19મી સદીની શરૂઆત સુધી શાળા-મહાશાળા કક્ષાએ સજાએ શિક્ષણનો અંતર્ગત ભાગ હતી. આ સમય દરમિયાન શાળા કક્ષાએ સજાનો ઉદ્દેશ હકારાત્મક હતો. બાળક ભણવામાં હોંશિયાર ન હોય તો તેને લાયક સજા કરીને હોંશિયાર બનાવવાનો પ્રયાસ થતો હતો !!! આ વાતને આધુનિક માનસવિદોનું આંશિક સમર્થન મળે છે. તેઓ કહે છે સજાનો ભય વિદ્યાર્થીઓને નકારાત્મક વર્તન કરતાં રોકે છે. શિક્ષકો પણ સજાને અનુસરતા કારણ કે, તે સમયે સજા અધ્યયન-અધ્યાયન પ્રક્રિયામાં ઝડપી ઉદ્દીપક અને પ્રતિચાર ગણાતી હતી. આ સમયે એમ પણ કહેવાતું કે “સોટી વાગે સમ સમ વિદ્યા આવે ધમ ધમ' સ્ટેફી (Stephey-2009) નોંધે છે કે, “વર્ગમાં ઈચ્છનીય વ્યવસ્થા જાળવવા અને અસરકારક શિક્ષણ કાર્ય કરવા માટે સજા ઝડપી અને અસરકારક માધ્યમ હતું.”
આજે, શિક્ષણ જગતમાં સજા નિંદનીય બની છે. સજા કરવી ગેરકાયદેસર ગણાય છે. તેના વિરોધમાં અને તરફેણમાં ચર્ચાઓ થાય છે. કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક સજા વિદ્યાર્થીના વર્તન વ્યવહારમાં બદલાવ કે સુધારો લાવવા માટે આવશ્યક ગણાતી નથી.
કેળવણીકાર ગુણવંત શાહ નોધે છે. “સોટી વાગે સમ સમ, વિદ્યા આવે ધમ ધમ - આ વાક્યના પૂર્વાધ વિશે મને શંકા નથી પણ તેના ઉત્તરાર્ધ વિશે શંકા છે.” અર્થાત્ સજા એ સુધારા કે બદલાવની પૂર્વશરત નથી. નિયમબદ્ધ રીતે વર્તન-વ્યવહાર શીખવવા માટે સજા એ અંતિમ માર્ગ છે. તમામ પ્રયાસો નિષ્ફળ નીવડે ત્યારે ન છૂટકે સજાનો સહારો અને તે પણ તેના વિઘાયક પરિણામો આપી શકે એમ હોય ત્યારે જ લેવો. સજા અને તેનું માનસશાસ્ત્ર સમજવા માટે સજાની સંકલ્પના સમજવી આવશ્યક છે. તેના પર દૃષ્ટિપાત કરીશું.
સજાને મનોવૈજ્ઞાનિક, સામાજિક અને શૈક્ષણિક સ્તરે સમજવા માટે કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે :
વ્યાખ્યાઓ :
‘Harsh punishment - including corporal punishment has been asscociated significantly with adolescent depression and distress? - Mcloyd and others-1944
“સજા એટલે વર્તનમાં અપેક્ષિત બદલાવ લાવવા માટે કરવામાં આવતી ગમતી કે ન ગમતી કોઈપણ પ્રક્રિયા.”
Corporal punishment - is the use of physical force causing pain but not wounds, as a means of discipline. - UNISEF
‘Corporal Punishment is the use of physical force intended to cause pain, but not injury, for the purpose of correcting or controlling a child's behaviour.' - Straus and Donnelly (2005)
Punishment - is only a method of discipline and corporal punishment is only one aspect of punishment. - Sanderson(2003)
The Long-term use of corporal punishment tends to increase the probity of deviant and antisocial behaviours, such as aggression adolescent delinquency and violent act's inside and outside the school. - Straus(1991)
Corporal punishment would be classified as physical, mental harassment and dicrimination.' RTE ACT-2009
સજાની સંકલ્પના સમજવામાં અને મનોવૈજ્ઞાનિક સ્તરે તેની અસરો તપાસવામાં ઉપર જણાવેલી કેટલીક વ્યાખ્યાઓ ઉપકારક નીવડે છે. વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે :
વ્યાખ્યાઓના વિશ્લેષણથી ફલિત થાય છે કે, સજાનું મનૌવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે અને મનોવિજ્ઞાનના સામાજિક સ્તરે પણ તેનો સંબંધ છે. આ ક્ષેત્રમાં અનેક સંશોધનો થયાં છે અને ઘણી ઉપયોગી માહિતી અને વિચારો પ્રાપ્ત થયા છે.
