વ્યક્તિના ગુણો, સ્વભાવ, જ્ઞાન અને રસ સાથે સંકળાયેલો શ્રેષ્ઠતાનો સંબંધ સૂચવે છે. જયારે કેટલાક લોકો વ્યક્તિત્વમાં અમુક ગુણોનો સમાવેશ કરે છે. જયારે કેટલાક લોકો અનેક અસ્પષ્ટ ગુણોનો સંગ્રહ માને છે. સામાન્ય વ્યવહારના અર્થમાં શારીરિક બાંધા જેવી ભૌતિક બાબતો અને અન્ય વ્યક્તિઓ સાથેના વર્તન અને વ્યવહાર જેવી ક્રિયાત્મક બાબતનો સમાવેશ થાય છે. પોતાની વાક્છટા દ્વારા પોતાનું ધાર્યું કામ કઢાવી લેનાર અને અન્યને પોતાની સાથે સહમત કરી શકનાર તેમજ સામેની વ્યક્તિના માનસ પર પોતાનો પ્રભાવ ઉભો કરી, પોતાની વિશિષ્ટ છાપ ઉભી કરનાર વ્યક્તિને આપણે પ્રભાવશાળી કે શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. 

વ્યક્તિત્વ Personality


    આથી પ્રભાવ કે છાપ ન પાડી શકનાર, અન્ય સાથે કોઈ વિશેષ પ્રકારનો વ્યવહાર ન કરી શકનારને વ્યક્તિત્વહીન વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. પરંતુ વ્યક્તિત્વના ઉપરોક્ત અર્થને મનોવિજ્ઞાન સમર્થન આપતું નથી. તેથી વ્યક્તિત્વનાં સાચા અર્થને મનોવૈજ્ઞાનિક આધાર સહ સમજીએ.


વ્યક્તિત્વનો અર્થ : 

    વ્યક્તિત્વ માટે અંગ્રેજી Personality શબ્દ વપરાય છે. જે મૂળ લેટિન શબ્દ “Persona” ઉપરથી ઉતરી આવ્યો છે અને એનો અર્થ થાય છે “to sound through'. અંગ્રેજીમાં મહોરું (Mask) પહેરીને બોલતા અભિનેતા માટે આ શબ્દસમૂહ વાપરવામાં આવે છે. તેથી એમ કહેવાય છે કે વ્યક્તિત્વ (Personality)નો સાચા અર્થમાં મહોરું અથવા બાહ્યસ્વરૂપ સાથે સંબંધ છે. ત્યાર બાદ ઇસુની અગિયારમી સદીની આસપાસ અર્થ વિસ્તરીને અભિનેતાના દિદાર સાથે જોડાયો. આ અર્થ અત્યારે વધુ વિસ્તરીને વ્યક્તિમાં અનેક વૈવિધ્યસભર આંતરિક અને બાહ્ય લક્ષણોના ક્રિયાત્મક સમુચ્ચય' તરીકે કરવામાં આવે છે. આ લક્ષણોમાં ટેવો, રસ, ક્ષમતાઓ, વલણો, ભાવો, અનુભૂતિઓ. ગમા-અણગમા, ઇચ્છાઓ, અભિયોગ્યતાઓ, શારીરિક ક્ષમતાઓ, જ્ઞાન, વર્તનો, ઊંચાઈ અને વર્ણથી બનતો દેખાવ, બુદ્ધિ, દૃષ્ટિકોણ વગેરેનો સમાવેશ થઈ શકે.

    કેટલાક લોકો વ્યક્તિ અને વ્યક્તિત્વ એ બંને શબ્દોને સમાનાર્થી ગણે છે, પરંતુ હકીકતમાં ‘વ્યક્તિત્વ એ શબ્દ જટિલ છે. વ્યક્તિત્વ શબ્દ વ્યક્તિ શબ્દમાંથી નિષ્પન્ન થયો છે. આથી વ્યક્તિત્વ એટલે વ્યક્તિમાં રહેલા એવા ગુણોનો સમૂહ કે જે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડે છે. આ ગુણો આંતરિક કે બાહ્ય હોઈ શકે. વળી, કેટલાંક તેને જન્મજાત માને છે. આમ, વિદ્વાનો તેમજ મનોવૈજ્ઞાનિકોમાં વ્યક્તિત્વ શબ્દની સંકલ્પના વિશે ગૂંચવાડો પ્રવર્તે છે. તેથી વ્યક્તિત્વ' શબ્દને જુદા જુદા બે દૃષ્ટિકોણોથી સમજીએ. 

ભારતીય દષ્ટિકોણ :

    ભારતીય તત્ત્વચિંતકોએ પ્રાચીનકાળથી જ વ્યક્તિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. કપિલ મુનિએ પોતાના સાંખ્યશાસ્ત્રમાં વ્યક્તિત્વના ત્રણ ગુણોનો નિર્દેશ કર્યો છે. તેઓના મતે વ્યક્તિત્વમાં સત્ત્વ, રજસ અને તમન્ના ગુણોનો સમાવેશ થાય છે. પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણેય ગુણો ભિન્ન ભિન્ન માત્રામાં જોવા મળે છે. કેટલીક વ્યક્તિમાં સત્ત્વગુણનું તો કેટલાકમાં રજો ગુણનું પ્રાધાન્ય હોય છે. તો કેટલીક વ્યક્તિઓ તમોગુણી જોવા મળે છે. જે વ્યક્તિમાં જે ગુણનું પ્રાધાન્ય વધુ હોય તેવું તેનું વ્યક્તિત્વ હોય છે. આપણા શાસ્ત્રમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયમાં આ ત્રણ ગુણોનું આરોપણ કરવામાં આવ્યું છે. તેમાં ભગવાન વિષ્ણુને સત્ત્વગુણી, બ્રહ્માજીને રજોગુણી અને ભગવાન શિવને તમોગુણી તરીકે વર્ણવ્યા છે.

    પ્રાચીનગ્રંથશિરોમણી શ્રીમદ્ ભગવદ્ ગીતાના 14માં અધ્યાયમાં પણ વ્યક્તિત્વના આ ગુણોનું રોચક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ભારતીય આયુર્વેદશાસ્ત્રમાં વ્યક્તિત્વનાં નીચેનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. 

"समदोषः समाग्निश्च समधातुमल क्रियः प्रसन्नात्मान्द्रियमनाः ।" 

(1) समदोष:   : શરીરમાં રહેલાં વાત, પિત્ત અને કફ જેવા દોષોની સંતુલિત અવસ્થા. 

(2) समाग्निश्चा  : જઠરાગ્નિનું સંતુલન 

(3) समधातु:   : શરીરમાં રહેલાં રસ, લોહી વગેરે ધાતુઓનું સંતુલન એટલે કે સપ્રમાણતા ઓછી માત્રામાં નહીં અને વધારે માત્રામાં પણ નહીં. 

(4) सममल     : મળ, મૂત્ર, પરસેવો વગેરે જેવાં ઉત્સર્ગ દ્રવ્યનું સંતુલન. 

(5) समक्रिय    : શારીરિક અને માનસિક ક્રિયાઓ વચ્ચેનું સંતુલન. 

(6) प्रसंनात्मान्द्रियमाना:   : આત્મા, ઇન્દ્રિય તથા મનની પ્રસન્નતા 

જે વ્યક્તિમાં ઉપરોક્ત બધાં જ ગુણો (લક્ષણો) હોય તેને પૂર્ણ વ્યક્તિત્વશાવી વ્યક્તિ માનવામાં આવે છે.

પાશ્ચાત્ય દૃષ્ટિકોણ :

    પાશ્ચાત્ય દૃષ્ટિકોણ અનુસાર વ્યક્તિત્વ એટલે કે Personality શબ્દ મૂળ લેટિન શબ્દ Personaપર્સેના ઉપરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે નકાબ, મહોરું, માસ્ક (mask). પ્રાચીન સમયમાં રંગમંચ ઉપર નાટક ભજવતાં મહોરું પહેરીને પાત્રો રંગમંચ પર આવતા અને જે તે પાત્ર ભજવીને આ મહોરા ઉપરથી અભિનેતા કે કલાકાર ક્યું પાત્ર ભજવે છે તે જાણી શકાતું. આ દષ્ટિએ દુનિયાના રંગમંચ પર વ્યક્તિ સમાજમાં જે પાત્ર ભજવે છે તે તેનું વ્યક્તિત્વ બને છે. આમ, વ્યક્તિત્વ એ વ્યક્તિએ સમાજમાં પોતાનું પાત્ર ભજવતાં પહેરેલું મ્હોરું,

    સમયના પ્રવાહના પરિવર્તન સાથે Persona શબ્દોની અર્થવ્યંજના પણ બદલાઈ ગઈ. ઇ.સ. પૂર્વેની પ્રથમ શતાબ્દિમાં રોમના પ્રસિદ્ધ લેખક અને કૂટનીતિજ્ઞ Cicero એ તેનો પ્રયોગ ચાર અર્થોમાં કર્યો, જે નીચે મુજબ છે.

(1) વ્યક્તિત્વ એટલે એક વ્યક્તિ બીજાને જેવી દેખાય છે તેવી વાસ્તવમાં હોતી નથી. 
(2) વ્યક્તિત્વ એટલે વ્યક્તિની વિશેષતા કે સન્માન.
(3) વ્યક્તિત્વ એટલે વ્યક્તિના એવા ગુણોનું સંકલન જે મનુષ્યને તેના કાર્યને યોગ્ય બનાવે છે. 
(4) વ્યક્તિત્વ એટલે એવી વ્યક્તિ જે તત્ત્વજ્ઞાની જેવું કાર્ય કરે.

    આમ, ઇશુની પ્રથમ શતાબ્દીથી 13મી શતાબ્દી સુધી Persona શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થતા રહ્યા છે. 14મી સદીમાં વ્યક્તિના વિશિષ્ટ ગુણોના ઉલ્લેખ માટે યોગ્ય શબ્દની જરૂર ઉભી થતા Personaને બદલે Personality શબ્દ ઉપયોગમાં લેવાયો.

    વ્યક્તિત્વની સર્વસામાન્ય વ્યાખ્યા આપવી મુશ્કેલ છે છતાં ઘણાં મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વની વ્યાખ્યાઓ આપવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ વ્યાખ્યાઓમાં ભિન્નતા જોવા મળે છે તેનું કારણ એ છે કે વ્યક્તિની જે બાબત તેમને વધુ સ્પર્શતી હોય તેના આધારે તેઓ વ્યક્તિત્વની વ્યાખ્યાઓ આપતા હોય છે. વ્યક્તિત્વ વ્યક્તિના માત્ર શારીરિક કે માનસિક ગુણોનો સમન્વય નથી. મનોવિજ્ઞાનીઓના મંતવ્ય અનુસાર વ્યક્તિત્વ માનવના ગુણો, લક્ષણો, કામનાઓ અને વિશિષ્ટતાઓનો સુગ્રથિત એકમ છે. મનોવિજ્ઞાનીઓ બધા લક્ષણોનો સુગ્રથિત એકમ નહીં પણ ગુણો, લક્ષણો, ક્ષમતાઓ અને વિશેષતાઓનું ગતિશીલ સંગઠન અને એકીકરણ છે તેમ માને છે.


વ્યક્તિત્વની વ્યાખ્યાઓ :

વ્યક્તિત્વની સંકલ્પના વધુ જટિલ બની છે, હવે તેની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. 

(1) “વ્યક્તિત્વની સંકલ્પના જટિલ પરંતુ એકીકરણની પ્રક્રિયા છે કે જે પ્રાયોગિક મનોવિજ્ઞાનનું પ્રદાન છે.

” “The concept of personality as a complex but unified process is a contribution of empirical psychology." - Thorpe & Schmuller 

(2) વ્યક્તિત્વ મનુષ્યની આદતો, વલણો અને વિશિષ્ટ ગુણોનો સમૂહ છે, જે જૈવિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક પરિબળોના સંયુક્ત કાર્યથી પ્રગટ થાય છે. 

“Personality is the organisation of person’s habit attitudes and traits and arises from the interplay of biological, social and cultural factors.” • Biesanj and Biesanj

(3) વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન. 

“Personaltiy is the balance between, socially approved and disapproved traits.” • Rex Rock

(4) વ્યક્તિત્વ એ વિકાસના કોઈ પણ તબક્કે મનુષ્યનું સંપૂર્ણ માનસિક સંગઠન છે. 

“Personality is the entire mental organisation of a human being at any stage of his development." Warren

(5) “સમાજના સાથી સભ્યોની દષ્ટિએ સ્પષ્ટ થતું વ્યક્તિના સંગઠિત વર્તનનું સમગ્ર ચિત્ર એટલે માણસનું વ્યક્તિત્વ.”

“A man's personality is the total picture of his organised behaviour, especially as it can be characterised by his fellow men in a consistent way.” • Dashiell

(6) ‘વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિચારો, આવિષ્કારો, વલણો, રસો, તેની આગવી વર્તનશૈલી અને જીવન ફિલસૂફીના આ બધા દ્વારા પ્રગટ થતું સમગ્ર સ્વરૂપ.”

Personality can be broadly defined as the total quality of an individual's behaviour as it is revealed in his habits of thought and expression his attitudes and interest his manner of acting and his personal philosophy of life.”Woodworth

(7) ‘વ્યક્તિત્વ શબ્દનો પ્રયોગ વ્યક્તિના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક ગુણોના સુસંગઠિત અને ગત્યાત્મક સંગઠન માટે કરવામાં આવે છે. જેનું પ્રદર્શન વ્યક્તિ પોતાના સામાજિક જીવનમાં અન્ય વ્યક્તિઓ સાથેના આદાન-પ્રદાન કરે છે.” 

Personality is a term used for integrated and dynamic organisation of physical, mental moral and social qualities of the individuals as that manifests itself to other people, in the give and take of social life.”

• Drever

8) “વ્યક્તિત્વને વ્યક્તિનાં મનોશારીરિક બંધારણો, વર્તનપ્રકારો, રસો, વલણો, સામર્થ્ય તેમજ તેની શક્તિઓનું લાક્ષણિક સંગઠન એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય.”

Personality may be defined as the chracteristic intergration of individual's structures, modes of behaviour, interests, attitudes, abilities and attitudes.” • N. H. Munn

“Psychology The fundamentals of human adjustment.

(9) વ્યક્તિત્વ એ વ્યક્તિની સંપૂર્ણ વર્તનતરાહ, તેની લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓની સમગ્રતાનો ઉલ્લેખ કરે છે.”

Personality refers to whole behavioural pattern of an individual to the totality of its characteristics.

• Bigge and Hunt

(10) કોઈ પણ એક પળે કોઈ મનોવૈજ્ઞાનિક કોઈ વ્યક્તિના વર્તનની સર્વ વિગતોને સર્વોત્કૃષ્ઠ સ્વરૂપમાં રજૂ કરી શકે છે તે તેનું વ્યક્તિત્વ.

• મેકલેલેન્ડ

(11) વ્યક્તિત્વ એ વ્યક્તિની મનોશારીરિક રચનાઓનું ગતિશીલ સંગઠન છે, જે વાતાવરણ સાથે સમાયોજન સાધે છે.

Personality is the dynamic organisation within the individual of those psycho-physical systems that determine his unique adjustment to his environment.