શરીરશાસ્ત્ર અને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્ર ઉપરાંત વર્તનનું મનોવિજ્ઞાન પણ, સજાની અસરોના અભ્યાસમાં અગ્રેસર છે. પરંતુ, મહદ્અંશે સજાના પ્રશ્નની દશ્યમાન એવી ઉપરછલ્લી બાબતોની નોંધ લેવાય છે. તેની ગર્ભિત અસરો વર્ણવાયેલી છે.
સજાનું ક્ષેત્ર અત્યંત વ્યાપક છે. ઘર, શાળા, સમાજ, રાષ્ટ્ર અને પ્રકૃતિનાં તત્ત્વો સુધી તેનો વ્યાપ છે. ઘરમાં બાળક માતા-પિતાની ઈચ્છાથી વિપરિત વર્તન કરે ત્યારે માતા-પિતા તેના ફળ સ્વરૂપે બાળકને તેની ઈચ્છિત બાબતથી વંચિત કરે છે. જેમ કે, જો બાળક ગૃહકાર્ય ન કરે તો તેને ટીવી જોવા દેવામાં ન આવે. ઉદ્દીપક અને પ્રતિચારની આ બેડી આગળ જતાં બંધન રૂપ બને છે. અને વળી, સ્વીકાર્ય બને છે. પરિણામે વિપરિત કાર્યના બદલા સ્વરૂપે દંડની જોગવાઈનું રૂપ લે છે. આમ, સજાની વિચારસરણી બંધાય છે અને સજાનું સ્વરૂપ ઘડાય છે.
વીસમી સદીના પૂર્વાર્ધમાં ઈ.સ. 1938 અને 1944માં વર્તનવાદી મનોવૈજ્ઞાનિક બી.એફ. સ્કીનર અને ઈસ્ટેસે સજા પર પ્રયોગાત્મક સંશોધનો કર્યા હતાં. જે આજે પણ અગત્ય ધરાવે છે. તેમણે ઉંદરો પર કરેલા પ્રયોગો પરથી ફલિત થતું હતું કે, સજાની અસર અધ્યયન પ્રક્રિયા સ્વરૂપે લાંબો સમય ટકતી નથી. તેમના પ્રયોગોમાં, ઉદર જો કળ દબાવે તો પ્રતિચાર રૂપે ઉંદરોને ખોરાક પ્રાપ્તિ થતી હતી. સમયાંતરે કળ દબાવવાના ફળ સ્વરૂપે મળતો ખોરાક બંધ કરવામાં આવ્યો. તેમ કરવા છતાં પરિણામ એ આવ્યું કે કળ દબાવવાની ઉંદરોની ક્રિયાની માત્રામાં ઘટાડો ન થયો. તે પછી, પ્રયોગમાં કળ દબાવવાના પરિણામ સ્વરૂપે ઈલેક્ટ્રિકનો હળવો આંચકો આપવાનું શરૂ કરવામાં આવ્યું. એમ છતાં, પ્રયોગમાત્ર ઉદરોમાં કળ દબાવવાની ક્રિયાની માત્રામાં નોંધપાત્ર ઘટાડો જણાયો નહિ. પ્રયોગના અંતે એવું પ્રતિપાદિત થયું કે “વર્તનમાં ઈચ્છનીય કે નોંધપાત્ર ફેરફાર લાવવા માટે સજા બિન અસરકારક છે.” સ્કીનરે પ્રયોગના અંતે નિષ્કર્ષ આપ્યો છે કે, “સજા એ વર્તનને બદલવા માટેના સામાજિક ઉપકરણ તરીકે બિન-અસરકારક છે. science and human Behaviour (1953) પુસ્તકમાં બી.એફ. સ્કીનરે સજા દ્વારા વર્તન પરિવર્તનની વિફળતાની વિસ્તૃત ચર્ચા કરેલ છે.