(12) વ્યક્તિત્વ એ કોઈ વ્યક્તિને તેના જૂથની અન્ય વ્યક્તિઓથી જુદી પાડતી ટેવો, વલણો અને લાગણીઓની સુસંગઠિત વ્યવસ્થા છે.

• શોબેન

(13) કોઈ પણ એક પળે કોઈ મનોવૈજ્ઞાનિક કોઈ વ્યક્તિના વર્તનની સર્વ વિગતોને સર્વોત્કૃષ્ઠ સ્વરૂપમાં રજૂ કરી શકે તે છે તેનું વ્યક્તિત્વ.

• મેકલેલેન્ડ

(14) “વ્યક્તિત્વ એટલે વ્યક્તિ જેમાંથી પસાર થઈ રહી છે એવી બધી જ વિકાસાત્મક પ્રક્રિયાઓનો સંપૂર્ણ અને વ્યવસ્થિત સમન્વય.”• મેરી અને મેરી

(15) વ્યક્તિત્વ એ વ્યક્તિની સમગ્ર અસ્મિતાનો તેના પ્રતિભાવો, વર્તનતરેહનો, પ્રતિચારો તથા અન્ય વ્યક્તિઓ દ્વારા તેને મળતી સ્વીકૃતિ કે અસ્વીકૃતિનો નિર્દેશ કરે છે, વ્યક્તિત્વમાં વ્યક્તિનું શારીરિક બંધારણ અને દેખાવ, ઊર્મિતંત્ર, કૌશલ્યો, રસો અને અભિરૂચિઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, આશંકાઓ, લાગણીઓ અને વલણો, આદતો અને જ્ઞાન એ સર્વનો સમાવેશ થાય છે. વ્યક્તિત્વની સંકલ્પનામાં વર્તમાનમાં વ્યક્તિ કેવી છે તેનો જ માત્ર નહીં પરંતુ ભૂતકાળમાં તે કેવી હતી અને ભવિષ્યમાં તે કેવી હશે તેનો પણ સમાવેશ થાય છે. આમ, વ્યક્તિત્વ સ્થગિત નહીં પણ ગતિશીલ વિભાવના છે.

 • બર્નાર્ડ

    ટૂંકમાં, ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી કહી શકાય કે વ્યક્તિત્વ એ વ્યક્તિનો બાહ્ય દેખાવ, તેની જન્મજાત તથા અર્જીત વૃત્તિઓ, તેનાં રસ-રૂચિ, તેનાં મૂલ્યો, તેની ટેવો, તેના આદર્શો અને તેની વર્તનતરાહ આ બધાની સમગ્રતા છે, જેમાંથી વ્યક્તિની આગવી ઓળખ અને આગવો “સ્વ” જન્મે છે. આ “સ્વ' માનવને અન્ય વ્યક્તિઓથી અલગ તારવી આપે છે અને તેને પ્રતિભા બક્ષે છે. આ વ્યાખ્યાઓ વ્યક્તિત્વનું સ્વરૂપ નીચે મુજબ સ્પષ્ટ કરે છે.


વ્યક્તિત્વનું સ્વરૂપ :

  • (1) વ્યક્તિત્વ એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું લાક્ષણિક, નિરાળું અને સંપાદિત સંયોજન છે. 
  • (2) વ્યક્તિત્વ એ વ્યક્તિની મનોશારીરિક રચનાઓનું ક્રિયાત્મક સંગઠન છે. તે સમાજ સાથે સમાયોજન સાધે છે.
  • (3) વ્યક્તિત્વ એ સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન છે. 
  • (4) વ્યક્તિત્વ એ બીજાઓની નજરે વ્યક્તિની વર્તનતરાહનું સમગ્ર ચિત્ર છે.
  • (5) વ્યક્તિત્વ એ મનુષ્યની ટેવો, માન્યતાઓ અને વિશિષ્ટતાઓનો સમુચ્ચય છે. 
  • (6) વ્યક્તિત્વ એટલે એક વ્યક્તિની પ્રતિકૃતિ વ્યક્તિત્વની દષ્ટિએ ભાગ્યે જ બીજી વ્યક્તિમાં જોવા મળે છે. 
  • (7) વ્યક્તિત્વ એ વ્યક્તિની વિશિષ્ટ આદતોનો માનસિક લક્ષણોનો કે શારીરિક પરિવર્તનોનો સરવાળો માત્ર નથી, પરંતુ તેની વિશિષ્ટતાઓનું સંગઠન અને દઢીકરણ છે.
  •  (8) વ્યક્તિત્વ એ વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિઓનું એક વિશિષ્ટ પ્રકારનું પ્રમાણમાં સ્થાયી કહી શકાય એવું સંકલન છે, જે તેને અન્ય વ્યક્તિઓથી અલગ પાડે છે તથા તેના અન્ય સાથેના સમાયોજનને આગવું સ્વરૂપ આપે છે.


વ્યક્તિત્વ પર અસર કરતાં પરિબળો :

    વ્યક્તિના વ્યક્તિત્વનાં ઘડતરમાં આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે છે. વ્યક્તિનું વ્યક્તિત્વ ચિર અને સ્થાયી હોતું નથી. વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં આનુવંશિકતા અને વાતાવરણનો પણ ફાળો હોય છે. વ્યક્તિ વાતાવરણમાં રહે છે તે વાતાવરણ સાથેની વ્યક્તિની આંતરક્રિયામાંથી તેનું વ્યક્તિત્વ જન્મે છે. આ વ્યક્તિત્વ અસર કરતાં પરિબળો નીચે મુજબના છે :


(1) શારીરિક તત્ત્વો :

વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં શારીરિક તત્ત્વો જેવાં કે રૂપ-રંગ, બાંધો, વજન, કદ અને વાણી વગેરેનો વ્યક્તિત્વ ઘડતર પર અસર થાય છે. આ શારીરિક તત્ત્વો પર વંશપરંપરા અથવા વારસાનો પ્રભાવ પડે છે.


(2) માનસિક તત્ત્વો :

વ્યક્તિત્વ ઘડતર પર માનસિક બાબતો ભાગ ભજવતી હોય છે. વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં બુદ્ધિ, કલ્પના, પ્રત્યક્ષીકરણ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ તથા સ્મૃતિશક્તિ વગેરેનો પ્રભાવ પડે છે. આમાં સૌથી વધુ અસરકારક પરિબળ વ્યક્તિની બુદ્ધિ છે. બુદ્ધિશાળી વ્યક્તિ ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં પોતાનો માર્ગ આપોઆપ શોધી લે છે.


(3) સાંવેગિક તત્ત્વો :

વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં સંવેગો કે લાગણીઓની અસર થાય છે. કોઈ વ્યક્તિ ઉદાસીન હોય અન્ય વ્યક્તિ પર પોતાનો પ્રભાવ પાડી શકતી નથી. પરંતુ કોઈક પ્રસન્ન મુક્તિ વ્યક્તિ આપોઆપ બીજાનાં દિલો-દિમાગને જીતી લે છે. કોઈક વ્યક્તિનું વ્યક્તિત્વ રમૂજવૃત્તિવાળો હોય અન્યની દૃષ્ટિએ આદરપાત્ર બને છે. બાહ્ય વાતાવરણ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસર તેનાં સાંવેગિક તત્ત્વો પર પડે છે.


(4) જાતિભેદ (Sex) :

પુરુષ અને સ્ત્રીના વ્યક્તિત્વની ભિન્ન અસરો જન્મે છે. સ્ત્રીના વ્યક્તિત્વમાં કોમળતા, ઋજુતા, લજ્જા, સંવેદનશીલ તેમજ સહનશીલતા જોવા મળે છે. જ્યારે પુરુષમાં સાહસશીલતા, કઠોરતા, પૌરુષબળ, ગણન કૌશલ્ય વગેરે હોય છે. આથી સમાજમાં બંનેનાં વ્યક્તિત્વો જુદાં તરી આવે છે. 


(5) આનુવંશિકતા (Heredity) :

વ્યક્તિત્વ ઘડતરમાં આનુવંશિક બાબતો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળક વારસા દ્વારા સ્નાયુઓ, સંવેગો, સ્વભાવ, બુદ્ધિ, ગ્રંથિઓ, કાર્યક્ષમતા વગેરે પ્રાપ્ત કરે છે. જેની વ્યક્તિના વ્યક્તિત્વ પર અસર થાય છે.


(6) વાતાવરણ :

    વ્યક્તિત્વ ઘડતર પર વાતાવરણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બાબતનો બધા જ મનોવૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યો છે. વ્યક્તિના વ્યક્તિત્વ પર ભૌતિક વાતાવરણનો પણ પ્રભાવ પડે છે. બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં (1) શાળાનું વાતાવરણ (2) કૌટુંબિક વાતાવરણ (૩) અડોશ-પડોશનું વાતાવરણ (4) મિત્રવર્તુળનો પ્રભાવ પડે છે. કૌટુંબિક વાતાવરણમાં મા-બાપનો પ્રેમાળ સ્વભાવ, ઘરનું તંદુરસ્ત વાતાવરણ, કુટુંબના દરેક સભ્યોનો હકારાત્મક અભિગમ, આજુબાજુનાં સારાં પડોશીઓ, સારા મિત્રોનો સહવાસ, શૈક્ષણિક સંસ્થાઓનું આદર્શ અને વ્યક્તિત્વ વિકાસ માટે પોષકતત્ત્વો પૂરું પાડતું વાતાવરણ. જો બધી બાબતો મળતી હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ આપોઆપ ખીલી ઉઠે છે. અન્યથા વ્યક્તિત્વ રંધાતું હોય છે.


(7) સમાજ :

    મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજમાં જ તેનો જન્મ અને અંત થાય છે. વ્યક્તિના વ્યક્તિત્વનો આધાર તે ક્યા સમાજમાંથી આવે છે તેના પર રહેતો હોય છે. સામાજીકરણનો મુખ્ય આશય વ્યક્તિના સ્વ” (self) અથવા “અહમ્'નો વિકાસ કરવાનો છે. આ “સ્વ” અથવા “અહમ્ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે એકરૂપ બની જાય છે. શરૂઆતમાં બાળક પોતાને અન્ય કરતાં અલગ માને છે. પરંતુ વિકાસ સધાતાં તે સમાજની અન્ય વ્યક્તિઓ સાથે એકત્વ અનુભવવા લાગે છે અને તેનું સામાજિક વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. તંદુરસ્ત સમાજ વ્યક્તિત્વને પોષે છે, જ્યારે દારૂ, જુગાર, આંકફરક, વ્યસનોનું દૂષિત વાતાવરણ સમાજનું હોય તે સમાજ વ્યક્તિત્વ વિકાસ માટે અવરોધક બને છે.


 (8) સંસ્કૃતિ :

    સંસ્કૃતિ એ સંસ્કારોનો સમૂહ છે. સંસ્કૃતિ એ સંસ્કારોનો એવો સમૂહ છે જે માનવને વારસામાં પૂર્વજો તરફથી પ્રાપ્ત થાય છે. સંસ્કૃતિની પરંપરાઓ, પ્રણાલિકાઓ, આદર્શો, નીતિ-નિયમો અને મૂલ્યોની અસર વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતર પર થાય છે. જેવા સાંસ્કૃતિક વાતાવરમાં વ્યક્તિનું સંવર્ધન થાય છે તેવું તેના વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. 


(9) ધર્મ :

    વ્યક્તિના વ્યક્તિત્વ વિકસામાં ધર્મનો પ્રભાવ પણ જોવા મળે છે. જે ધર્મની સારી-નરસી બાબતોની અસર વ્યક્તિત્વ પર પડતી હોય છે. ધર્માધ વ્યક્તિ અન્ય ધર્મ કે ધર્મની વ્યક્તિને સાંખી શકતી નથી.. જ્યારે ધર્મ નિરપેક્ષ વ્યક્તિ આવી બાબતોથી પર હોય છે.


વ્યક્તિત્વના પ્રકારો (Types of Personality)

    પ્રાચીન સમયથી જ વ્યક્તિત્વના પ્રકારોનું વર્ગીકરણ કરવાના વિવિધ પ્રયાસો થયા છે. પશ્ચિમના મનોવૈજ્ઞાનિકો હિપોક્રેટસ, ક્રેશમર, શેલ્ડન, એંજર, થોર્નડાઈક, ટર્મેન, જેમ્સ અને યુગે વ્યક્તિના વ્યક્તિત્વના પ્રકારો આપવાનો પ્રયાસ કર્યો છે.


પ્રાચીન ભારતીય દૃષ્ટિકોણ મુજબ વ્યક્તિત્વના પ્રકાર :

(1) કપિલમુનિની દૃષ્ટિએ વર્ગીકરણ :

કપિલમુનિએ વ્યક્તિત્વની દષ્ટિએ વ્યક્તિઓને ત્રણ વિભાગમાં વિભાજીત કરી છે. 

(1) સત્ત્વગુણી : જે વ્યક્તિમાં સત્ત્વગુણની પ્રધાનતા હોય છે તે સત્વગુણી વ્યક્તિ છે. :

(2) રજોગુણી : જે વ્યક્તિમાં રજગુણની પ્રધાનતા હોય તેવી વ્યક્તિ રજોગુણી વ્યક્તિત્વ ધરાવે છે તેમ કહેવાય.

(3) તમોગુણી : તમસ ગુણનું પ્રાધાન્ય વધુ હોય તેવી વ્યક્તિનું વ્યક્તિત્વ તમોગુણી હોય છે. આ પ્રકારનાં વ્યક્તિત્વનું વિશ્લેષણ અને તેના ગુણધર્મોની ચર્ચા મહર્ષિ વેદવ્યાસે રચેલ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જોવા મળે છે.


(2) વર્ણવ્યવસ્થા અનુસાર વ્યક્તિત્વના પ્રકાર :

ભારતીય સમાજમાં વર્ણવ્યવસ્થા એ સમાજની આધારશીલા હતી. આ વર્ણવ્યવસ્થા કર્મ અને ગુણ પર આધારિત હતી. પાછળથી એ વર્ણવ્યવસ્થા મુજબ વ્યક્તિ ગુણો અને નિયમોને અનુસરતા. આ પરંપરાને કારણે જે ચાર પ્રકારના વ્યક્તિત્વ જોવા મળે છે તે નીચે મુજબ છે.


(1) બ્રાહ્મણ : આ વ્યક્તિમાં ધર્મ, કર્મ, તપ, ત્યાગ, ક્રિયા, કાંડ અને પરોપકારની ભાવના જોવા મળતી અને જેમની રૂચિ અધ્યયન-અધ્યાપનમાં જાગૃત હોય છે.

(2) ક્ષત્રિય : વીરતા, સાહસ, બલિદાન, જોમ-જુસ્સો જેવા ગુણો આ પ્રકારની વ્યક્તિના વ્યક્તિત્વમાં જોવા મળે છે.

(3) વૈશ્ય : જેમના વ્યક્તિત્વનાં સંગ્રહની વૃત્તિ હોય અને જેમનામાં અર્થ ઉપાર્જન, વેપાર વૃત્તિનું પ્રાધાન્ય જોવા મળે છે. 

(4) શુદ્ર : આ પ્રકારના વ્યક્તિત્વમાં સેવાવૃત્તિ, દાસત્વ અને શરણાગતિની વૃત્તિ હોય. 


પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વના પ્રકાર :

વિવિધ ગુણો, લક્ષણો અને દૃષ્ટિકોણના આધારે ઘણા મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વના ચાર પ્રકાર પાડ્યા છે. 