ઈ.સ. 1960ની શરૂઆતમાં સોલોમન, હોલ્મ અને અઝરીમ જેવા મનોવૈજ્ઞાનિકોએ પ્રતિપાદિત કર્યું હતું કે, સજા એ વર્તન પરિવર્તન અને વર્તન પરિમાર્જન માટેનું સામાજિક સાધન નથી. સજાનું સત્ય એ છે કે, સજાથી વ્યક્તિનું અનઅપેક્ષિત વર્તન અટકે છે, બદલાતું નથી. અર્થાત્ વર્તન પ્રેરનારી વૃત્તિઓનું દમન થાય છે તેનું રૂપાંતરણ કે ઉર્વીકરણ થતું નથી. શિક્ષણ એ વ્યક્તિના રૂપાંતરણ અને ઉર્વીકરણની બહુમુખી પ્રક્રિયા છે અને સજા તેમાં બિનઅસરકારક છે. ક્યારેક અડચણ પણ બને છે. સજાના માનસને સમજવા સજાનો પ્રકારો સમજવા પ્રયત્ન કરીશું.
શિક્ષા દ્વારા શિસ્તના પ્રયાસો સામે પ્રશ્નાર્થ થયો ત્યારે સમજણ દ્વારા શિસ્ત આવકાર્ય બની. શિક્ષા કરવાથી ફાયદો થાય છે ખરો? કદાચ ફાયદો થાય છે એમ માની લઈએ તોપણ બીજા જે ગેરફાયદા થાય છે તેની સરખામણીમાં એ ઘણું નજીવી છે. શિસ્તનો સંબંધ સુવ્યવસ્થા સાથે છે. વ્યવસ્થા જળવાય એ જરૂરી છે પરંતુ, તે માટે યોગ્ય રીતે અજમાવવી એટલી જ જરૂરી છે. પ્રશ્નના ઉકેલ માટે શિક્ષક હાથે વાપરવો મુનાસિબ નથી પણ મગજ વાપરવું આવશ્યક છે. સજા કેવી અને કેવી રીતે ? સજાના વિવિધ પ્રકારો દ્વારા આ બે પ્રશ્નો સ્પષ્ટ થાય છે.
બી.એફ. સ્કીનર સજાના બે પ્રકાર પાડે છે :
(1) હકારાત્મક સજા, (2) નકારાત્મક સજા
(1) શારીરિક સજા : કોઈપણ શારીરિક અંગને દુઃખ પહોંચાડવું
(2) શાબ્દિક સજા : અપમાનિત કરતા શબ્દોનો પ્રયોગ
(3) શરતી સજા : જા આ કામ નહીં કરો તો ફરવા ન જવાય
(4) દંડાત્મક સજા : ટ્રાફિક નિયમનો ભંગ બદલ રૂ.પાંચસોનો દંડ
(5) બૌદ્ધિક આત્મિક સજા : સમજાવટ અને ભાવાત્મક અનુસંધાન
ઉપરના પાંચ પ્રકારોમાં પહેલા બે પ્રકારની સજા નિમ્ન પ્રકારની છે. અને નકારાત્મક પરિણામો લાવનારી છે તે ટાળવી જોઈએ. પછીના બે પ્રકારની સજા મધ્યમ કક્ષાની છે. ત્રીજા પ્રકારની સજામાં પ્રલોભનથી વર્તન પર અસર વરતાય છે. સમજણનો વિકાસ થતો નથી. લાંબા ગાળે વ્યક્તિ પ્રલોભન વગર કામ કરવા પ્રેરાતો નથી. ચોથા પ્રકારની સજા ન છૂટકે, નિયમોની અને વ્યવસ્થાપની જાળવણી માટે આવશ્યક છે. પરંતુ આ પ્રકારની સજાથી વ્યક્તિમાં વર્તન પરિવર્તન આપવાની ખાતરી આપી શકાતી નથી. સજાનો છેલ્લો પાંચમો પ્રકાર ઉચ્ચ છે. વ્યક્તિના વર્તન વ્યવહારમાં સમજણપૂર્વક અને ભાવપૂર્વકનું પરિવર્તન થાય છે. આ પ્રકારની સજા વ્યક્તિમાં મનોવૈજ્ઞાનિક સ્તરે અને ભાવાત્મક સ્તરે હકારાત્મક અને દીર્ધકાલીન અસર ઉપજાવે છે.