શારીરિક લક્ષણોના આધારે વ્યક્તિત્વ :


હિપ્રોકેટસે ઈ.સ. પૂર્વે 400 અને ડોલને (ઈ.સ. પૂર્વે 150) શારીરિક લક્ષણોને આધારે ચાર પ્રકાર પાડ્યા હતા. જેમાં...

(1) આશાવાદી : આવા પ્રકારની વ્યક્તિના વ્યક્તિત્વમાં આનંદ, ઉત્સાહ, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ, ઝડપી અને ગતિશીલ હોય છે. આવી વ્યક્તિઓમાં રક્તનું પ્રમાણ વધુ હોય છે.

(2) ક્રોધી (આવેગશીલ) : જે વ્યક્તિઓ સહેલાઈથી ગુસ્સાનો ભોગ બને છે અને વધુ ઉગ્ર અને આવેગશીલ હોય છે. તેઓમાં પીળા પિત્તનું પ્રાધાન્ય જોવા મળે છે.

(3) ઉદાસીન : આવી વ્યક્તિ હંમેશાં સ્વભાવે નિરાશાવાદી હોય છે અને નકારાત્મક અભિગમ ધરાવતી હોય છે. આવી વ્યક્તિઓમાં કાળા પિત્તનો વધારો હોય છે. 

(4) મંદપ્રકૃતિ : આવી વ્યક્તિઓ ધીમી પ્રકૃત્તિના, શાંત, આળસુ, નિર્બળ અને ઉત્તેજના વગરના હોય છે. તેઓ સામાન્યતઃ જલદી ગુસ્સે થતી નથી. તેમનામાં કફનું પ્રમાણ વધુ હોય છે.


જર્મન વિદ્વાન ક્રેશમરે પોતાના પુસ્તક “Psysique and Characterમાં શરીરના માળખાને આધારે વ્યક્તિત્વ વર્ગીકરણ :

(1) ગોળમટોળ (મેદપ્રધાન) : 

આ પ્રકારની વ્યક્તિ સ્થળ, ચરબીયુક્ત જાડી, ગોળમટોળ અને ઠીંગણી હોય છે. તે સ્વભાવે મળતાવડી, સહેલાઈથી અન્ય સાથે ભળી જનારી “બહિર્મુખી' પ્રકારની હોય છે. 

(2) હૃષ્ટપુષ્ટ (સ્નાયુપ્રધાન) :

આવી વ્યક્તિ ફૂર્તિલી, ઉત્સાહી, શક્તિશાળી, આક્રમક અને પ્રભુત્વ જમાવનારી હોય છે. તેમની છાતી પહોળી અને ઉપસેલી હોય છે. સ્નાયુઓ પુષ્ટ અને ચહેરો સંતુષ્ટ હોય છે. અન્ય વ્યક્તિ સાથે સહેલાઈથી અનુકૂલન સાધનારી હોય છે. 

(3) શક્તિહીન :

આવી વ્યક્તિ સ્વભાવે અંતર્મુખી, એકાંતપ્રિય, શરમાળ હોય છે. તે લાંબા શરીરવાળો, દુબળોપાતળો, છાતી નાની અને હાથ પાતળા, બીજાની નિંદા કરનારો પરંતુ પોતાની નિંદા સહી શકે નહિ. લઘુતાગ્રંથિ ધરાવતો હોય છે.

(4) સ્થિરબુદ્ધિ :

આવી વ્યક્તિઓમાં અસામાન્યતા જોવા મળે છે. તેમનાં શરીર અસાધારણ છે. અસામાન્યપણામાંથી ઉત્પન્ન થતાં લક્ષણો ધરાવે છે. 


શેલ્ડનનું વર્ગીકરણ :

શેલ્ડન નામના મનોવૈજ્ઞાનિકે માનવશરીરને ત્રણ સ્તરમાં વહેંચ્યું છે. (1) અંતઃસ્તર, (2) મધ્યસ્તર અને (3) બાહ્ય સ્તર. આ ત્રણેય સ્તરમાં જોવા મળતાં લક્ષણોના આધારે વ્યક્તિત્વના ત્રણ પ્રકાર પાડ્યા છે.

 (1) કોમળ :

આવી વ્યક્તિઓનું શરીર કોમળ તેમજ નરમ હોય છે. તેઓ ગોળ શરીર ધરાવે છે. ચરબીનું પ્રમાણ વધારે હોય છે. પાચન અવયવોના પાચન પર તેના ક્ષમતાપૂર્ણ વ્યવહારનો આધાર રહે છે. 

(2) નિર્બળ :

આવી વ્યક્તિ ચારિત્ર્યપ્રધાન હોય છે. શરીર બરડ હોય છે. શક્તિ વગરની દુર્બળ પરંતુ જલ્દીથી ગુસ્સે થનારી હોય છે.

(3) હુષ્ટપુષ્ટ :

આ પ્રકારની વ્યક્તિઓના સ્નાયુ ભરાવદાર અને મજબૂત, જાડી ચામડીવાળા અને વધુ વજનવાળા હોય છે.


સમાજશાસ્ત્રીય વર્ગીકરણ :

એંજરે પોતાના Types of Men નામના પુસ્તકમાં સામાજિક બાબતો, મૂલ્યો, આદર્શોના આધારે વ્યક્તિત્વના પ્રકાર પાડ્યા છે.

(1) સૈદ્ધાંતિક :

આવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ આદર્શ અને સિદ્ધાંતવાદી હોય છે. સત્યના શોધક અને પૂજારી હોય છે. વૈજ્ઞાનિકો અને તત્ત્વજ્ઞાનીઓ આવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હોય છે.

(2) ધાર્મિક :

ધર્મ, આધ્યાત્મિકતા, સેવાભાવ ધરાવનાર વ્યક્તિનું વ્યક્તિત્વ ધાર્મિક પ્રકારનું હોય છે. તેઓ ભગવાનથી ડરીને ચાલે છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ઈશ્વરસાલીનો ખ્યાલ રાખતી હોય છે. 

(3) આર્થિક :

“પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ” આવી વૃત્તિ ધરાવતી હોય છે. જીવનમાં દરેક બાબતોનું આર્થિક દૃષ્ટિએ મૂલ્ય આંકે છે. તે દરેક કાર્યમાં લાભનો વિચાર કરે છે. તેઓમાં વેપારીવૃત્તિ વધુ હોય છે. 

(4) સામાજિક :

મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. સમાજમાં હળી-મળીને રહેવું, સમાજમાં પ્રવૃત્તિશીલ રહેવું, સમાજનું હિત તેનાં હૈયે વસેલું હોય છે. આવી વ્યક્તિઓ પ્રેમાળ તેમજ તેઓમાં દયા અને સહાનુભૂતિના અંશો હોય છે. માનવતામાં શ્રદ્ધા અને સત્ય પ્રત્યેની નિષ્ઠા તેના આગવા ગુણો છે. 

(5) રાજકીય :

તેઓ સત્તા અને અધિકારના શોખીન હોય છે. તેઓ રાજનૈતિક પાસાં પર ચિંતન કરનારા હોય છે. પોતાનું પ્રભુત્વ સ્થાપવા અન્યનું અહિત કરતાં પણ અચકાતા નથી. તેઓ ધાક-ધમકી આપનારા હોય છે.

(6) કલાપ્રેમી :

આવી વ્યક્તિઓ વિવિધ કલાઓમાં રસ ધરાવતી હોય છે. તેઓમાં સૌંદર્યદૃષ્ટિનો વિકાસ થયેલો હોય છે. આવી વ્યક્તિઓ લેખન, સંગીત, ચિત્ર, નૃત્ય વગેરે જેવી કળાઓમાં રસ ધરાવતી અને ખ્યાતિ ધરાવનાર હોય છે. આવી વ્યક્તિઓ જલદી કોઈના પર વિશ્વાસ મુકતી નથી. 


મનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વ વર્ગીકરણ :

મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન પર આધારિત બે રીતે વર્ગીકરણ કર્યું છે. ટર્પેન જેવા મનોવૈજ્ઞાનિક બુદ્ધિને લક્ષમાં રાખીને જ્યારે યુગ નામના મનોવૈજ્ઞાનિકે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના વ્યવહારને ધ્યાનમાં રાખી વર્ગીકરણ કર્યું છે.

(અ) ટર્મેનનું બુદ્ધિલબ્ધિ અનુસાર વર્ગીકરણ :

ટર્મોન નામના મનોવૈજ્ઞાનિકે બુદ્ધિલબ્ધિ અનુસાર વ્યક્તિત્વ વર્ગીકરણ નીચે મુજબ દર્શાવ્યું છે.

પ્રકાર 

બુદ્ધિલબ્ધિ

વર્ગીકરણ

(1)

પ્રતિભાશાળી

140 થી ઉપર

(2)

પ્રખર બુદ્ધિ 

120 થી 140

(3)

તીવ્ર બુદ્ધિ

110 થી 120

(4)

સામાન્ય બુદ્ધિ 

90 થી 110

(5)

મંદ બુદ્ધિ 

80 થી 90

(6)

નિર્બળ બુદ્ધિ 

70 થી 80

(7)

મૂર્ખ 

50 થી 70

(8)

મૂઢ 

25 થી 30

(9)

જડ

25 થી નીચે


(બ) યુગે આપેલ વર્ગીકરણ :

ઇન્ટરનેશનલ સાયકૉએનાલીટીક એસોસિએશનના પ્રમુખપદે રહી ચૂકેલા ફ્રોઈડના શિષ્ય વ્યક્તિની સામાજિક, પરસ્પરના વ્યવહાર આધારે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના વ્યવહાર) વ્યક્તિઓને બે વિભાગમાં તેમના વ્યક્તિત્વ અનુસાર વહેંચવાનો પ્રયાસ કર્યો છે. તેમનું વર્ગીકરણ વ્યક્તિઓને (I) અંતર્મુખી (2) બહિર્મુખી એમ બે વિભાગોમાં વહેંચે છે. મુંગે મનોચિકિત્સાની સારવાર લેવા માટે આવેલા દર્દીઓના વ્યવહારને પણ ધ્યાનમાં રાખ્યો હતો.


(I) અંતર્મુખી વ્યક્તિત્વ ( Introverd Personality):

આવી વ્યક્તિઓના વ્યક્તિત્વનાં લક્ષણો, સ્વભાવ તેમજ અભિરૂચિ બાહ્ય સ્વરૂપે જલદી પ્રગટ થતાં નથી. તેઓ અંતર્મુખી હોય છે. તેમનાં લક્ષણો નીચે મુજબ છે. 

(1) પોતાની જાતને જ મહત્ત્વ આપનારું (સ્વકેન્દ્રી) તેમજ પોતાનામાં જ રસ લેનાર. 

(2) આત્મવિશ્લેષણ કરનાર.

(3) સ્વભાવે એકાંતપ્રિય અને ઓછું બોલનાર. 

(4) સંકોચશીલ 

(5) શંકાશીલ

(6) સ્વભાવે ડરપોક, શરમાળ

(7) લાગણીશીલ (સંવેદનાસભર) 

(8) પુસ્તકો – સામાયિકોનો શોખ ધરાવનાર

(9) સાહસનો અભાવ 

(10) રૂઢિચુસ્ત 

(11) આત્મપ્રશંસાથી દૂર રહેનાર 

(12) તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં રૂચિ ધરાવનારા

(13) શીઘ્રકોપી

(14) દિવાસ્વપ્નમાં રાચનાર 

(15) ચિંતા કરનાર 

(16) વધુ પડતા સજાગ 

(17) નાની – નાની વાતોમાં ખોટું લગાડનાર 

(18) સામાજિક પ્રવૃત્તિથી દૂર ભાગનાર 

(19) અનુકૂલન ન સાધનાર

તત્ત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો, કવિઓ અને સંતો વગેરેનું વ્યક્તિત્વ લગભગ આવું અંતર્મુખી પ્રકારનું હોય છે. 


(2) બહિર્મુખી વ્યક્તિત્વ (Extrovert Personality):

અંતર્મુખી વ્યક્તિત્વના લક્ષણોથી તદ્દન વિરોધી લક્ષણો આ પ્રકારના વ્યક્તિત્વમાં જોવા મળે છે. બહિર્મુખ વ્યક્તિ પોતાની જીવનશક્તિને બહાર લાવવાનો પ્રયાસ કરે છે તેમનાં લક્ષણો નીચે મુજબ છે.

લક્ષણો :

  • સમાજમાં વ્યક્તિઓ સાથે સરળતાથી અનુકૂલન સાધનારી. 
  • સામાજિક સમારંભો અને પ્રસંગોમાં ભાગ લેનાર. 
  • લોકોને સંગઠિત કરવામાં કુશળ તેમજ લોકપ્રિય. 
  • સામાજિક સંબંધોમાં રસ ધરાવનારી. 
  • પ્રભાવશાળી અને પ્રભુત્વ ધરાવનારી. 
  • મિત્રતાપૂર્ણ વ્યવહાર કરનાર. 
  • અખ્ખલિત રીતે બોલનાર તેમજ વાચાળ હોય છે.
  • ઉદાર મતવાદી. 
  • ચિંતામુક્ત, કોઈ પણ જાતનો સંકોચ તેઓમાં હોતો નથી એટલે કે બિન્દાસ હોય છે.
  • નવી-નવી જગ્યાએ જોવા-જાણવાના રસવાળી. 
  • એકાંતને ટાળનાર. 
  • સ્વભાવે અભિમાની અને આક્રમક તેમજ અનિયંત્રિત હોય. 
  • શોખના વિષયો અમર્યાદિત. 
  • પોતાનાં કાર્યો અને દુઃખો તરફ બેપરવા. 
  • શાંત અને આશાવાદી. 
  • મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખનાર. 
  • રમત-ગમતમાં રસ ધરાવનાર. 
  • આત્મપ્રશંસાના ભૂખ્યા 
  • લોકપ્રિયતા તરફ દોડનાર હોય છે. 
  • સતત સક્રિય રહેનાર અને કાર્ય કરવાની પ્રબળ ઇચ્છા ધરાવનાર. 
  • પરિવર્તનના હિમાયતી. 
  • સાહસવૃત્તિ ભારોભાર જોવા મળે. 
  • સારું નેતૃત્વ ધરાવનારી. 
  • નવવિચારને આવકારનારી હોય છે. 
  • તેઓને વીરતાભર્યા કાર્યોમાં રસ હોય છે. 
  • તેઓ વસ્તુલક્ષી હકીકતોથી સરળતાપૂર્વક દોરવાઈ જનારા હોય છે. 
  • તેઓ સામાન્ય રીતે પ્રત્યાઘાતી અથવા રૂઢિચુસ્ત હોય છે. 
  • સહેલાઈથી ક્ષોભ કે મૂંઝવણ અનુભવતા નથી.

(3) ઉભયમુખી વ્યક્તિત્વ (Ambivert Personality) :

    કેટલીક વ્યક્તિઓ એવી છે કે જે અંતર્મુખી પણ નથી હોતી અને પૂર્ણપણે બહિર્મુખી પણ નથી હોતી. આવી વ્યક્તિઓ ઉભયમુખી હોય છે. તેમના વર્તનમાં કેટલીક વાર અંતર્મુખીની જેમ વર્તાવ કરે છે. આમ, તેમનામાં બંને પ્રકારના વ્યક્તિત્વના લક્ષણો હોય છે. એવી વ્યક્તિઓને વિકાસોન્મુખ ઉભયમુખી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક બાબતોમાં તેઓ સમષ્ટિમાં બહિર્મુખી પ્રકારને વધુ મળતા આવે છે. સંપૂર્ણ અંતર્મુખી કે સંપૂર્ણ બહિર્મુખી વ્યક્તિઓ સમષ્ટિમાં ઓછી જોવા મળે છે. સમષ્ટિમાં મોટા ભાગની વ્યક્તિઓ ઉભયમુખી હોય છે.


 વ્યક્તિત્વ સંગઠનના સિદ્ધાંતો (ઓળખ સિદ્ધાંતો) : 

    વ્યક્તિત્વનો અભ્યાસ અનેક રીતે થઈ શકે. પ્રત્યેક વિચારધારા વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાંની સમજ આપવાના પ્રયત્ન કરે છે, જેમાં મુખ્યત્વે વ્યક્તિત્વના પ્રકારોને લક્ષમાં રાખીને વ્યક્તિત્વનાં પાસાંને કે લક્ષણોને ધ્યાનમાં રાખીને અને વ્યક્તિત્વનાં તમામ પાસાં દ્વારા સર્જાતી સમગ્રતાલક્ષી છાપ દ્વારા વ્યક્તિત્વનો અભ્યાસ કરવામાં આવે છે. આમ, વ્યક્તિત્વના નીચે મુજબના મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો જાણીતા છે. 


(1) વ્યક્તિત્વનો પ્રકારલક્ષી સિદ્ધાંત (Type Theory) -

વ્યક્તિત્વના વ્યક્તિગત પ્રકારો શારીરિક બંધારણ અથવા વર્તનશૈલી પરથી પડી શકે. આ ક્ષેત્રમાં હિપોક્રેટસ, શેલ્ડન, એંજર, યુંગ અને ટર્પેન વગેરેના સિદ્ધાંતો જાણીતા છે.

હિપોક્રેટસે વ્યક્તિના સ્વભાવ અને શારીરિક બાંધાને લક્ષમાં લઈને વ્યક્તિત્વ નીચે મુજબના ચાર પ્રકારો પાડ્યા છે.

  • (1) આશાવાદી
  • (2) ક્રોધી
  • (3) ઉદાસીન
  • (4) મંદ પ્રકૃતિ 

જર્મન વિદ્વાન કેશમરે શરીરના માળખાના આધારે ચાર પ્રકારો પાડ્યા છે. 

  • (1) શક્તિહીન કે અસ્થિપ્રધાન 
  • (2) હૃષ્ટપુષ્ટ કે સ્નાયુબદ્ધ 
  • (3) સ્થિરબુદ્ધિ કે અસામાન્ય 
  • (4) ગોળમટોળ કે મેદપ્રધાન 

શેલ્ડને માનવશરીરની તસ્વીરો અને સ્વભાવની સંગ્રહિત માહિતીને આધારે ત્રણ પ્રકાર પાડ્યા છે. 

  • (1) હૃષ્ટપુષ્ટ કે મધ્યસ્તર પ્રધાન 
  • (2) શક્તિહીન કે નિર્બળ કે આંતઃસ્તર પ્રધાન 
  • (3) કોમળ તથા ગોળ શરીરવાળા કે બાહ્યસ્તર પ્રધાન

સ્પ્રેંજર નામના મનોવૈજ્ઞાનિકે વ્યક્તિના જીવનમૂલ્યો અને સામાજિક રીતે વ્યક્તિની કરી છે. આ દષ્ટિબિંદુને ધ્યાનમાં લઈને તેણે વ્યક્તિત્વના છ પ્રકાર પાડ્યા છે. 

  • (1) સૈદ્ધાંતિક 
  • (2) સામાજિક
  • (3) ધાર્મિક
  • (4) આર્થિક 
  • (5) કલાપ્રેમી
  • (6) રાજનૈતિક (રાજકીય) 

ટર્મેને બુદ્ધિલબ્ધિ અનુસાર વ્યક્તિત્વના નીચે મુજબ નવ પ્રકાર પાડ્યા છે. 

  • (1) પ્રતિભાશાળી 
  • (2) પ્રખર બુદ્ધિ 
  • (3) તીવ્ર બુદ્ધિ
  • (4) સામાન્ય બુદ્ધિ 
  • (5) મંદબુદ્ધિ 
  • (6) નિર્બળ બુદ્ધિ
  • (7) મૂર્ખ 
  • (8) મૂઢ 
  • (9) જડ

યુંગ નામના મનોવિજ્ઞાનીએ પણ લાગણીઓ, રાંવેદનાઓ, અભિવ્યક્તિઓ અને વિચારોને આધારે વ્યક્તિત્વના નીચે મુજબ ત્રણ પ્રકાર પાડ્યા છે.

  • (1) અંતર્મુખી વ્યક્તિત્વ 
  • (2) બહિર્મુખી વ્યક્તિત્વ
  • (3) ઉભયમુખી વ્યક્તિત્વ 

(2) વ્યક્તિત્વનાં પાસાંલક્ષી સિદ્ધાંત (વ્યક્તિત્વના લક્ષણોલક્ષી સિદ્ધાંત) :

    આ સિદ્ધાંત વ્યક્તિમાં દઢ થયેલી કેટલીક ક્ષમતાઓ, સ્વભાવગત આદતો (ટેવો), લક્ષણો વગેરેના અભ્યાસ દ્વારા મનુષ્યના વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયાસ કરે છે. કાર્ડ્ઝ, થ, કેટલ, ઓલપોર્ટ અને શેન્ક નામના મનોવિજ્ઞાનીઓએ જુદાં જુદાં લક્ષણોની વિશિષ્ટતા, મનુષ્યમાં તે લક્ષણોની સામાન્ય સ્થિતિ અને તે દ્વારા સમગ્ર વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો. લક્ષણલક્ષી અથવા વ્યક્તિત્વનાં પાસાંઓના સમુચ્ચય સ્વરૂપે વ્યક્તિનું અર્થઘટન કરતા આ સિદ્ધાંતમાં વ્યક્તિત્વનાં તમામ લક્ષણો અથવા ઘટકોનો સમુચ્ચય અને તેમની આંતરક્રિયા દ્વારા ઉભરતી વ્યક્તિની છાપ સૂચવે છે.

    મોર્ગન નામના મનોવિજ્ઞાનીએ વ્યક્તિલક્ષણોને સ્વાભાવિક રીતે દઢીભૂત થયેલું વિશિષ્ટ અને લાક્ષણિક એવું વ્યક્તિત્વનું પાસું ગણે છે. આવાં લક્ષણોમાં ચપળતા, વિચારશીલતા, સંવેદનશીલતા, મહત્ત્વાકાંક્ષા, સ્વમાન અને ચીવટ જેવાં અનેક લક્ષણોનો સમાવેશ થાય છે, જે બધાં જ વ્યક્તિત્વ સાથે સંકળાયેલ છે. આ બધાં લક્ષણો પર્યાવરણ સાથેના અનુકૂલન તેમજ આનુવંશિકતા સાથેના અનુકૂલન દરમિયાન અથવા પ્રસંગોપાત વ્યક્તિના મનમાં દઢીભૂત થઈ ગયેલા હોય છે. અંગ્રેજી ભાષામાં વ્યક્તિત્વના ખ્યાલ સાથે સંકળાયેલા 17950 જેટલાં વિશેષણો શબ્દકોષમાંથી મળી આવે છે, જે પૈકી બિનજરૂરી તેમજ સમાનાર્થી એવાં વિશેષણોને મોર્ગને અલગ કર્યા અને પછી તેને સહસંબંધી ધરાવતા 35 ગુણસમુદાયોની યાદી બનાવી. આ 35 ગુણસમુદાયોમાંથી તાત્ત્વિકપણે ગુણસમુદાયો પસંદ કરવામાં આવ્યા. જે પૈકીના થોડા સંવેદનશીલ, દઢનિશ્ચયી, વિચારશીલ, શક્તિશાળી વગેરે છે. 