આમ છતાં, સજાનો ક્યો પ્રકાર કેવું પરિણામ લાવશે એ બાબત વ્યક્તિ અને સ્થિતિ સાથે સાપેક્ષ છે. સજા કરનારને સજા પાછળનો ભાવ અને જેને સજા કરવામાં આવી છે તેનો સજા અને સજા કરનાર પરત્વનો ભાવ એ સજાની અસરકારકતા માટેનાં કાર્યકારી બળ છે. સજા અને દંડ વ્યક્તિને સુધારી શકતા હોય તો અપરાધભાવના સ્થાને અપરાધની બોલબાલા ઓછી હોત જેલમાં જનાર કેદી સુધરે કે રીઢો ગુનેગાર બને છે? આ યક્ષ પ્રશ્ન છે. સજાના ડર કરતાં સજાના આશયની અને અપરાધભાવની સમજણ વધે તો સજા સાર્થક બને અન્યથા નહીં. શાળા મહાશાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે બૌદ્ધિક અને આત્મિક સ્તરે ભાવાત્મક સંબંધ સ્થાપી સજાને પણ મજામાં ફેરવવાનું શક્ય છે. આવશ્યકતા છે માત્ર સકારાત્મક ભાવની, અન્યોન્યને ઓળખવાની અને પરસ્પરને જાળવવાની શરૂઆતની.
મોડેલ એટલે નમૂના, પ્રતિમાન કે અનુકરણીય દષ્ટાંત. કોઈપણ વ્યક્તિના વર્તન વ્યવહારનો અભ્યાસ કરવા માટે વ્યક્તિના વર્તનના નિરીક્ષણ ઉપરાંત વર્તન પર અસર કરતી મનોદશા અને ચિત્તદશાને પણ ચકાસવામાં આવે તો જ વર્તનનાં કારણો અને ઉપચાર જાણી શકાય. વ્યક્તિનું વર્તન માત્ર શારીરિક નથી પરંતુ મનોશારીરિક છે. તે જાણ્યા કે સમજયા વિના તેને સજા કે શિક્ષા કરવી એટલે નવા પ્રશ્નો ઊભા કરવા જેવું થાય. જ્યારે આપણે નિયમોની વાત કરીએ છીએ ત્યારે નિર્ધારિત નિયમોના ઉલ્લંઘન માટે શિક્ષા અથવા સજા દ્વારા નિયમ પાલન કરવા પ્રેરાઈએ છીએ. પરંતુ, આ પ્રમાણે આચરણમાં મૂકાતા નિયમોથી ઊભા થતા પ્રશ્નોના ઊંડાણમાં જતા નથી.
વર્તન વ્યવહાર જેમ શરીર, મન અને ચિત્ત સાથે સંકળાયેલું છે તેમ, સજાની અસરો પણ શરીર મન અને ચિત્ત પર અસર કરે છે. આ અસર ક્યારેક વર્તન સુધારવા કરતાં વર્તન વ્યવહારના કેટલાંક નવા પ્રશ્નો ઊભા કરે છે. આ બાબતોને તપાસવા માટે સજાના ઉદ્દેશોને ચકાસવા પડે. સજા સામાન્યતઃ બે ઉદેશોને લક્ષમાં રાખીને થાય છે.
આ બે ઉદ્દેશોને લક્ષમાં રાખીને શાળા-મહાશાળા કક્ષાએ અને સામાજિક સ્તરે શિક્ષક-વિદ્યાર્થી અને માતાપિતાના વર્તન વ્યવહારો વિકસે છે. તેને આધારે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં શિક્ષક-વિદ્યાર્થી અને વાલીના સંબંધોના કેટલાંક મોડેલ (પ્રતિમાન) વિકસાવવામાં આવ્યાં છે. જેને સંબંધોનો પ્રતિમાન (Models of Relationship) તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ તેના માટે ઊભી થયેલ પરિસ્થિતિમાં તેની માન્યતાઓ, અભિગમો, અનુભવો, ભાવાવરણ આવેગો વગેરેને આધારે કેવા પ્રકારની વર્તણૂક કરે છે અથવા પ્રતિક્રિયા આપે છે તેના પરથી સંબંધોના મોડેલ વિશે સ્પષ્ટતા મળે છે.
સ્થાપિત સત્તાના મોડલમાં સત્તા પર વ્યક્તિ બિરાજમાન હોય છે. આ વ્યક્તિ કોઈ અધિકારી, આચાર્ય, શિક્ષક કે સ્વયં વાલી પણ હોઈ શકે છે. આ મોડેલ પ્રમાણે સ્થાપિત સત્તા એટલે કે અધિકારી અથવા આચાર્ય તેના આધિપત્યમાં આવેલા શિક્ષક કે વિદ્યાર્થી પાસે જે પ્રકારના વર્તનની અપેક્ષા રાખવામાં આવે તે પ્રકારના વર્તન માટે દબાણ, ટીકા, હઠ અને ક્યારેક શિક્ષા કે સજન પણ આશરો લે છે. આધિપત્ય અથવા અધિકાર હેઠળ આવેલી વ્યક્તિએ સ્થાપિત સત્તાના કહ્યા પ્રમાણે કરવાનું હોય છે. તેમાં તેની પોતાની લાગણી કે વિચારોને સ્થાન હોતું નથી. કોઈ એક શિક્ષક જો સ્થાપિત સત્તા અથવા આચાર્ય ઈચ્છે એ પ્રમાણે વર્તન વ્યવહાર ન કરે તો સત્તા તે વ્યક્તિને તેના અનિચ્છનીય વર્તન વ્યવહાર બદલ દંડ અથવા તેની ભૂલના પ્રમાણમાં સજા કરવાની સત્તા ધરાવે છે.
સ્થાપિત સત્તાના પ્રતિમાન પ્રમાણે ક્યારેક તે વ્યક્તિ પોતે જે કરે તે સારું અને તેજ સાચું છે એમ માનીને સ્થાપિત હિત વિરુદ્ધ જઈને કાર્ય કરે ત્યારે સ્થાપિત સત્તાનો ઉપયોગ થાય છે. અહીં, સજાનો આશય વ્યક્તિની અસામાન્ય વર્તણૂકના નિયમન માટેનો છે. માનસિક અને ચૈતસિક સ્તરે થતી સમજાવટ છતાં વર્તન સુધાર ન થાય તો આ પ્રતિમાન ઉપયોગમાં લેવાય છે. અહીયાં, વ્યક્તિ ખોટી છે તેનું પ્રતિપાદન નોંધપાત્ર બને છે. આ પ્રતિમાનમાં અસાધારણ વર્તણૂકનું નિયમન થાય છે પરંતુ, વ્યક્તિની સામાન્ય વર્તન તરફ અભિપ્રેરિત થવાની સંભાવના મોટાભાગે નહિવત્ રહે છે. સજા પામેલી વ્યક્તિ સ્થાપિત સત્તાની માત્ર સજાને જ ગ્રહણ કરે અને જો સજા પાછળ રહેલા હેતુને ન ગ્રહણ કરે તો અર્થ નથી
સમાજમાં અને શિક્ષણજગતમાં આ મોડેલ ખૂબ જ આવકાર્ય છે. આ મોડેલ પ્રમાણે વર્તન વ્યવહારમાં ક્ષતિ કરનાર પાત્રને નૈતિક અને સાંવેગિક સહાનુભૂતિ આપવામાં આવે છે. સજાના સ્થાને ભૂલ કરનાર પાત્રને ભૂલ સુધાર માટે તક આપવામાં આવે છે. જેમાં સજા કરનાર અને ભૂલ કરનાર પાત્રની પરસ્પરની લાગણી અને સમજણ મુખ્ય છે. અહીં ભૂલ કરનાર પાત્રની ભૂલ તરફ નિર્દેશ કરવામાં આવતો નથી. પણ થયેલ ભૂલના કારણો કે મૂળ વિશે વિચાર કરવામાં આવે છે અને ભૂલ સુધારા માટે નિર્દેશ થાય છે. અન્યના યોગ્ય વર્તન વ્યવહાર પરથી વિદ્યાર્થી પ્રેરિત બને છે. અહીં સજા કરવા કરતાં ફરી ભૂલ ન થાય તે માટે પ્રેરિત કરવામાં આવે છે.
શિક્ષક વિદ્યાર્થીને સજા કરવાના બદલે વિદ્યાર્થીનો અભિગમ બદલવાનો પ્રયાસ કરે ત્યારે આ મોડેલનો ઉપયોગ થયો એમ કહેવાય. વિદ્યાર્થીઓનો અભિગમ બદલવા શિક્ષકે વખતો વખત માર્ગદર્શન અને સલાહ આપે છે. દષ્ટાંત પુરા પાડે છે. વળી, પોતે પણ દષ્ટાંતરૂપ બને છે. આમ, વિદ્યાર્થીને જવાબદાર નાગરિકની ભૂમિકા પર લઈ જાય છે.