(3) સમગ્રતાલક્ષી સિદ્ધાંત (Overall Structure Theory) :

    વ્યક્તિત્વ એ જુદા જુદા ત્રણ લક્ષણોનો માત્ર સરવાળો કે સમુચ્ચય નથી, પરંતુ ફેરફારયુક્ત ઘટકોના સાતત્યના ફલસ્વરૂપ ઉભરતી સમગ્ર છાપ એ વ્યક્તિત્વ છે. દા. ત. ફિલ્મપટ્ટીનાં અનેક સ્થિર ચિત્રો એકસામટાં વારાફરતી સતત સિનેમાના પડદા પર પડતાં તેમાંથી દષ્ટિસાતત્યના સિદ્ધાંતને લીધે હાલતું ચાલતું ચલચિત્ર (Movie) ઉદ્દભવે છે. આ ચલચિત્ર એ નાનાં નાનાં સ્થિર ચિત્રોનો સમૂહ માત્ર નથી, પરંતુ તે તમામ ચિત્રોને ગતિશીલ અને સાતત્યપૂર્ણ સંયોજન દ્વારા પેદા થતી સમગ્ર ભાત છે. તે જ રીતે આ સિદ્ધાંત વ્યક્તિના વ્યક્તિત્વને સમગ્રતાલક્ષી અભિગમ દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે. તેથી જ આ સિદ્ધાંતને “ગતિશીલ સમગ્ર' (Dynamic Whole) તરીકે પણ ઓળખવામાં આવે છે. 

    આ સિદ્ધાંત દરેક વ્યક્તિ તેનાં પોતાનાં લક્ષણો, આ લક્ષણોની પરિવર્તનશીલતા અને ગતિશીલતા તેમજ તેનાં લક્ષણોના સંયોજનના સાતત્યની દૃષ્ટિએ અલગ ગણે છે. આ ભિન્નતા એ સમગ્રતાલક્ષી ભિન્નતા છે. અર્થાત્ કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે અમુક લક્ષણો, વર્તન કે વ્યવહારમાં સમાન હોઈ શકે, પરંતુ જયારે “ગતિશીલ સમગ્ર'ના સ્વરૂપે અથવા સમગ્રતયા જોવામાં આવે ત્યારે વ્યક્તિ અનન્ય છે એમ પ્રતીતિ થાય છે. આમ, સમગ્રતાવાદની (Gestalt Psychology) આ સિદ્ધાંત પર ખૂબ જ ઊંડી અસર જોવા મળે છે. આમ, આ સિદ્ધાંત દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વની વિશિષ્ટ, પરિવર્તનશીલ, અનન્ય અને જીવંત છાપનો ખ્યાલ સહેલાઈથી આવી શકે છે.

     વ્યક્તિત્વ અનેક પરિબળો, લક્ષણો, ઘટકો અને પાસાંઓથી વીંટળાયેલું છે. વ્યક્તિત્વ એ અત્યંત વ્યાપક, વિશાળ અને સંકુલ સંકલ્પના છે. વળી, તેની વ્યાપકતાને લીધે વ્યક્તિત્વનો અભ્યાસ જુદાં જુદાં ક્ષેત્રો સાથે સંકળાયેલી વ્યક્તિઓ કરતી હોય છે. દા. ત. આવાં નિષ્ણાંત અભ્યાસીઓ પૈકી કેટલાક શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે. તો કેટલાંક વળી તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય છે. આ કારણથી તે દરેકની અભ્યાસ પદ્ધતિઓ જુદી - જુદી હોય છે. દરેક નિષ્ણાંત અભ્યાસી પોતાને અનુકૂળ હોય એવી અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમ કે કેટલાક તજજ્ઞો મુક્ત સાહચર્ય પદ્ધતિનો ઉપયોગ કરે છે, તો અન્ય કેટલાક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો વિનિયોગ કરે છે. કેટલાક તજજ્ઞો તો વળી પોતાની વિશિષ્ટ પદ્ધતિ વિકસાવીને વ્યક્તિત્વનો અભ્યાસ કરે છે. આ જ કારણથી વ્યક્તિત્વના સિદ્ધાંતમાં એકવાક્યતાને બદલે ઉપર દર્શાવ્યા મુજબની ભિન્નતા જોવા મળે છે. 


શાળા અને વ્યક્તિત્વ વિકાસ :

    શાળા એ સમાજની લઘુઆવૃત્તિ છે. શિક્ષણ માત્ર શાળાની ચાર દિવાલોમાં પ્રાપ્ત થતું નથી પરંતુ શિક્ષણમાં વાતાવરણનો પણ મહત્ત્વનો પ્રભાવ હોય છે. બાળકને પૂરા પાડવામાં આવતા અનુભવમાંથી પણ શિક્ષણ મેળવે છે. આથી શાળાએ બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ. 

(1) શાળાના આજુબાજુના વાતાવરણમાંથી બાળક શીખતો હોવાના કારણે શાળાનું આજુબાજુનું વાતાવરણ પ્રેરક અને આદર્શ હોવું જોઈએ.

(2) બાળકના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે તેની યોગ્ય સમજ કેળવવી.

(3) બાળક સાથે આત્મીયતાપૂર્ણ વ્યવહાર, સહાનુભૂતિભર્યું વલણ દાખવવું જોઈએ.

 (4) બાળક દેશનો આદર્શ અને પ્રામાણિક નાગરિક બને તેવા પ્રયાસો કરવા જોઈએ. 

(5) વિદ્યાર્થીઓમાંથી ક્ષોભ અને સંકોચ દૂર કરી આત્મવિશ્વાસ કેળવવો જોઈએ.

(6) બાળકનામાં વિચારશક્તિ, આયોજનશક્તિ, નેતૃત્વ, સહકાર અને સંઘભાવના જેવા ગુણો ખીલી ઉઠે તે માટે નિબંધલેખન, ચિત્રસ્પર્ધા, સંગીતસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. છે. 

(7) શાળામાં વિવિધ રાષ્ટ્રીય અને સામાજિક પર્વોની ઉજવણી, સમાજસેવાના કાર્યક્રમો, વ્યવસાયલક્ષી માર્ગદર્શન, શ્રમશિબિરો, N.C.C., સ્કાઉટીંગ, પ્રવચનો, પવરોહણો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતસંગીત જેવી પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ.

(8) શાળાના આચાર્ય, શિક્ષકગણ, કર્મચારીગણ વગેરેનો વર્તન-વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જેને અનુસરીને બાળક પોતે પણ કંઈક શીખતો હોય છે.

(9) સ્વચ્છતા અને સુઘડતાનાં મૂલ્યો સમજાવી શારીરિક સ્વચ્છતા, ઘરની સ્વચ્છતા, શેરીની ને ગામની સ્વચ્છતાનું મૂલ્ય સમજાવવું જોઈએ.

(10) સામાજિક અનુકૂલન સાધી શકે તે માટે સામાજિક સંસ્થાઓની મુલાકાતો યોજવી જોઈએ. 

(II) અભ્યાસક્રમમાં બાળકનો વ્યક્તિત્વ વિકાસ થાય તેવી બાબતોનો સમાવેશ કરવો જોઈએ. 

(12) બાળકના શારીરિક-માનસિક સ્વાથ્ય જાળવવા આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવું જોઈએ 

(13) બાળકમાં મૂલ્યો, વલણો, સુટેવોના ઘડતર માટે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. 

(14) પહેરવેશ અને કપડામાં સુઘડતા, સાદાઈ અને આકર્ષતાનું મહત્ત્વ સમજાવવું જોઈએ.






About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.