કશું ન કરવું એ પણ કંઈક કરવાની એક રીત છે. એ પ્રમાણે વિદ્યાર્થીઓના વર્તનવ્યવહાર અને અભિગમ પ્રત્યે ઉદારદિલ રહેવું એ આ પ્રતિમાનની લાક્ષણિકતા છે. આ સંજોગોમાં શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પરના વર્તન વિશે ચોક્કસ થઈ શકાતું નથી. વર્તન વ્યવહારમાં કાર્ય-કારણનો સંબંધ નિશ્ચિત કરી શકાતો નથી. સાચું શું છે અને ખોટું શું છે. અથવા સારું શું છે અને ખરાબ શું છે તે નક્કી કરવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીના વર્તન વ્યવહારની પ્રતિક્રિયારૂપે શિક્ષકનો વ્યવહાર તેના જે તે સમયના લાગણી પ્રવાહ પર નિર્ભર રહે છે. આ કારણે, વિદ્યાર્થી દ્વિધાની લાગણી અનુભવે છે. વિદ્યાર્થી તણાવ અનુભવે છે. યોગ્ય માર્ગદર્શનનો અભાવ અનુભવ છે.
સંશોધનો જણાવે છે કે, આ ત્રણેય પ્રકારના મોડેલ્સ સમાયાંતરે દરેક સંસ્થામાં અને વ્યક્તિમાં જોવા મળે છે અને એમ બનતાં નવું મોડેલ ઉદ્ભવે છે.
મિશ્ર પ્રતિમાનમાં ઉપરનાં ત્રણેય પ્રતિમાનો (સ્થાપિત સત્તાનું પ્રતિમાન, પ્રત્યક્ષ પ્રમાણ નિર્ધારિત સહયોગ, સહિષ્ણુતા અભિગમ) નો સમાવેશ જોવા મળે છે. જ્યારે જે મોડેલનાં ઘટકોની આવશ્યકતા હોય ત્યારે તે મોડેલનું અમલીકરણ કરવામાં આવે છે.
શિક્ષક-વિદ્યાર્થી અને વાલીના સંબંધોના ઉપર જણાવેલ મોડેલ્સ પર થયેલા સંશોધનોનાં તારણો ખૂબજ રસપ્રદ અને જાણવા જેવાં છે. ઈ.સ. 1994માં Thomas Alvira એ કરેલા સંશોધનનાં તારણો દર્શાવે છે કે : 20 % કુટુંબોમાં સ્થાપિત સત્તાના પ્રતિમાન મુજબનો વ્યવહાર જોવા મળ્યો હતો. 41 % કુટુંબો પ્રત્યક્ષ પ્રમાણ નિર્ધારિત સહયોગ ને અનુસરતાં હતાં. માત્ર 7 % કુટુંબ સહિષ્ણુતા અભિગમને અનુસરતા હતાં અને 32 % કુટુંબો મિશ્ર પ્રતિમાનનો હિમાયતી હતાં. સંશોધન પરથી ફલિત થાય છે કે વ્યવહારમાં સામંજસ્યપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા અને જાણવા માટે પ્રત્યક્ષ પ્રમાણ નિર્ધારિત સહયોગ એ ઉત્કૃષ્ટ પ્રતિમાન છે.
“Teach, don't hit, Educate, don't punish.” UNICEF ના આ વિધાન દ્વારા ફલિત થાય છે કે, શિક્ષા અથવા સજાથી શિક્ષણ સાર્થક બનતું નથી પરંતું, સાચું શિક્ષણ હશે તો સજાની જરૂર નહીં રહે.
વિદ્યાર્થીઓ અઠવાડિયાના 36 થી 40 કલાક શાળામાં વિતાવે છે. જહૉન ડ્યૂઈ, અમેરિક ફિલસૂફ કહે છે કે, શાળા એ The School is a society of miniature) “સમાજની લઘુઆવૃત્તિ છે.” આ વિધાનને મનોવૈજ્ઞાનિક સ્તરે તપાસીએ. બાળક શાળામાં શીખે તે પહેલાં ઘરમાં શીખતું હોય છે. એ રીતે જોતાં ઘર એ બાળકની પ્રથમ પાઠ શાળા છે અને શાળા એ બાળકનું બીજું ઘર છે. વળી, માતા-પિતા એ બાળકનાં પ્રથમ શિક્ષક છે તો શિક્ષક એ બાળકના બીજા માતા-પિતા છે. જો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય તો આ સંબંધ માતાપિતા કરતાં પણ અગત્યનો છે એમ કહી શકાય !!! .
બાળક માતા-પિતા કરતાં વધારે માન તેના શિક્ષકને આપે છે. શિક્ષક જે કહે તે માને છે. વિદ્યાર્થીનો શિક્ષક પર કેટલો વિશ્વાસ હોય છે તે વાત આ બાબત પરથી ફલિત થાય છે.
વિદ્યાર્થીનો શિક્ષક તરફનો સંબંધ વિશ્વાસ આધારિત હોય તો શિક્ષકનો વિદ્યાર્થી તરફનો સંબંધ કદી સજા પર હોઈ શકે ખરો? કદાપી નહીં, શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ પ્રેમ આધારિત હોવો જોઈએ. તેમાં શિક્ષાને સ્થાન નથી. સજાને સ્થાન નથી. પ્રેમ, સહિષ્ણુતા, આદર, સન્માન, લાગણી અને ઐક્યપૂર્ણ સંબંધ હશે તો વિદ્યાર્થીના માનસપરિવર્તન માટે વિદ્યાર્થીના વર્તન-વ્યવહારમાં સુધારો લાવવા માટે સજાની જરૂર નહી પડે. માત્ર “પરસ્પર દેવો ભવ.” ની પ્રેમપૂર્ણ ભાવના જ પૂરતી છે. શાળાનું વાતાવરણ, વર્ગનું ભાવાવરણ જ એવું હોય કે જેમાં પ્રત્યેક બાળક આત્મ શિસ્ત માટે પ્રેરાય અને અસામાન્ય વર્તન ન કરે. ઓસ્કાર વાઈલ્ડના શબ્દોમાં શિક્ષકવિદ્યાર્થી સંબંધો કેવા હોવા જોઈએ અને તેની અગત્યતા શું છે તેનો સંપૂર્ણ સાર આવી જાય છે. ઓસ્કાર વાઈલ્ડ કહે છે. “શાળા તો ગામની સુંદરતમ્ જગ્યા એ હોવી જોઈએ. જો કોઈ બાળકને સજા કરવાની થાય તો તેને કહેવામાં આવે કે તું બે દિવસ નિશાળે ન આવતો !!!!!!!”
બાળકને નિશાળે આવવું સજારૂપ લાગે ત્યારે સ્પષ્ટ સમજાય છે કે શિક્ષક-વિદ્યાર્થી સંબંધોમાં માનસિક અને ચૈતસિક સ્તરે સાંવેગિક સંબંધ પ્રસ્થાપિત થયો નથી. નિશાળે ન આવવું એ બાળક માટે સજારૂપ લાગે તો સમજવું કે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધમાં સજાને કોઈ સ્થાન નથી. ઘરસભર અને પ્રેમપૂર્ણ વાતાવરણ સર્જવા માટે શિક્ષકે શું કરવું જોઈએ.
શિક્ષકે સજાના બદલે પ્રેમ દ્વારા વિદ્યાર્થીના વર્તનમાં વિધાયક પરિવર્તન અને પરિમાર્જન લાવવા માટે કેટલાંક માનસશાસ્ત્રીય સિદ્ધાંતોને અનુસરવા આવશ્યક છે. જેમ કે, અભિપ્રેરણાનો સિદ્ધાંત, રસરૂચિનો સિદ્વાંત, ક્રિયાશીલતાનો સિદ્ધાંત, જીવનલક્ષિતાનો સિદ્ધાંત, વૈયક્તિક ભિન્નતાનો સિદ્ધાંત, સર્જનાત્મક વિકાસનો સિદ્ધાંત, સામાજિક વિકાસનો સિદ્ધાંત, નૈસિર્ગક વિકાસનો સિદ્ધાંત, સુસંવાહિતા અને સમન્વયનો સિદ્ધાંત વગેરે.......
શિક્ષક વર્ગખંડમાં અને શાળામાં એક મનોવૈજ્ઞાનિક તરીકે વર્તન-વ્યવહાર કરશે અને બાળકોના વર્તનવ્યવહારની નોંધ લઈ તે પ્રમાણે શિક્ષણ કાર્ય કરશે તો સજાના પ્રશ્નો ઉદ્ભવશે નહીં.
સજા એ ક્ષણિક બનતી ઘટના છે. પરંતુ તેની અસરો દીર્ધકાલીન હોય છે. સજા એક સ્તરે થાય છે. પરંતુ તેની અસરો સર્વદશીય હોય છે. માત્ર શારીરિક સ્તરે કરેલી ક્ષણિક સજા વ્યક્તિના માનસ અને ચિત્તને પણ ક્ષતિ પહોંચાડે છે. અહીં પ્રશ્ન થાય છે, “સજા શા માટે ?”
સજાની તરફેણ કરનારા કહે છે,
આવાં અનેક કારણોના પરિણામે સજાની તરફેણ કરવામાં આવે છે. ત્યારે સજાની અસરોનો મનોવૈજ્ઞાનિક સ્તરે અભ્યાસ આવશ્યક છે.
ઈ.સ. 1997માં “બાળકને સજા: એક દ્રષ્ટિકોણ' વિષય પર થયેલા સંશોધનના આંકડા રસપ્રદ છે. સંશોધન પ્રમાણે, પુખ્ત વયના 47 % વ્યક્તિઓ માને છે કે બાળકને ક્યારેક આવશ્યકતાનુસાર સજા કરવી અતિ જરૂરી છે. 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સાથે રહેતાં 2 % માતા-પિતા માને છે કે કેટલીકવાર બાળકોને કારણ બતાવી ને સજા કરવી ઉપકારક છે. મહદ્અંશે સ્ત્રીઓ બાળકોને સજા કરવાની તરફેણ કરે છે કારણ કે તેમણે બાળકો સાથે વધુ સમય વિતાવવાનો હોય છે. 30 થી 60 વર્ષના પુખ્તવયના સ્ત્રી પુરુષો સજાની તરફેણ કરે છે. જ્ચારે 18-19 વર્ષના યુવાનો સજાને નકારે છે. તેની તરફેણ કરતા નથી,
આમ, કહી શકાય કે, સજાનાં વમળો બાળમાનસ સરોવરનાં શાંત જળમાં કાંકરી રૂપે છે. આ વમળો તેના સમગ્ર અસ્તિત્વ, કુટુંબ, સમાજ અને સમગ્ર વ્યવસ્થા પર અસર કરે છે. હવે, આપણે સજાના ઉપાયોની ચર્ચા કરીશું.
સજા અને તેની અસરો આપણે જોઈશું. સજાનો કોઈ વિકલ્પ હોઈ શકે ? સજાના ઉપાયોથી ચર્ચા દ્વારા આ પ્રશ્નનો ઉકેલ મળે તેમ છે.
આપણે જોયું કે સજાનાં મૂળિયાં ઘણાં ઊંડા છે. પ્રકૃતિમાં કોઈપણ પ્રક્રિયાનું પરિણામ બદલારૂપે છે, સજારૂપે નથી. પ્રકૃતિમાં સજા નથી, કર્મફળ છે. પ્રકૃતિના નિયમોને અનુસરવામાં આવે તો હકારાત્મક પરિણામ મળે છે. એન તે નિયમો તોડવામાં આવે તો નકારાત્મક પરિણામ નિશ્ચિત છે. અગ્નિમાં હાથ નાખો તો જલન નિશ્ચિત છે. આગમાં હાથ ન નાખવો એ સમજણ છે. જો આગના સ્વભાવ અને આગમાં હાથ નાખવાના પરિણામની જાણ થઈ જાય, સમજણ આવી જાય તો સત્ય સમજાઈ જાય.
14.0 પ્રસ્તાવના 14.1 સજાનો અર્થ અને સંકલ્પના 14.2 સજાનું ક્ષેત્ર અને સજા પર થયેલા સંશોધનો 14.3 સજાના પ્રકાર 14.4 સજાનાં પ્રતિમાન
14.41 સ્થાપિત સત્તાનું પ્રતિમાન 14.4.2 પ્રત્યક્ષ પ્રમાણ નિર્ધારિત સહયોગ
4.43 સહિષ્ણુતાનો અભિગમ
14.4.4 મિશ્ર પ્રતિમાન 14.5 શિક્ષક-વિદ્યાર્થી સંબંધોની અગત્યતા
14.6 સજાની અસરો-બાળમાનસ, માતાપિતા અને સમાજ પર
.14.6.1 સજાની બાળમાનસ પર થતી અસરો 14.6.2 સજાની માતા-પિતા અથવા વાલી પર થતી અસરો
14.6.3 સજાથી સમાજ પરની અસરો 14.7 સજાનાં ઉપાયો 14.8 ઉપસંહાર